બૂંદી અને રબડી સ્ટફડ પેનકેકસ

બૂંદી અને રબડી સ્ટફડ પેનકેકસ

bundi rabadi pancackesસામગ્રી

મેંદો-દોઢ કપ,બેકિંગ પાઉડર -૧ ચમચી, ખાવાનો સોડા-૧ ચમચી, છાશ-પોણો કપ, દળેલી ખાંડ-૨ ચમચા,તેલ-સાંતળવા માટે, કળીના લાડુ-૬ નંગ (મઘ્યમ સાઇઝ),સમારેલી બદામ-૮-૧૦ નંગ, દ્રાક્ષ-૧ ચમચો,સમારેલા કાજુ-૮-૧૦ નંગ, રબડી-૩-૪ ચમચા, પલાળીને છોલેલી બદામ-૮-૧૦ નંગ

રીત

ઓવનને પહેલેથી ૧૮૦ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી ગરમ કરીને રાખો. મેંદો, બેકિંગ પાઉડર અને સોડાને એક સાથે ચાળીને તૈયાર રાખો. તેમાં છાશ નાખી ખીરું તૈયાર કરો. તેમાં દળેલી ખાંડ નાખી મિકસ કરો. એક ફ્રાઇંગ પાન ગેસ પર મૂકી તેની ઉપર થોડું તેલ નાખો.

તેની ઉપર ખીરું પાથરો. થોડું શેકાય અને લાઇટ બ્રાઉન થઇ જાય એટલે ફેરવી નાખો. બીજી બાજુ પણ બ્રાઉન થાય એટલે નીચે ઉતારી દો. આ રીતે બીજી પેનકેકસ તૈયાર કરી દો.

એક બાઉલમાં કળીના લાડુ તોડી લો. તેમાં સમારેલી બદામ, દ્રાક્ષ, કાજુ નાખી મિકસ કરો. ઉપરથી રબડી નાખીને ફરી મિકસ કરો.એક કેક ટીન લો તેમાં પેનકેક ફિકસ કરો.

તેની ઉપર કળીના લાડુવાળું મિશ્રણ પાથરો. તેની ઉપર બીજી પેનકેક મૂકો. આની ઉપર ફરીથી મિશ્રણ પાથરો. ઉપર ફરી એક પેનકેક મૂકી દો. આ રીતે તૈયાર થઇ ગયેલી કેક ટીનને પહેલેથી ગરમ કરેલા ઓવનમાં ૧૦ મિનિટ માટે મૂકો.

ઓવનમાંથી કાઢીને પલાળીને, છોલીને મૂકેલી બદામથી ડેકોરેટ કરો અને પીરસો.

 

બ્રેડની સ્લાઇસના પૂડલા

બ્રેડની સ્લાઇસના પૂડલા

સામગ્રી

બ્રેડની સ્લાઇસ – ૫ નંગ, મગની મોગર દાળ – અડધો કપ, ચોખા – ૧ ચમચો, ચણાનો લોટ – ૧ ચમચો, લીલાં મરચાં – ૨ નંગ, આદું – નાનો ટુકડો, હળદર – ચપટી, તેલ – જરૂર મુજબ, મીઠું – સ્વાદ મુજબ, સમારેલી કોથમીર – ૧ ચમચો

રીત મગની મોગર દાળ અને ચોખાને ચાર કલાક સુધી પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ પાણી નિતારી લઇ લીલાં મરચાં, આદું અને મીઠું નાખી મિકસરમાં એકરસ કરી લો. તેમાં ચણાનો લોટ પણ ભેળવો. બ્રેડની સ્લાઇસની કિનારીઓને ચપ્પુથી કાપી લો. ત્યાર બાદ નોનસ્ટિક લોઢીને મઘ્યમ આંચે ગરમ થવા મૂકો. તેના પર સહેજ તેલ મૂકો. ચોખા અને મગની દાળના મિશ્રણમાં સમારેલી કોથમીર ભેળવો. હવે બ્રેડની સ્લાઇસને આ મિશ્રણમાં બોળી નોનસ્ટિક લોઢી પર બંને બાજુએથી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. પછી તેને ત્રિકોણાકાર કાપી ચટણી કે સોસ સાથે પીરસો.