વાયુને હંફાવવા બળ ના કરે

વાયુને હંફાવવા બળ ના કરે
એ સુંગધ છે,કદી છળ ના કરે

પુષ્પ પર ડાઘો પડે એ બીકથી
જીવવાને જિદ ઝાકળ ના કરે

સ્વપ્નને સંકેલવાને બાબતે
ઊંઘતો માણસ ઉતાવળ ના કરે

ખૂબ ઘેરી ને ગહન છે લાગણી
એ ઝરણની જેમ ખળખળ ના કરે

ક્રોધ તો કરતો નથી ઈર્શાદ પણ
ના ગમે તો વાત આગળ ના કરે

-ચિનુ મોદી ‘ઈર્શાદ’ (Chinu Modi)

ખેડૂતની સેવાએક તાત છે દુનિયા કેરો, બીજો તાત મનુષ્ય કહ્યો;
તે મનુષ્ય ખેડૂત ગણાયે, જેણે તડકો ખૂબ સહ્યો.

ટાઢતાપ વેઠીને જેણે પરિશ્રમ સદા ઘોર કર્યો;
પાક એહનો આખા જગને, એણે હસતાં સર્વ ધર્યો.

રાતદિવસ ના જોયાં એણે, જોયાં સુખ કે દુઃખ નહીં;
જીવન આખું સેવા કરતાં, ધરતી કેરું ગયું વહી.

વરસાદ ભલે વરસે તો પણ, હિંમત ના હારે કો’દિ;
પવનતણા સુસવાટા માંયે, જાય ખેતરોમાં દોડી.

બળદ એહના સાથી સાચા, એ એની જીવાદોરી;
અનાજ પકવે એની મદદે, આળસની કરતાં હોળી.

સેવા લે સઘળાયે એની, જીવન એ સૌને આપે;
કેમ ગમે આપણને, જો એ દુઃખમહીં દિવસો કાપે?

કંગાળ જ જો હોય એ, વળી અક્ષરજ્ઞાન રહિત હોયે;
શરમ ગણાયે દેશતણી તો, દેવાદાર બને તોયે.

માટે એની સેવા માટે, તૈયારી સઘળીય કરો;
એની સેવા લઈ એહને, જીવનની રસલ્હાણ ધરો.

કયાં છે…….?

કયાં છે ?
જાંબુડાના ઝાડ ઉપર લટકતો
લીલો લીલો મારો સૂરજ કયાં છે ?
ક્યાં છે મારા ખેતરખૂણાના કૂવામાં
કબૂતરાંની પાંખો ઉપર સૂતેલો
ભોળો ભોળો અંધકાર ?

પ્રભાતપંખીનાં પગલાની લિપિમાં
આળખેલો ડુંગર ફરતો ,
ચકરાતો એ ચીલો કયાં છે ?
કયાં છે મારી પથ્થર વચ્ચે
પાણી લઈને વહેતી
શમણા જેવી નદી ?

વનપરીના નાનકડા ખોબા જેવી
તરંગની આંગળીઓ વચ્ચે
પવન રમાડતી
પેલી મારી તલાવડી કયાં છે ?

કયાં છે મારું ટેકરીઓનું ગામ,
ગામનું ઘર,ઘરની કોઢ,કોઢમાં
અંધારાની કાળી ગાયને દહોતી મારી બા ?
કયાં છે…….?

સ્ત્રીનું પોતાનું ઘર ક્યાં?

મારું ઘર હું શોધું રે,
આ પતિનું ઘર, તે પિતાનું ઘર,
ત્યાં કદાચ પુત્રનું ઘર,
સ્ત્રીનું પોતાનું ઘર ક્યાં?

પારકા ઘરે જવાનું છે,
પતિના ઘરે પારકી,
પારકા ઘરથી આવી,
અંતે દરેક છોકરી સાવકી છે.

આ ઘર કે પેલુ ઘર

આ ઘર કે પેલુ ઘર
પણ એ હોવું જોઈએ મારૂ ઘર,
અમારૂ ઘર, આપણું ઘર,
જ્યાં સલામતી અનુભવાય,
જ્યાં શાંતિ પમાય,
જ્યાં આનંદ ઉભરાય,
જ્યાં પોતાપણાને પમાય,
તેમાં જીવાય,
તેમાં વિસ્તરાય,
તેમાં ખિલાય,
બસ, એવું છે મારૂ ઘર.

વિધાતાએ દીકરી ઘડીને..

વિધાતાએ દીકરી ઘડીને, ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ!
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.

દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
અને મધરાતે માપી સીમાડા સુદૂર
ચપટીક રજ લીધી નખેતર તણી
અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર

સાકરને લઈને સવાદ એણે દીકરીમાં
તજને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસને હુલાસ દીધાં
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ

હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ

જય આદ્યા શક્તિ

જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, પડવે પ્રકટ્યા મા … ઓમ

દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણો (2)
બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાવે હરમાં … ઓમ

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં સોહે (2)
જયા થકી તરવેણી સુસરવેણીમાં … ઓમ

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા (2)
ચાર ભૂજા ચૌ દિશે, પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ

પંચમે પંચ ઋષિ, પંચમેં ગુણ સઘળાં (2)
પંચ તત્વ ત્યાં સોહીએ, પંડે સત્વોમાં … ઓમ

ષષ્ઠી તું નારાયણી, મહિસાસુર માર્યો (2)
નર નારીના રૂપે, વ્યાપ્યાં સર્વેમાં … ઓમ

સપ્તમી સપ્ત પાતાલ, સંધ્યા સાવિત્રિ (2)
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ

અષ્ટમી અષ્ટ ભૂજા, ઓયે આનંદ મા (2)
સુરિ નર મુનીવર જનમ્યા, દેવ દૈત્યોમાં … ઓમ

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા (2)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા … ઓમ

દશમી દશ અવતાર, જય વિજયા દશમી (2)
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા … ઓમ

એકાદશી અગિયારસે, કાત્યાયની કામા (2)
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ

બારસે બાલા રૂપ, બહુચરી અંબા મા (2)
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજમાં … ઓમ

તેરસે તુલજા રૂપ, તું તારૂણી માતા (2)
બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં … ઓમ

ચૌદશે ચૌદ રૂપ, ચંડી ચામુંડા (2)
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા (2)
વશિષ્ઠ દેવે વખાણ્યા, મારકંડ દેવે વખાણ્યા, ગાઇએ શુભ કવિતા … ઓમ

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં (2)
સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે … ઓમ

ત્રંબાવટી નગરીમાં, રૂપાવતી નગરી (2)
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી … ઓમ

ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા (2)
બાળક તારા શરણે અવિચલ પદ લેવા … ઓમ

એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો (2)
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો … ઓમ

શિવશક્તિની આરતી જે કોઇ ગાશે (2)
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ

અમદાવાદ યાદ આવે છે.

‘ચીકન’,’મેગનગેટ’ ખાઉં છું ત્યારે દોસ્તો
પેલી ઝૂંપડીના દાળવડાં બહુ યાદ આવે છે.

‘કલ-દ-સેંડ, ‘ટુ-સ્ટોરી’ કે ‘થ્રી કાર ગેરેજ’ લેશુ
અરેરે…ફૂટપાથ પર જીવન ગુજારતા કરોડો યાદ આવે છે.

‘બીગ મેક’ ને ‘વોફર’ કે ‘ટાકોની’ ભાંજગડમાં
પોળની પટલાણીનો મીઠો રોટલો બહુ યાદ આવે છે.

‘સેવન-અપ’, ‘કોક’ કે ‘પેપ્સી’ કે પછી રમ લેશો?
ભોળી ભરવાડણની ખાટી છાશ યાદ આવે છે.

કૂતરાં બીલાડીનાં કાજે વેચાતા મોંઘા ‘ડીનરો’ જોતાં
ગલીના છેડે ચાટમાંથી ખાતાં ભીખારુ યાદ આવે છે.

એપલ ખાઈશ કે આઈસ્ક્રીમ અમારા ‘એ’ પૂછે છે
ત્યારેમોટાકાકીની સુખડી અને કુલેર બહુ યાદ આવે છે.

જુનીયર ‘પેડમેન’ રમશે કે ‘અદીદાસ’ પહેરીને સોકર!
ભીંત પર કોલસાથી ચીતરેલ ક્રિકેટના સ્ટમ્પસ બહુ યાદ આવે છે.

‘વીક એન્ડ’ થતા ‘કે માર્ટ’ જાશું કે ‘સીઅર્સ’ કે ‘મેઈસીસ’માં?
ધીખતી ધરા પર ઉઘાડ પગે ગાડું ઢસડતી મજૂરણ યાદ આવે છે.

કહેવાતા કલ્ચરલ ‘પ્રોગ્રામો’ અને ‘બર્થ ડે’ યા ‘શાવર’ પાર્ટીમાં
કલાપીએ વર્ણવેલ ખુશામતના ખજાના યાદ આવે છે.

વર્ષોના વ્હાણા વાયા આ અમેરિકન ખૂની ભભકા માહે,
‘દર્દેજીગર’ ને ગાંડુ ઘેલુ પેલું અમદાવાદ યાદ આવે છે.

પનીર અને મગની દાળના સમોસા

સામગ્રી

પડ માટે: મેંદો – દોઢ કપ, અટામણ માટે, અજમો – અડધી ચમચી, મીઠું – સ્વાદ મુજબ, ઘી – ૬ ચમચા, તેલ – તળવા માટે સ્ટફિંગ માટે: પનીરનું છીણ – ૪૦૦ ગ્રામ, મગની મોગર દાળ (બાફીને છૂંદો કરેલી) – અડધો કપ, સમારેલાં લીલાં મરચાં – ૩-૪ નંગ, સમારેલું આદું – નાનો ટુકડો, અજમો -પા ચમચી, મરચું – દોઢ ચમચી, જીરું – ૧ ચમચી, ચાટ મસાલો – ૨ ચમચી, કિશમિશ – ૨ ચમચા, મીઠું – સ્વાદ મુજબ

રીત

samosa.jpgએક બાઉલમાં મેંદા અને મીઠાને ચાળી લો. તેમાં ગરમ ઘી અને અજમો ભેળવી જરૂર પૂરતું પાણી રેડતા જઇ કઠણ કણક બાંધો અને ભીનું કપડું ઢાંકી પંદર મિનિટ સુધી રહેવા દો. હવે સ્ટફિંગ માટે બાઉલમાં મગની દાળ લઇ તેમાં પનીરનું છીણ, મરચાં, આદું, અજમો, જીરું, કિશમિશ, લાલ મરચું, ચાટ મસાલો ભેળવો.

હવે લોટમાંથી લૂઆ લઇ તેની લંબગોળ પૂરી વણો અને તેના બે ભાગ કરો. આડધા ભાગને હથેળી પર મૂકી તેની કિનારીને ભીની કરી કોન બનાવો. તેમાં સ્ટફિંગ ભરો અને ખુલ્લી કિનારીઓને બંધ કરી દો. આ રીતે બધા સમોસા તૈયાર કરો. કડાઇમાં તેલ ગરમ કરી તેમાં સમોસાને બ્રાઉન રંગના તળી લો. નિતારીને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. તમને ભાવતી ચટણી સાથે ગરમાગરમ સમોસાનો સ્વાદ માણો.

વેજિટેબલ ઇન ગ્રીન મસાલા

 

                                                                       સામગ્રીvegetable.jpg –     રાઇ – ૧ ચમચી, જીરું – ૧ ચમચી, કોપરાનું છીણ – ૧ ચમચો, લીલા મરચાં – ૨-૩ નંગ, કોથમીર – ૧ ઝૂડી, લસણ – ૫-૬ નંગ, સમારેલા ટામેટા – ૨ નંગ, સિંધાલૂણ – સ્વાદ મુજબ, મિકસ શાક (ગાજર, ફણસી, વટાણા, ફલાવર) – ૫૦ ગ્રામ (દરેક)

રીત

બધા શાકને ધોઇ, સમારીને એક તરફ રહેવા દો. હવે ટામેટા સિવાયનો બધો મસાલો મિકસ કરી તેની બારીક પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં સમારેલા ટામેટા ભેળવો. બધા શાક નાખી સારી રીતે મિકસ કરી સર્વ કરો.