તમારાં અહીં આજ પગલાં થવાનાં

તમારાં અહીં આજ પગલાં થવાનાં,

ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.

ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,

ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે

કળી પાંદડીઓના પડદે રહીને,

ખરું જો કહી દઉં તો વાતાવરણ પર

તમારાં નયનની અસર થૈ ગઈ છે.

બધી રાત લોહીનું પાણી કરીને

બિછાવી છે મોતીની સેજો ઉષાએ,

પધારો કે આજે ચમનની યુવાની

બધાં સાધનોથી સભર થૈ ગઈ છે.

પરિમલની સાથે ગળે હાથ નાખી-

કરે છે અનિલ છેડતી કૂંપળોની,

ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ,

પુરાણા મલાજાથી પર થૈ ગઈ છે.

વરસ બાવીસમું

પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી
ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી
છતાં મારા જીવનનું આજ ‘આસિમ’
વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ?

છે ઘણા એવા કે

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.

આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા ?

બચપણ

ક્યાં ખોવાયું બચપણ મારું ક્યાંકથી શોધી કાઢો
મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી લાવો
મોટર બંગલા લઇલો મારા, લઇલો વૈભવ પાછો
પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો

સપનું ચાંદનીનું છે

ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે
અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે

થયા છે એકઠા પાછા ફરી શ્વાસોના સોદાગર
ફરી રસ્તા ઉપર લીલામ કોની જિંદગીનું છે

બિચારાનું હશે કિસ્મત રહ્યા અરમાન હસવાના
કફન તો સૂકવી આપો હજી આંસુથી ભીનું છે

અમે ભિક્ષુક ખરા પણ આટલું તો માન સચવાયું
હજી આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે

મળી છે રાત અંધારી અને બોલી નથી શકતા
અરે સૂરજના સોદાગર વચન તો ચાંદનીનું છે

કરે તપ દેશભક્તિનું નચાવે લોકશાહીને
બરાબર જોઈએ તો રૂપ આ નેતાગીરીનું છે

જરા ચેતીને આદમ ચાલજો નેતાની સંગતમાં
કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે

[01] વડોદરા : લીલો ચેવડો, ભાખરવડી
[02] ભરૂચ : ગુંદરપાક, ખારીશિંગ
[03] સૂરત : ઘારી, સુરતી લોચો, જલેબી, ઊંઘીયું, ખમણ
[04] વલસાડ : ચીકુ
[05] ડાકોર : ગોટા
[06] ઉત્તરસંડા : પાપડ, મઠિયા
[07] રાજકોટ : પેંડા, ભજીયા, ચીક્કી
[08] જામનગર : કચોરી, પાન.
[09] ખંભાત : હલવાસન, સુતરફેણી
[10] લીમડી : કચરિયું
[11] નડિયાદ : ચવાણું
[12] કચ્છ : દાબેલી, ગુલાબપાક
[13] ભાવનગર : ગાંઠિયા, ફૂલવડી
[14] અમદાવાદ : ભજીયા (રાયપુર)
[15] ખેડા : ઘઉંનો પોંક
[16] બારડોલી : પાત્રા
[17] જૂનાગઢ : કેરી
[18] પોરબંદર : ખાજલી, થાબડી
[19] થાન : પેંડા
[20] ગોંડલ : મરચા
[21] આણંદ : દાળવડા
[22] પાલીતાણા : ગુલકંદ
[23] ડિસા : બટાટા
[24] ચોટીલા : ખાંડના લાડુ
[25] રંઘોલા (પાલીતાણા પાસે) : ફૂલવડી

મકાઇની ખીચડી

મકાઇની ખીચડી

૪ થી ૬ વ્યકિત માટે

લો પાવર લેવલ = ૦૦ – ૪૦ %, મઘ્યમ પાવર લેવલ = ૪૦ – ૯૦ %, માઇક્રો = ૧૦૦ %

સામગ્રી :

૨ કપ છીણેલી મકાઇ, ૧ કપ દૂધ, ૨ ચમચા તેલ, ૧ ચમચો લીંબુનો રસ, ૨ ચમચા ખાંડ, ૧ ચમચો આદુ મરચાંની પેસ્ટ, ૧ ચમચી હળદર, વઘાર માટે રાઇ, મીઠું સ્વાદાનુસાર, કોથમીર.

રીત :

સૌ પ્રથમ એક બાઉલમાં તેલ મૂકી તેમાં રાઇ અને આદુ મરચાંની પેસ્ટ નાખી ૩ મિનિટ માટે માઇક્રો કરો. તેમાં લીંબુ સિવાયની દરેક સામગ્રી ઉમેરી ૧૫ મિનિટ મઘ્યમ પાવર લેવલ પર માઇક્રો કરો. વરચે એક વખત હલાવો. મકાઇની ખીચડી તૈયાર થઇ ગયા બાદ તેમાં લીંબુનો રસ નાખી એક સરખુ હલાવો. એક ડીશમાં ખીચડી કાઢી તેનાં પર ઝીણી સમારેલી કોથમીર પાથરી ગરમાગરમ પીરસો.