વિધાતાએ દીકરી ઘડીને, ત્યારે…

વિધાતાએ દીકરી ઘડીને, ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ!
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.
દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
અને મધરાતે માપી સીમાડા સુદૂર
ચપટીક રજ લીધી નખેતર તણી
અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર
સાકરને લઈને સવાદ એણે દીકરીમાં
તજને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસને હુલાસ દીધાં
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.
વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ
અંગ્રેજ કવિની કવિતાનો અનુવાદ મંકરદ દવે દ્ધારા
(“દીકરી વ્હાલનો દરિયો” માંથી સાભાર)

એક વખત ..

એક વખત
એક વખત અમે એકમેકને ખૂબ પ્રેમ કરતાં.
હું ઓફિસે જતો ને એનું મોં ઢીલું થઈ જતું.
હું પાછો ફરતો ત્યારે લઈ આવતો ગજરો, વેણી ફૂલ …
એનું ગમતું મને કબૂલ.
ને પગારને દિવસે હું એને રેશમથી વીંટીં દેતો.
સાંજ પડે કે
એનો જીવ બાલ્કનીને વળગી પડતો.
મને મોડું થઈ જતું તો એ વ્યાકુળ થતી.
ને ચિંતાથી સજળ એની આંખો મને ઠપકો દેતી.
હું અપરાધી… વ્યથિત થતો…
હવે…..
સાંજને ટાણે મારગ ઉપર એની નજર
પથરાઈ રહેતી નથી,
હુ
ઓફિસેથી વહેલો આવતો નથી
-વિપિન પરીખ