ચાલશે જમાના વગર !

વિચિત્ર રીતે કરું ક્યારેક મજાક ખુદની-
કે લખું પ્રેમપત્ર પણ સરનામા વગર !

જુઠાણાંને સાચાં જે ઠરાવી જાણે –
તેને ચાલે જરૂર કોઇ બહાના વગર !

દુ:ખો દુનિયાનાં ઘણાં દૂર થઇ જાય –
ચાલે માનવને જો કંઇ વિચાર્યા વગર !

કોણે કયારે બનાવ્યું આ જીવન કેવું –
કોણ ક્યારે કરમાય કોઇના વગર !

સ્વાભાવે પરવાનાથી ચડિયાતો વળી –
જલી જાઉં ઘણીવાર કોઇ શમા વગર !

રહ્યો હું ખરે જ જમાનાથી પાછળ
મિથ્યાભિમાને કે ચાલશે જમાના વગર !

કોઇ કોઇ વખત

કોઇ કોઇ વખત તને ભૂલી જવાય છે
દુનિયામાં કાંઇ પણ હવે માની શકાય છે

આકાશના એ રંગ તને યાદ તો હશે
રંગીન એટલું જ એ તારા વિનાય છે

હું ચાલતો રહ્યો છું અને ચાલ્યો જાઉં છું
જીવીજીવીને જાણે સમય થઇ જવાય છે

અય દોસ્ત ગઇ નથી હજી ગુંજાશ સ્મિતની
રોવાનાં કારણો તો મને પણ ઘણાંય છે

અહીં ‘હું જીવી રહ્યો છું’ ના જાહેર ચોકમાં
ક્યારેક ‘તું નથી’ ની હવા સંભળાય છે…

તારી સુવાસ

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી.

ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી.

શમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી.

એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.

એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે. – ‘મરીઝ’

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
– ‘મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
– ‘મરીઝ’

ફૂટપટ્ટી

ફૂટપટ્ટી

વીસ વરસ પછી આજે અમારા ‘ક્લાસ-ટીચર’ મળી ગયા
સ્હેજ વીલું મોં, પ્રાણ વિનાનાં પગલાં
જૂનો કોટ,
શાળાની નોકરીએ એમને આટલો જ વૈભવ આપ્યો છે.
હવે ‘રીટાયર્ડ’ થયા છે.
સિંહ જેવો એમનો રોફ હતો.
એમનો અવાજ નહીં, એમની ત્રાડ આખા ક્લાસને ધ્રુજાવતી
એ અમને ઊભા કરતા ને અમે પાટલૂનમાં થરથરતા
એક દિવસ ખરાબ અક્ષર માટે
એમણે મને હાથ પર ફૂટ મારેલું
તે હજી યાદ છે.
મને ઢીલા અવાજે કહે,
“તને તો ખબર છે મારા અક્ષર સુંદર અને મરોડદાર છે,
અને હું હિસાબના ચોપડા પણ લખી શકું છું.

પડે છે દુઃખ તો – બેફામ,

પડે છે દુઃખ તો અશ્રુ જેમ ઓગળતો રહું છું હું,
કે ઝાંખો થાઉં છું ત્યારે જ ઝળહળતો રહું છું હું.

તમારા રૂપનો આ તાપ જીરવાતો નથી મુજથી,
કે જ્યારે જ્યારે તમને જોઉં છું, બળતો રહું છું હું.

વિરહમાં જળ વિનાના મીન જેવી છે દશા મારી,
નથી તું ઝાંઝવા ને તો ય ટળવળતો રહું છું હું.

જીવનમાં સ્થિર થવાનાં સ્વપ્ન પૂરાં થાય કઇ રીતે ?
દશા એ છે કે નિદ્રામાં ય સળવળતો રહું છું હું.

લૂછીને અશ્રુ કોઇ મારા જીવનને ભરી જાઓ,
કે ખાલી જામ છું ને તે છતાં ગળતો રહું છું હું.

મળે એકાદ બે સુખના પ્રસંગો, એટલા માટે,
કથામાં તમને મારી સાથ સાંકળતો રહું છું હું.

પછી એ આપનાથી ભિન્ન રસ્તો હોય તો પણ શું ?
મને તો આપ વાળો છો અને વળતો રહું છું હું.

સૂરજ તો હું ય છું પણ દિન નથી સારા મળ્યા એથી,
ઉષા જ્યારે ઉગે છે ત્યારથી ઢળતો રહું છું હું.

નથી જો આપ મળવા આવતાં તો થાય છે શંકા,
કે મારાથી અજાણ્યો આપને મળતો રહું છું હું.

હવે તો રોકનારા પણ મને રસ્તો કરી દે છે,
હવે કોઇ જનાજા જેમ નીકળતો રહું છું હું.

નિછાવર સૌ સભા આ મારી એકલતા ઉપર બેફામ,
ગઝલ ગાતો રહું છું હું ને સાંભળતો રહું છું હું.

બેફામ – એ રીતે તારો સાથ છે

એ રીતે તારો સાથ છે આ ઇન્તેઝારમાં,
દેખાય નહીં જે રીતે કોઇ અંધકારમાં.

મૂંગો અગર રહું તો રહો અશ્રુધારામાં,
ખોલું અગર હું હોઠ તો નીકળો પુકારમાં.

અડધું જીવન વીત્યું છે જગતના પ્રહારમાં,
બાકી છે એ વીતે છે હવે સારવારમાં.

સપનામાં, કલ્પનામાં, ફિકરમાં, વિચારમાં,
છે તું જ જિન્દગીના બધાયે પ્રકારમાં.

સુખ ઝાંઝવા છે કિન્તુ દુઃખો ઝાંઝવા નથી,
એથી તો છે ઝરણની અસર અશ્રુધારમાં.

એ સારૂં છે કે હાલ નથી પૂછાતાં તમે,
કહેવાય નહીં જે એવી દશા થઇ છે પ્યારમાં.

મારૂ સ્વમાન મારા બધાં મિત્રને ગમ્યું,
બનતો નથી હું ભાર, રહું છું જો ભારમાં.

આ મારી મુફલિસીય ઇબાદત સમાન છે,
શ્રધ્ધા ધરી રહ્યો છું હું પરવરદિગારમાં.

વીતે છે કેમ આખો દિવસ એ પૂછો નહીં,
આવે છે એક રાત સદાયે સવારમાં.

દુનિયા તો મારવાની સુંવાળા શસ્ત્રથી,
જો જો કે ફાંસી હોય નહીં ફૂલહારમાં.

દેશે મફત છતાંય એ લેશે નહીં કોઇ,
દિલના ન ભાવ માગ જગતના બજારમાં.

બેફામ મોતને મેં ખુશીનો દિવસ ગણ્યો,
કાયમનું એક સ્થાન મળ્યું છે મઝહારમાં.

બેફામ

ઓ દિલ, અમે જો પ્રેમમાં ખુદાના બની જતા,
તો એ જ ખુદ અમારા દીવાના બની જતા.

જગમાં અમે જો એકબીજાનાં બની જતા,
આ ધરતી આભ કેટલાં નાનાં બની જતા.

તારા વિના જે દિવસો વીતાવ્યા છે મેં અહીં,
તું હોત તો એ મારા જમાના બની જતા.

નક્કી હતી અમારા જીવનમાં તો બેખુદી,
મયખાર નહિ થતે તો દીવાના બની જતા.

સારું થયું કે દિલને તમે વશ કરી લીધું,
નહિ તો અમે જગતમાં બધાંના બની જતા.

આ લાગણી ને અશ્રુ જો મળતે મર્યા પ્રથમ,
બેફામ જીવવાનાં બહાનાં બની જતા