ખસખસનો શીરો

ખસખસનો શીરો

સામગ્રી :

ખસખસ – ૧૦૦ ગ્રામ, ઘી – ૧૦૦ ગ્રામ, એલચી પાઉડર – પોણો ચમચી, માવો – ૨૫૦ ગ્રામ, કોપરું – અડધી કાચલીનું છીણ, સમારેલી ખારેક – ૧૦-૧૨ નંગ, બદામ – ૨૦-૨૫ નંગ, પિસ્તા – ૧૫-૨૦ નંગ, કાજુ – ૧૫-૨૦ નંગ, દૂધ – અઢી કપ, ખાંડ – ૨૫૦ ગ્રામ

રીત :

ખસખસને બે કપ પાણીમાં આખી રાત પલાળીને રાખો. પાણી કાઢીને તેને વાટો અને પેસ્ટ બનાવો. ઘી ગરમ કરી તેમાં ખસખસ પેસ્ટને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. એલચી પાઉડર નાખી હલાવો. તેમાં માવો નાખી પાંચ મિનિટ સુધી સાંતળો. ખમણેલું કોપરું, ખારેક, બદામ, કાજુ, પિસ્તા નાખી બે-ત્રણ મિનિટ સુધી હલાવો. દૂધ નાખી મિશ્રણ ગાઢું થાય ત્યાં સુધી પકાવો. ખાંડ નાખો. ખાંડ ઓગળે અને મિશ્રણ શીરા જેવું ઘાટું થાય ત્યાં સુધી હલાવો. ગરમ ગરમ પીરસો.

 

બેકડ પૂરી

બેકડ પૂરી

સામગ્રી
ઘઉનો લોટ – ૨૦૦ ગ્રામ, તેલ – ૨ ચમચા, મીઠું – સ્વાદ મુજબ

રીત

ઘઉના લોટમાં તેલ અને મીઠું ભેળવી, જરૂર પૂરતું પાણી રેડી કઠણ કણક બાંધો. તેને ખૂબ કૂણવો. તેમાંથી પચીસ-ત્રીસ લૂઆ કરી પૂરી વણો અને કાંટાથી તેમાં કાણાં પાડો. આ પૂરીને બેકિંગ ટ્રેમાં ગોઠવી દો. ઓવનને ૨૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ગરમ કરી તેમાં પૂરીને દસ મિનિટ બેક થવા દો. આમાં ૦.૪ ગ્રામ પ્રોટીન, ૧૩ કેલરી, ૨-૩ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ રહેલાં છે.

 

 

રાઈસ નૂડલ્સ વીથ ગ્રેવી

રાઈસ નૂડલ્સ વીથ ગ્રેવી

રાઈસ માટે સામગ્રીઃ

1 કપ રાંધેલો ભાત, 2 ચમચી તેલ, 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી ડુંગળીની પેસ્ટ, 50 ગ્રામ લીલી ડુંગળી, 2 નંગ ગાજરનું છીણ, 2 ચમચી કોબીજનું છીણ, અડધી ચમચી આજીનો મોટો, અડધી ચમચી સોયાસોસ, 1 ચમચી રેડ ચીલીસોસ.

નૂડલ્સ માટે સામગ્રીઃ

1 કપ બાફેલા નૂડલ્સ, 2 ચમચી તેલ, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી સમારેલી લીલી ડુંગળી, ચપટી આજીનો મોટો.

ગ્રેવી માટે સામગ્રીઃ

2 ચમચી તેલ, અડધી ચમચી લસણની પેસ્ટ, 1 નંગ ડુંગળીની પેસ્ટ, 1 ચમચી કોર્નફ્લોર અને અડધો કપ પાણી મિક્સ કરેલી પેસ્ટ, અડધી ચમચી રેડ ચીલીસોસ, , અડધી ચમચી સોયાસોસ, ચપટી આજીનો મોટો, અડધી ચમચી વિનેગર.

રીતઃ

સૌ પ્રથમ એક નોનસ્ટીક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ સાંતળી, ક્રશ કરેલી ડુંગળી ઉમેરો. ત્યારબાદ તેમાં લીલી ડુંગળી, ગાજરનું છીણ, કોબીજનું છીણ, આજીનો મોટો, સોયાસોસ અને રેડ ચીલીસોસ ઉમેરી મિક્સ કરો. હવે તેમાં રાંધેલો ભાત ઉમેરી, મિક્સ કરી એક બાઉલમાં કાઢી લો.

હવે ફરી કઢાઈમાં તેલ મૂકી, તેલ ગરમ થાય એટલે તેમાં આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, સમારેલી લીલી ડુંગળી અને આજીનો મોટો ઉમેરી બધું મિક્સ કરી તેમાં બાફેલા નૂડલ્સ ઉમેરી 2 થી 3 મિનિટ શેકાવા દો. હવે આ નૂડલ્સને તૈયાર કરેલા રાઈસમાં ઉમેરી મિક્સ કરી દો.

હવે ગ્રેવી બનાવવા માટે એક કઢાઈમાં 1 થી 2 ચમચી તેલ ગરમ મૂકી, તેમાં લસણની પેસ્ટ સાંતળી, તેમાં ક્રશ કરેલી ડુંગળી ઉમેરો. ત્યારબાદ તેમાં કોર્નફ્લોરયુક્ત પાણી, રેડ ચીલીસોસ, સોસાસોસ, આજીનો મોટો અને વિનેગર ઉમેરી થોડીવાર ઉકળવા દો. તૈયાર થયેલી ગ્રેવીને રાઈસ-નૂડલ્સ સાથે મિક્સ પણ કરી શકાય અને અલગ પણ સર્વ કરી શકાય છે.

નોંધઃ– નૂડલ્સને બાફતી વખતે તેમાં થોડું તેલ ઉમેરશો, તો નૂડલ્સ એકદમ છૂટ્ટા રહેશે.

 

ફ્રૂટ જેલી પુડિંગ

ફ્રૂટ જેલી પુડિંગ

સામગ્રી :

રાસબરી જેલી – ૧ પેકેટ, કેળા – ૧ નંગ, ચીકુ – ૧ નંગ, પાઈનેપલ અને સફરજનના ટુકડા – ૧ વાટકી, કાજુ-કિસમિસ – સજાવટ માટે, દળેલી ખાંડ – ૧ ચમચી, ક્રીમ – જરૂર પ્રમાણે, વેનિલા એસેન્સ – ૪-૫ ટીપાં

રીત :

જેલીના માપ પ્રમાણે પાણી લેવું. તેમાંથી અડધું પાણી ગરમ કરવું. જેલીનો પાઉડર એક બાઉલમાં કાઢવો. ખૂબ ગરમ થયેલું પાણી તેમાં રેડી પાઉડર ઓગાળવો. થોડી વાર મિશ્રણ હલાવવું. જેલીનો પાઉડર ઓગળી જાય એટલે બાકીનું ઠંડું પાણી રેડવું. બરાબર હલાવી એક બાઉલમાં જેલીનું અડધું દ્રાવણ રેડવું. તેને ફ્રિજમાં મૂકવું. જેલી સેટ થાય એટલે બહાર કાઢી તેના પર બારીક સમારેલાં કેળા અને ચીકુના ટુકડા પાથરવા. ફળ ઉપર બાકીનું જેલીનું મિશ્રણ રેડવું. જેલીને ફરી ફ્રિજમાં સેટ થવા મૂકવી. અડધો કલાક બાદ તેમાં ક્રીમ, દળેલી ખાંડ તથા વેનિલા એસેન્સ બરાબર મિકસ કરી તેને સેટ થયેલી જેલી ઉપર પાથરવું. તેના પર કાજુ, દ્રાક્ષ ભભરાવી ફ્રિજમાં મૂકવું. સર્વ કરતી વખતે દરેક લેયર આવે તે રીતે કાઢવું.

 

મગની દાળ-બેસનનાં ઢોકળાં

મગની દાળ-બેસનનાં ઢોકળાં

mugસામગ્રી

મગની ફોતરાંવાળી દાળ – ૨ કપ
ચણાનો લોટ – ૩ ચમચી
લીલાં મરચાં – ૩ નંગ
દહીં – દોઢ ચમચો
ફ્રૂટ સોલ્ટ – અઢી ચમચી
હિંગ – ચપટી
મીઠું – સ્વાદ મુજબ

ટોપિંગ માટે

બારીક સમારેલી કોબીજ – ૨ ચમચા
બારીક સમારેલા ગાજર – ૨ ચમચા

રીત

મગની દાળને બે કલાક પલાળી રાખી પછી નિતારી લો. તેમાં લીલાં મરચાં અને સહેજ પાણી ઉમેરી મિકસરમાં ગ્રાઇન્ડ કરી લો.

પછી તેમાં ચણાનો લોટ, દહીં, હિંગ અને મીઠું ભેળવો. હવે તેમાં ફ્રૂટ સોલ્ટ મિકસ કરો. આ ખીરાને બે થાળીમાં પાથરી તેના પર કોબીજ અને ગાજરનું છીણ ભભરાવો અને વરાળથી બફાવા દો.

બફાઇ જાય એટલે ગરમ ગરમ ઢોકળાનો સ્વાદ માણો.

 

ફ્રેશ કોકોનટ વીથ ગાર્લિક રાઈસ

ફ્રેશ કોકોનટ વીથ ગાર્લિક રાઈસ

સામગ્રીઃ

5 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 8 નંગ લીમડાના પાન, 1 બાઉલ તૈયાર કરેલી પેસ્ટ ( 1 ચમચી કોથમીર, 10 ગ્રામ આદુ, 2 નંગ લીલા મરચાં, 50 ગ્રામ લસણ, 1 નંગ ડુંગળી, અડધી ચમચી ગરમ મસાલો – આ બધું જ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરવી.), અડધી ચમચી ગરમ મસાલો, 50 ગ્રામ ફણસી, 1 વાટકી કોકોનટ મિલ્ક, 2 બાઉલ રાંધેલા ભાત, મીઠું સ્વાદાનુસાર, ફ્રેશ નાળીયેરનું છીણ સજાવટ માટે.

રીતઃ

એક ફ્રાયપેનમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે લીમડાના પાન ઉમેરી, તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો. 1 થી 2 મિનિટ પેસ્ટ શેકો. ત્યારબાદ તેમાં ગરમ મસાલો અને કોકોનટ મિલ્ક ઉમેરી બરાબર મિક્સ કરો. થોડીવાર ચડવા દો. નાળીયેરનું પાણી બળી જાય એટલે તેમાં રાંધેલા ભાત અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી, બધું જ બરાબર મિક્સ કરો. સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર ફ્રેશ ટોપરાનું છીણ અને કોથમીરથી સજાવો.