પરિકરના જેવું આ જીવન છે

ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન છે આપણું
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઇની વ્યથા
કાર્ય પૂરું થઇ જતાં સ્થાયી મિલન છે આપણું

લેખ વિધિએ લખ્યા મારા, મને પૂછ્યા વગર
કર્મની લીલા રચી રાખી મને ખુદ બેખબર
આજ પણ ચાલે છે ક્યાં મારું મનસ્વી દોરમાં
હું કયામતમાં હિસાબ આપું કયા આધાર પર

પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું

પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું,
જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું.

વધતો રહે છે, સહેજ પણ ઘટતો નથી કદી
છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને,
રાતો પસાર હું જેમ-તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

ખીલતો રહું છું હુંય ને ખૂલતો જઉં છું હું,
ગમતું રહે છે જેમ તને હું તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

ભૂલીને ઘાટ જૂજવા એકાંતની ક્ષણે,
ઓગાળી એને હેમનું હું હેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

– તુષાર શુક્લ

શબ્દની પણ આળ-પંપાળૉ કરીને થાક્યો છું હવે

શબ્દની પણ આળ-પંપાળૉ કરીને થાક્યો છું હવે
તું નથી તો જો વિસામે પણ પહોંચી ભટક્યો છું હવે

રાહ જોતા થાકયો છું આંખમાં ચાતક-સમી પ્યાસ લૈ
આ તરસ કાજે જુવોને માનવી થઇ હાંફ્યો છું હવે

… આપની શેરી ફરીને રોજ પાછા ચાલ્યા જૈ અમે
ને પછી તારા જ ધરને જોઇ લાગે તરસ્યો છું હવે

આપણા બેની વચ્ચે બંધન હશે જે કદી ના તુટે
ને ઋણાનુંબંધની એવી પ્રથામાં અટકયો છું હવે

આવવું જો હોય તો તારે..ઉઘાડે-છોગ તું આવને
લાગણી છે એટલે તો જાતથી હું ભટકયો છું હવે

(નરેશ કે.ડૉડીયા)