શ્રદ્ધા ન જોઈયે…

માનવ ઉપર છે એવા ભરોસા ન જોઈયે
બદલા જગતની રીત મુજબના ન જોઈયે
તારું એ બહાનુ હોય જો અમને નિભાવવા
તો ઓ ખુદા અમારે એ શ્રદ્ધા ન જોઈયે.

નદીની રેતમાં

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે

– ‘આદિલ’ મન્સૂરી

આપનું મુખ જોઇ

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

– ‘આદિલ’ મન્સૂરી

કાજુરોલ

કાજુરોલ

nutsrollસામગ્રી

મેંદો-૨૦૦ ગ્રામ
રવો -૫૦ ગ્રામ
કાજુ-૫૦ ગ્રામ
મરીનો પાઉડર- બે નાની ચમચી
તેલ અથવા ઘી- ૫૦ ગ્રામ (મોણ માટે)
મીઠું- સ્વાદ મુજબ
તેલ- તળવા માટે

રીત

મેંદો, રવો અને મીઠાને સારી રીતે ભેળવી તેમાં મોણ નાંખી સારી રીતે મસળો. જરૂરિયાત મુજબ પાણી નાંખી કઠણ કણક બાંધો.

તેને કપડાં વડે ઢાંકીને થોડો સમય રાખો. કાજુને ૩ થી ૪ કલાક પલાળી તેની પેસ્ટ તૈયાર કરો.

લોટના નાના-નાના લૂઆ કરી તેને વણી લો. દરેકમાં કાજુ પેસ્ટ લગાવી ઉપર મરી પાઉડર છાંટી તેનાં રોલ બનાવો.

તેલ ગરમ મૂકી રોલને બ્રાઉન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે તળો.

આ રોલ ચટણી કે સોસ સાથે સર્વ કરો.

એગલેસ બ્રાઉનીઝ

એગલેસ બ્રાઉનીઝ

eggless browinzsસામગ્રી

ગ્રેટ કરેલી ડાર્ક ચોકલેટ- ૧૦૦ ગ્રામ
મેંદો- દોઢ કપ
બેકિંગ પાઉડર- બે ચમચી
બટર- ૧૩૦ ગ્રામ
કેસ્ટર સુગર- એક કપ અને દોઢ મોટાં ચમચા(બે જગ્યાએ)
વેનિલા એસેન્સ- ૧ ચમચી
ક્રશ કરેલું અખરોટ- અડધો કપ

રીત

ઓવનને ૧૮૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ગરમ કરો અને આઠ ઇંચની કેક ટીનમાં માખણ લગાડી બાજુ પર રહેવા દો. મેંદો અને બેકિંગ પાઉડર ભેગો ચાળો.

ચોકલેટ અને બટરને ઓવનમાં મૂકવાના બાઉલમાં ભેગાં કરી મિકસ કરો.

તેને ઓવનમાં ૧૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર અથવા ડબલ બોઇલર સિસ્ટમથી ગરમ કરી શકાય.કેસ્ટર સુગર અને વેનિલા એસેન્સ ભેગાં કરી હલાવો.

મેંદો અને અખરોટ નાખી હલાવો. આ મિશ્રણને બેકિંગ કેક ટીનમાં ભરો. પહેલેથી ગરમ કરેલા ઓવનમાં ટીન મૂકી તેને ૨૫થી ૩૦ મિનિટ સુધી રાખો. બહાર કાઢી ઠંડુ થવા દો અને ચોરસ સ્લાઇસ કરો.

નોંધ: ડબલ બોઇલર એટલે એક તપેલામાં થોડું પાણી લઇ તેની અંદર એક વાસણ ઊધું મૂકો. તેના ઉપર જે વસ્તુ ગરમ કરવી હોય તે મૂકો. પાણીમાંથી ઉત્પન્ન થતી વરાળથી મૂકેલી વસ્તુ ગરમ થાય છે. જેમ ઇડલી કે ઢોકળા બનાવીએ છીએ તે રીતે.

 

રતલામી સેવ

રતલામી સેવ

સામગ્રી

ચણાનો ઝીણો લોટ – ૫૦૦ ગ્રામ, તેલ – એક વાટકી, લીંબુ – ૧ નંગ, અજમો – અડધી ચમચી, સોડા બાયકાર્બોનેટ – અડધી નાની ચમચી, મીઠું – જરૂરિયાત પ્રમાણે , મરચું – જરૂરિયાત પ્રમાણે, મરી – અડધી ચમચી

રીત

સૌપ્રથમ અજમો અને મરીને વાટી લો. તેલ અને પાણી સરખે ભાગે ભેગા કરીને ફીણો. એકદમ સફેદ દૂધિયું મિશ્રણ તૈયાર થાય ત્યારે તેમાં સોડા અને અડધા લીંબુનો રસ અને ઝીણી ચાળેલી સફેદ તીખા મરચાંની ભૂકી ઉમેરવી. દૂધિયા પાણીમાં સમાય તેટલો ચણાનો લોટ, મીઠું, મરી, હિંગ, અજમો વગેરે ઉમેરી બરાબર મસળી સંચાથી અથવા ઝારાથી ગરમ તેલમાં સેવ પાડવી.