કોણ માનશે ?

જો હું કહું કે –
હારેલા જુગારીની પેઠે
મારે બમણા જોરે
જીંદગીની રમતમાં રમવું છે
કોણ માનશે ?
ઓ જીંદગી –
તું મને જેટલી ગમે છે
મારે પણ તને એટલા જ ગમવું છે
કોણ માનશે ?

બેફામ જીવવાનાં બહાનાં

ઓ દિલ, અમે જો પ્રેમમાં ખુદાના બની જતા,
તો એ જ ખુદ અમારા દીવાના બની જતા.

જગમાં અમે જો એકબીજાનાં બની જતા,
આ ધરતી આભ કેટલાં નાનાં બની જતા.

તારા વિના જે દિવસો વીતાવ્યા છે મેં અહીં,
તું હોત તો એ મારા જમાના બની જતા.

નક્કી હતી અમારા જીવનમાં તો બેખુદી,
મયખાર નહિ થતે તો દીવાના બની જતા.

સારું થયું કે દિલને તમે વશ કરી લીધું,
નહિ તો અમે જગતમાં બધાંના બની જતા.

આ લાગણી ને અશ્રુ જો મળતે મર્યા પ્રથમ,
બેફામ જીવવાનાં બહાનાં બની જતા.