મિકસ્ડ વેજિટેબલ કટલેટ

મિકસ્ડ વેજિટેબલ કટલેટ

સામગ્રી

બાફેલાં બટાકાનો છૂંદો – ૫-૬ નંગ, સમારેલી ફણસી – ૫-૬ નંગ, બીટનું છીણ – ૧ નંગ, પલાળેલાં લીલાં વટાણા – અડધો કપ, તેલ – ૨ ચમચા, તળવા માટે, જીરું -અડધી ચમચી, બારીક સમારેલું આદું – નાનો ટુકડો, બારીક સમારેલી ડુંગળી – ૧ નંગ, બારીક સમારેલાં લીલાં મરચાં – ૧-૨ નંગ, મરચું – ૧ ચમચી, હળદર – પા ચમચી, મીઠું – સ્વાદ મુજબ, કાજુનો ભૂકો – ૧૦ નંગ, મેંદો – ૨ ચમચા, સમારેલી કોથમીર – ૨ ચમચા, લીંબુનો રસ – ૧ ચમચો, બ્રેડક્રમ્બ્સ – ૧ કપ

રીત

એક પેનમાં બે ચમચા તેલ ગરમ કરો. તેમાં જીરું, સમારેલાં આદું, ડુંગળી નાખી બે મિનિટ સાંતળો. તેમાં લીલાં મરચાં, મરચું, હળદર ભેળવીને એક મિનિટ હલાવો. હવે ફણસી, બીટનું છીણ અને વટાણા નાખો. મીઠું નાખી બે મિનિટ સુધી સાંતળો. કાજુનો ભૂકો અને મેંદો ઉમેરી બે મિનિટ સાંતળી નીચે ઉતારી લઇ ઠંડું થવા દો. એક ઊંડા બાઉલમાં છૂંદેલાં બટાકા લઇ, તેમાં મિકસ વેજિટેબલનું મિશ્રણ ભેળવો. સમારેલી કોથમીર નાખી જરૂર લાગે તો મીઠું નાખો. લીંબુનો રસ ઉમેરો. બીજા પેનમાં તેલ ગરમ કરો. મિશ્રણમાંથી થોડો ભાગ લઇ તેનો ગોળો વાળી બ્રેડક્રમ્બ્સમાં રગદોળો. સહેજ દબાવીને કટલેટને પેનમાં બંને બાજુએ બ્રાઉન રંગની સાંતળી લો. આ રીતે બધી કટલેટ્સ તૈયાર કરો. સાંતળીને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. ગરમગરમ સર્વ કરો.

 

ડાકોરના ગોટા

ડાકોરના ગોટા

સામગ્રીઃ

250 ગ્રામ ચણાનો જાડો લોટ, 1 ચમચી વરીયાળી, 10 નંગ મરીદાણા, 10 નંગ આખા ધાણા, 1 ચમચી ખાંડ, 1 ચમચી મરચું, મીઠું સ્વાદાનુસાર, 1 ચપટી સાજીનાં ફૂલ, થોડું તેલનું મોણ, 2 ચમચા ખાટું દહીં, દૂધ જરૂર પ્રમાણે, તળવા માટે તેલ.

રીતઃ

સૌ પ્રથમ ચણાનો જાડો લોટ લો, તેમાં વરીયાળી, મરી અને આખા ધાણા, ખાંડ, લાલ મરચું, મીઠું, સાજીના ફૂલ અને તેલનું થોડું મોણ ઉમેરી બધું મિક્સ કરો. તેમાં દહીં ઉમેરી ભેળવો. ત્યારબાદ તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરતા જઈ ગોટા પડે એવું ખીરું તૈયાર કરો.

એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ મૂકો. પાણીવાળો હાથ કરી મિશ્રણમાંથી ગરમ તેલમાં ગોટા તળી લો. કરકરા થાય એટલે ઉતારી, દહીં સાથે પીરસો.

સ્ટફડ બન

સ્ટફડ બન

સ્ટફડ વીન્સ બન માટે બ્રાઉન બેકડ બન, ડુંગળી, ટમેટો કેચઅપ, બાફેલા ચોળા, ગાજર, ફણસી, બટાકા, માખણ, તેલ, મીઠું, ઘી, મરચું, બાફેલાં મઠ જોઇએ. બનમાં કાપા પાડી માખણ લગાડી તેના પર કેચઅપ લગાવો, ડુંગળી ઝીણી છીણી નાખો. એક વાસણમાં તેલ મૂકી ડુંગળી સાંતળી લો. ગાજર છોલીને નાના પીસ કરો. ડુંગળી ગુલાબી થાય પછી બધા શાક નાખો. મીઠું અને થોડું પાણી નાખી ચડવા દો. બધુ ચડી જાય પછી બાફેલા ચોળા અને મઠ મિકસ કરીને પૂરણ બનાવી તેમાં મીઠું, મરચું અને કેચઅપ ઉમેરો. બનમાં વરચે બન્સ અને વેજિટેબલ્સનું પૂરણ ભરી કેચઅપ સાથે સર્વ કરો.

મીસળ પાઉં

મીસળ પાઉં

સામગ્રીઃ
1 કપ મિક્સ કઠોળ (દેશી વાલ, રાજમા, ચણા વગેરે કોઈપણ મનપસંદ કઠોળ લઈ શકાય), 2 ચમચા તેલ, 1 ચમચી આદુની પેસ્ટ, દોઢ ચમચી લસણની પેસ્ટ, 2 નંગ ક્રશ કરેલી ડુંગળી, અડધી કાચલી છીણેલું નાળીયેર, 3 નંગ કાચા ટમેટાની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું, 3 ચમચી મીસળ મસાલો અથવા ગરમ મસાલો, પાણી પ્રમાણસર, મીઠું સ્વાદાનુસાર, અડધી ચમચી લીંબુનો રસ, કોથમીર.

રીતઃ

સૌ પ્રથમ મિક્સ કઠોળને 5 કલાક પાણીમાં પલાળી, બાફી લો. હવે એક કઢાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં અનુક્રમે આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળો. ત્યારબાદ તેમાં ક્રશ કરેલી ડુંગળી અને લીલા નાળીયેરનું છીણ ઉમેરી શેકો. શેકાય જાય એટલે તેમાં કાચા ટમેટાની પેસ્ટ ઉમેર્યા બાદ લાલ મરચું અને મીસળ મસાલો અથવા ગરમ મસાલો ઉમેરી બરાબર સાંતળો. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી 2 થી 3 મિનિટ ઉકળવા દો. સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ, થોડી ઝીણી સમારેલી કોથમીર અને છેલ્લે બાફેલા મિક્સ કઠોળ ઉમેરી મીસળને ધીમા તાપે ઉકળવા દો.

તરી બનાવવા માટેઃ

એક કઢાઈમાં થોડું 2 ચમચી તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેમાં 3 ચમચી લાલ મરચું, તેલના ભાગનું મીઠું, 2-3 ટીપા લીંબુનો રસ ઉમેરી, તરત જ થોડું પાણી ઉમેરી દો. તરી તૈયાર.

બીજી બાજુ તૈયાર થયેલું મીસળ એક બાઉલમાં કાઢી લો. ઉપર થોડી તરી રેડો. હવે વધેલા નાસ્તા જેવાકે સેવ, નાયલોન પૌંઆ, તળેલા મગ, તળેલી ચણાની દાળ, ગાંઠિયા, મેંદાની પુરી – આ તમામ નાસ્તાનો ભૂકો કરી જરૂર પ્રમાણે મીસળમાં ઉમેરો.

પાંઉ, લીલી ડુંગળી અને તરી સાથે સર્વ કરો.

રોટલીના સાલસા રેબ્સ

રોટલીના સાલસા રેબ્સ

સામગ્રીઃ

2 નંગ  રોટલી, 1 કપ કોઈપણ રસા વગરનું શાક, 50 ગ્રામ કાચુ સલાડ (કાકડી, ટમેટા, ડુંગળી, કોબીજ, કેપ્સીકમ), ચાટ મસાલો જરૂર પ્રમાણે, 1 નંગ ચીઝ ક્યુબ, 2 ચમચી સાલસા સોસ, શેકવા માટે તેલ અથવા બટર.

રીતઃ

એક રોટલી લો. તેના પર વધેલું કોઈપણ રસા વગરનું શાક પાથરો. ઉપર કાચુ સલાડ પાથરી, સાલસા સોસ પાથરો. રોટલીનો રોલ વાળી દો. નોનસ્ટીક પેનમાં તેલ અથવા બટર મૂકી, રોટલીના રોલને બંને બાજુ ક્રીસ્પી શેકી લો. સોસ કે ચટણી સાથે પીરસો.

નોંધઃ– આ રીતે વધેલા રોટલી અને શાકનો તો ઉપયોગ થાય જ છે, ઉપરાંત આ વાનગીમાં રહેલું કાચુ સલાડ પણ બાળકો હોંશે હોંશે આરોગે છે.

 

કેળાંનો શીરો

કેળાંનો શીરો

સામગ્રી :

કેળાં – ૪ નંગ, એલચીનો પાઉડર – ચપટી, ખાંડ – ૨ ચમચા, ઘી – ૩ ચમચા, બદામ-પિસ્તાંની કતરણ – ૧ ચમચો

રીત:

કેળાંનો છૂંદો કરો. એક કડાઇમાં ઘી ગરમ કરી તેમાં કેળાંનો છૂંદો નાખી શેકો અને ખાંડ ઉમેરી બરાબર મિકસ કરો. ત્યાર બાદ તે એકદમ ઘટ્ટ લચકા જેવો થાય ત્યાં સુધી હલાવતાં રહો. એલચીનો પાઉડર ભેળવો. સુગંધ આવે એટલે તેમાં બદામ-પિસ્તાંની કતરણ ભેળવી ગરમ ગરમ ખાવ.