પ્રેમ એટલે

પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…

પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…

પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…

પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ

ઝૂકતો રહ્યો.

સૂર્યોદયની આશમાં ઊગતો રહ્યો,
સૂર્યમુખી જયમ પછી ઝૂકતો રહ્યો.

સંબંધોના મૃગજળમાં ડૂબતો રહ્યો,
કિનારે એમ કળણમાં ખૂંપતો રહ્યો.

ચાંદનીના તાપમાં તપતો રહ્યો,
પડછાયાને છાંયાનું પૂછતો રહ્યો.

રણમાં કો’ ઝાડવાંને શોધતો રહ્યો,
મંઝિલને વિસામાનું કહેતો રહ્યો.

શબ્દોના ઝાકળમાં વહેતો રહ્યો
કાળના એ પ્રવાહને સહેતો રહ્યો.

શોધીએ છીએ

શોધીએ છીએ

ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,

ક્યારેક અમૃત વલોવી જહર શોધીએ છીએ.

કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,

ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.

ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય,

દીવો લઇ કદી પેલી નિંદરને શોધીએ છીએ.

વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે,

હવે એમનાં દિલમાં મધુરપ શોધીએ છીએ.

કરી અલવિદા વતનને વસ્યા પરદેશ જઈ,

હવે વતનની પેલી મીઠાશને શોધીએ છીએ.

સમંદર ને સરોવરને ચાલ્યા ઠોકરે ઠેલી

હવે મૃગજળમાં કાં જળ શોધીએ છીએ?

કદી ન આપ્યો આદર જેને ન હૂંફ આપી છે,

એની પાસેથી હવે સમભાવ શોધીએ છીએ.

સમજતો કેમ નથી જીવડા, વાવ્યું નથી જે,

એ લણવા માટે શી વરાપ શોધીએ છીએ?

પ્રેમ અમારે કરવો

પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,
બાજી અમે રમીએ અને હા, જીત તમારી.

તમે સ્મિતને રહો સાચવી અને અમે અહીં આંસું.
તમે વસંતના કોકિલ : અમને ચાતકને ચોમાસું.
અમે બારણાં ખુલ્લાં અને આ ભીંત તમારી.

સાવ અચાનક તમને ક્યારેક, ખોટું માઠું લાગે,
પથ્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગે.
તીર મારો ને તોય અમારે કહેવાનું કે…
ફૂલ જેવી છે પ્રિત તમારી

તારી જ સાથે….!!

તારી ‘હા’ અને ‘ના’ મારા
માટે બન્ને મહત્વની છે…

તું ‘ના’ પાડીશ તો તારા હૃદયમાં
અકબંધ લાગણી બનીને રહીશ…

તું ‘હા’ પાડીશ તો તારા કપાળનું
કુમકુમ બનીને રહીશ..

પણ હું રહીશ તો તારી જ સાથે.

નથી હોતા,

મુહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા;
મળે છે કોઇ એક જ પ્રેમીને સાચી લગન દિલની,
બધાયે ઝેર પીનારા કંઇ શંકર નથી હોતા….!!

જીવતી ક્યાં જતી હોય છે? – ચિનુ મોદી “ઈર્શાદ”

થરથરી ક્યાં જતી હોય છે?

સમસમી ક્યાં જતી હોય છે?

આ સપાટી કશું પણ કરો

ખળભળી ક્યાં જતી હોય છે?

ઘર અને ગામ બન્ને ત્યજી

આ ગલી ક્યાં જતી હોય છે?

અપહરણ શૂન્યતાનું કરી,

પાલખી ક્યાં જતી હોય છે?

ઝાંઝવા પી જઈ સાંઢણી

રણ ભણી ક્યાં જતી હોય છે?

પુષ્પને ખેરવી ડાળ આ

હચમચી ક્યાં જતી હોય છે?

કાચઘરમાં તરે માછલી

તરફડી ક્યાં જતી હોય છે?

સ્વર્ગ કે નર્કમાં આ પ્રજા

જીવતી ક્યાં જતી હોય છે?

દોસ્ત ઈર્શાદ! ચોખ્ખું કહે

લાગણી ક્યાં જતી હોય છે?

( ચિનુ મોદી “ઈર્શાદ” )

સંબંધોય કારણ વગર હોય જાણે,આદિલ

સંબંધોય કારણ વગર હોય જાણે,

આ માણસ બીજાઓથી પર હોય જાણે.

ઉદાસી લઈને ફરે એમ પાગલ,

રહસ્યોની એને ખબર હોય જાણે.

મકાનોમાં લોકો પુરાઈ ગયા છે,

કે માણસને માણસનો ડર હોય જાણે.

હવે એમ વેરાન ફાવી ગયું છે,

ખરેખર આ મારું જ ઘર હોય જાણે.

પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે,

વસંતોની અહીંયા કબર હોય જાણે.

કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,

બધા માનવીઓ અમર હોય જાણે.

ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,

કોઈની ઢળેલી નજર હોય જાણે.

( આદિલ મન્સૂરી )