શત્રુંજય તીર્થની મહિમાવંતી યાત્રા

palitana_shetrunjay_jainખુલ્લા પગે છ ગાઉની પ્રદક્ષિણા પૂર્ણ કરીને સિદ્ધવડ સુધી પહોંચનારા યાત્રિકો બહુ ઓછા ભવોમાં સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે

વર્ષાકાળને બાદ કરતાં જૈનોના સૌથી મહાન તીર્થ શત્રુંજયની યાત્રા આઠ માસ દરમિયાન નિયમિત રીતે થતી જ રહે છે અને ઓછીવત્તી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું આ તીર્થમાં આવાગમન થતું જ રહે છે પણ વરસનાં કેટલાંક પર્વો એવાં છે, જેમાં શત્રુંજય તીર્થમાં લાખો યાત્રિકોનો મહેરામણ ઊમટી પડે છે.

ફાગણ સુદ તેરસ પણ આવું જ એક મહિમાવંત પર્વ છે. આ દિવસે દોઢ લાખથી વધુ યાત્રિકો ગિરિરાજની સ્પર્શના કરવા આવે છે. શત્રુંજય તીર્થ એ દેશ-વિદેશમાં વસતા જૈનોનું એક એવું શ્રદ્ધાતીર્થ છે, જેની તોલે અન્ય કોઈ જૈન તીર્થ આવી શકતું નથી.

ફાગણ સુદ તેરસના દિવસે શત્રુંજયની છ ગાઉની વિશિષ્ટ પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ યાત્રામાં અંદાજે પંદર-સોળ કિલોમીટરનો વિકટ પંથ પગે ચાલીને કાપવાનો હોય છે. છ ગાઉના ઊબડખાબડ અને આકરા ચઢાવ-ઉતારવાળા માર્ગો છતાં આબાલવૃદ્ધો આ પંથ હસતા મુખે કાપે છે. સેંકડો સાધુ-સાઘ્વીજીઓ સહિત હજારો શ્રાવક-શ્રાવિકાઓ આ દિવસે છ ગાઉની યાત્રા કરીને સિદ્ધવડ નામના સ્થળે પહોંચે છે.

સિદ્ધવડ એ છ ગાઉની યાત્રાની સમાપ્તિનું સ્થળ છે. છ ગાઉની યાત્રાનો આરંભ ‘જય તલાટી’થી કરવામાં આવે છે. અહીં ભાવિકો ચૈત્યવંદન કરીને વિધિવત્ યાત્રાનો આરંભ કરે છે. ‘જય તલાટી’ એ પાલિતાણા ગામ તરફની આગળની તલાટી છે અને સિદ્ધવડ એ આદિપુર ગામ તરફની પાછળ બાજુની તલાટી છે. આ સ્થળે એક વિશાળ વટવૃક્ષ છે. આ વટવૃક્ષ નીચે ભૂતકાળમાં લાખો આત્માઓ સિદ્ધપદ પામ્યા હોવાથી એને સિદ્ધવડ કહે છે.

છ ગાઉની યાત્રાનો માર્ગ એ રીતનો છે કે એમાં શત્રુંજય તીર્થનાં સમગ્ર દેરાસરોને આવરી લેવાય તે રીતે પ્રદક્ષિણા કરાય છે. જૈનોમાં એવી રૂઢ માન્યતા છે કે ખુલ્લા પગે છ ગાઉની પ્રદક્ષિણા પૂર્ણ કરીને સિદ્ધવડ સુધી પહોંચનારા યાત્રિકો બહુ ઓછા ભવોમાં સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે.

સિદ્ધવડ જે ગામની સીમમાં આવેલું છે તે આદિપુર ગામનું નામ ભગવાન આદિનાથ ઉપરથી પડેલું છે. આદિનાથ ભગવાને જેટલી વાર શત્રુંજયની સ્પર્શના કરી એટલી વાર તેઓ આદિપુરવાળા રસ્તેથી પધાર્યા હતા. પાલિતાણા ગામની સ્થાપના પછી એ રસ્તાનું ચલણ બંધ પડી ગયું અને ‘જય તલાટી’વાળા રસ્તાનો મહિમા વધી ગયો.

છ ગાઉની યાત્રા દરમિયાન આવતાં મહત્ત્વનાં સ્થળોમાં ચિલ્લણ તલાવડી, ભાડવો ડુંગર, અજિતનાથ-શાંતિનાથનાં પગલાં વગેરે મુખ્ય છે. આ દરેક સ્થળે દેરીઓમાં ચૈત્યવંદન, કાઉસ્સગ્ગ અને પંચાંગ-પ્રણિપાત કરવાનાં હોય છે.

એક રસપ્રદ બાબત એવી છે કે ચિલ્લણ તલાવડીના કિનારે શ્રદ્ધાળુ લોકો સૂઈ જવાની મુદ્રામાં કાઉસ્સગ્ગ કરે છે. આ સ્થળે લાખો મહાત્માઓ અણસણ (અનશન, ખાનપાનનો સદંતર ત્યાગ) કરીને સૂતેલી મુદ્રામાં મોક્ષપદ પામ્યા હોવાથી તેમની સ્મૃતિમાં આમ કરાય છે.

ભાડવા ડુંગર ઉપરની દેરીમાં શ્રદ્ધાથી ચૈત્યવંદન કરનારના એક લાખ ભવોનાં પાપો નાશ પામતાં હોવાનું પણ જૈન શ્રદ્ધાળુઓમાં મનાય છે. અજિતનાથ અને શાન્તિનાથનાં પગલાંવાળી દેરીઓની સન્મુખ જૈનોનું પ્રખ્યાત અજિતશાંતિ સ્તોત્ર રચાયું હોવાની અનુશ્રુતિ જૈનોમાં સેંકડો વરસોની પરંપરામાં સંભળાતી આવી છે. આ સ્તોત્રની રચના નંદીષેણ મુનિ નામના જૈનધર્મના ખ્યાતનામ મુનિએ કરી હતી.

કહેવાય છે કે નંદીષેણ મુનિની સ્તવનાના પ્રતાપે સામસામે રહેલી દેરીઓ દૈવી પ્રભાવથી એક જ હરોળમાં આવી ગઈ. આ સ્તોત્ર અજિતશાંતિના નામે ખૂબ પ્રસિદ્ધિ ધરાવે છે. જૈનોનાં નવ વિશિષ્ટ સ્મરણોમાં તેને સ્થાન આપ્યું છે.

છ ગાઉની યાત્રા જયાં સમાપ્ત થાય છે તે સિદ્ધવડની છત્રછાયામાં ભારતભરના દાનવીર જૈનો દ્વારા સેંકડોની સંખ્યામાં માંડવા નાખવામાં આવે છે, જેને ‘પાલ’ તરીકે ઓળખવાનો રિવાજ છે. આ પાલમાં તમામ યાત્રિકોની અને ભારતભરમાંથી યાત્રાર્થે પધારેલા સાધુ-સાઘ્વીજીઓની અત્યંત બહુમાનપૂર્વક ભકિત કરવામાં આવે છે.

જૂના યુગમાં ફાગણ સુદ તેરસને ‘ઢેબરાં તેરસ’ કહેતા હતા, કેમકે છ ગાઉના યાત્રિકોને દહીં અને ઢેબરાં વપરાવીને તેમની ભકિત કરાતી હતી. આધુનિક સમયમાં તો યાત્રિકો માટે સેંકડો પ્રકારનાં ભોજન તૈયાર કરાય છે. ઘણી વખત તો ફાગણ સુદ ૧૩ની યાત્રાના અવસરે સમગ્ર યાત્રિકોનાં ચરણ પખાળીને તેમનું સંઘપૂજન પણ કરવામાં આવે છે.

જૂના યુગમાં તો શત્રુંજય તીર્થની બાર ગાઉની અતિવિકટ ગણાતી પ્રદક્ષિણા કરવાનો પણ રિવાજ હતો, પરંતુ શત્રુંજયી નદી ઉપર ડેમ બંધાતાં બાર ગાઉનો સમગ્ર યાત્રાપથ ડૂબમાં જવાથી હવે તે યાત્રા બંધ પડી છે. પરંતુ છ ગાઉની યાત્રાનો મહિમા તો દર વરસે વધતો જ જાય છે. અગાઉ ત્રીસેક હજાર જૈનો છ ગાઉની યાત્રા કરતા હતા, અત્યારે આ આંકડો દોઢ લાખની સંખ્યાને વટાવી ગયો છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s