સૌરાષ્ટ્રનું નજરાણું સોમનાથ

પ્રકૃતિની અજબ-ગજબ અજાયબી સમા તત્ત્વોનું નિરીક્ષણ કરી તેનો આનંદ માણવાની મજા જ કંઈક ઓર હોય છે. જીવન આનંદથી ભરેલો દરિયો છે, પ્રવાસ તેનું નેત્ર છે.

મોટી કાંટડી હાઈસ્કૂલથી ‘સૌરાષ્ટ્ર દર્શન’ પ્રવાસ ખેડવા ૧૧:૦૦ કલાકે વિધાર્થીઓ અને શિક્ષકો સાથે અમે રવાના થયા. મોટી કાંટડીથી લગભગ ૨૫૦ કિ.મી. દૂર સોમનાથ મંદિર આવેલું છે. તે જોઈ અમે આશ્ચર્યચકિત થયા, હું તો અનિમેષ નયને તે જોયા કરતો, મંદિરની કલાત્મક કોતરણી, શિલ્પ,સ્થાપત્ય અદ્ભુત હતું. મંદિરની રચના શિખરબદ્ધ હતી, મંદિર ઉપર દીવા પ્રગટાવી શકાય તેવી સૂક્ષ્મ કોતરણી હતી.

મંદિરમાં પ્રવેશ કરતાં હનુમાનજી, બળિયાદેવ અને ગણપતિજીનાં મંદિરો હતાં. મંદિરના ગર્ભગૃહમાં શંભુનું શિવલિંગ હતું, પાછળ દેવી પાર્વતીની મૂર્તિ હતી. ત્યાંની આરતી અદ્ભુત હતી. મંદિરની આસપાસ વિશિષ્ટ પ્રકારના બગીચા હતા, બગીચામાં થાકી ગયેલા લોકો આરામ કરતા હતા.

મંદિરની પાછળ અનન્ય સમુદ્ર છે, ત્યાંનાં મોજાં દરેકને પવિત્ર કરે છે. દેશ-વિદેશના સહેલાણીઓ તેની મજા માણવા અહીં આવે છે. અહીં ઘોડેસવારી અને ઊટસવારી ઉપલબ્ધ છે. તેની મજા માણવાનો આનંદ વિરાટ છે. ભૂલકાઓ માટે ચગડોળ, લપસણી અને ટ્રેનનું આયોજન છે. બરફના ગોળા, નારિયેળ પાણી ત્યાં ઉપલબ્ધ છે.

આમ દરિયાને શિવનું ત્રીજું નેત્ર માનવામાં આવે છે. અહીં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ છે. ખરેખર પ્રકૃતિની ગોદમાં રખડવાનો આનંદ અનેરો છે તેવા ભોળાનાથને કોટી-કોટી વંદન.

શત્રુંજય તીર્થની મહિમાવંતી યાત્રા

palitana_shetrunjay_jainખુલ્લા પગે છ ગાઉની પ્રદક્ષિણા પૂર્ણ કરીને સિદ્ધવડ સુધી પહોંચનારા યાત્રિકો બહુ ઓછા ભવોમાં સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે

વર્ષાકાળને બાદ કરતાં જૈનોના સૌથી મહાન તીર્થ શત્રુંજયની યાત્રા આઠ માસ દરમિયાન નિયમિત રીતે થતી જ રહે છે અને ઓછીવત્તી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું આ તીર્થમાં આવાગમન થતું જ રહે છે પણ વરસનાં કેટલાંક પર્વો એવાં છે, જેમાં શત્રુંજય તીર્થમાં લાખો યાત્રિકોનો મહેરામણ ઊમટી પડે છે.

ફાગણ સુદ તેરસ પણ આવું જ એક મહિમાવંત પર્વ છે. આ દિવસે દોઢ લાખથી વધુ યાત્રિકો ગિરિરાજની સ્પર્શના કરવા આવે છે. શત્રુંજય તીર્થ એ દેશ-વિદેશમાં વસતા જૈનોનું એક એવું શ્રદ્ધાતીર્થ છે, જેની તોલે અન્ય કોઈ જૈન તીર્થ આવી શકતું નથી.

ફાગણ સુદ તેરસના દિવસે શત્રુંજયની છ ગાઉની વિશિષ્ટ પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ યાત્રામાં અંદાજે પંદર-સોળ કિલોમીટરનો વિકટ પંથ પગે ચાલીને કાપવાનો હોય છે. છ ગાઉના ઊબડખાબડ અને આકરા ચઢાવ-ઉતારવાળા માર્ગો છતાં આબાલવૃદ્ધો આ પંથ હસતા મુખે કાપે છે. સેંકડો સાધુ-સાઘ્વીજીઓ સહિત હજારો શ્રાવક-શ્રાવિકાઓ આ દિવસે છ ગાઉની યાત્રા કરીને સિદ્ધવડ નામના સ્થળે પહોંચે છે.

સિદ્ધવડ એ છ ગાઉની યાત્રાની સમાપ્તિનું સ્થળ છે. છ ગાઉની યાત્રાનો આરંભ ‘જય તલાટી’થી કરવામાં આવે છે. અહીં ભાવિકો ચૈત્યવંદન કરીને વિધિવત્ યાત્રાનો આરંભ કરે છે. ‘જય તલાટી’ એ પાલિતાણા ગામ તરફની આગળની તલાટી છે અને સિદ્ધવડ એ આદિપુર ગામ તરફની પાછળ બાજુની તલાટી છે. આ સ્થળે એક વિશાળ વટવૃક્ષ છે. આ વટવૃક્ષ નીચે ભૂતકાળમાં લાખો આત્માઓ સિદ્ધપદ પામ્યા હોવાથી એને સિદ્ધવડ કહે છે.

છ ગાઉની યાત્રાનો માર્ગ એ રીતનો છે કે એમાં શત્રુંજય તીર્થનાં સમગ્ર દેરાસરોને આવરી લેવાય તે રીતે પ્રદક્ષિણા કરાય છે. જૈનોમાં એવી રૂઢ માન્યતા છે કે ખુલ્લા પગે છ ગાઉની પ્રદક્ષિણા પૂર્ણ કરીને સિદ્ધવડ સુધી પહોંચનારા યાત્રિકો બહુ ઓછા ભવોમાં સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે.

સિદ્ધવડ જે ગામની સીમમાં આવેલું છે તે આદિપુર ગામનું નામ ભગવાન આદિનાથ ઉપરથી પડેલું છે. આદિનાથ ભગવાને જેટલી વાર શત્રુંજયની સ્પર્શના કરી એટલી વાર તેઓ આદિપુરવાળા રસ્તેથી પધાર્યા હતા. પાલિતાણા ગામની સ્થાપના પછી એ રસ્તાનું ચલણ બંધ પડી ગયું અને ‘જય તલાટી’વાળા રસ્તાનો મહિમા વધી ગયો.

છ ગાઉની યાત્રા દરમિયાન આવતાં મહત્ત્વનાં સ્થળોમાં ચિલ્લણ તલાવડી, ભાડવો ડુંગર, અજિતનાથ-શાંતિનાથનાં પગલાં વગેરે મુખ્ય છે. આ દરેક સ્થળે દેરીઓમાં ચૈત્યવંદન, કાઉસ્સગ્ગ અને પંચાંગ-પ્રણિપાત કરવાનાં હોય છે.

એક રસપ્રદ બાબત એવી છે કે ચિલ્લણ તલાવડીના કિનારે શ્રદ્ધાળુ લોકો સૂઈ જવાની મુદ્રામાં કાઉસ્સગ્ગ કરે છે. આ સ્થળે લાખો મહાત્માઓ અણસણ (અનશન, ખાનપાનનો સદંતર ત્યાગ) કરીને સૂતેલી મુદ્રામાં મોક્ષપદ પામ્યા હોવાથી તેમની સ્મૃતિમાં આમ કરાય છે.

ભાડવા ડુંગર ઉપરની દેરીમાં શ્રદ્ધાથી ચૈત્યવંદન કરનારના એક લાખ ભવોનાં પાપો નાશ પામતાં હોવાનું પણ જૈન શ્રદ્ધાળુઓમાં મનાય છે. અજિતનાથ અને શાન્તિનાથનાં પગલાંવાળી દેરીઓની સન્મુખ જૈનોનું પ્રખ્યાત અજિતશાંતિ સ્તોત્ર રચાયું હોવાની અનુશ્રુતિ જૈનોમાં સેંકડો વરસોની પરંપરામાં સંભળાતી આવી છે. આ સ્તોત્રની રચના નંદીષેણ મુનિ નામના જૈનધર્મના ખ્યાતનામ મુનિએ કરી હતી.

કહેવાય છે કે નંદીષેણ મુનિની સ્તવનાના પ્રતાપે સામસામે રહેલી દેરીઓ દૈવી પ્રભાવથી એક જ હરોળમાં આવી ગઈ. આ સ્તોત્ર અજિતશાંતિના નામે ખૂબ પ્રસિદ્ધિ ધરાવે છે. જૈનોનાં નવ વિશિષ્ટ સ્મરણોમાં તેને સ્થાન આપ્યું છે.

છ ગાઉની યાત્રા જયાં સમાપ્ત થાય છે તે સિદ્ધવડની છત્રછાયામાં ભારતભરના દાનવીર જૈનો દ્વારા સેંકડોની સંખ્યામાં માંડવા નાખવામાં આવે છે, જેને ‘પાલ’ તરીકે ઓળખવાનો રિવાજ છે. આ પાલમાં તમામ યાત્રિકોની અને ભારતભરમાંથી યાત્રાર્થે પધારેલા સાધુ-સાઘ્વીજીઓની અત્યંત બહુમાનપૂર્વક ભકિત કરવામાં આવે છે.

જૂના યુગમાં ફાગણ સુદ તેરસને ‘ઢેબરાં તેરસ’ કહેતા હતા, કેમકે છ ગાઉના યાત્રિકોને દહીં અને ઢેબરાં વપરાવીને તેમની ભકિત કરાતી હતી. આધુનિક સમયમાં તો યાત્રિકો માટે સેંકડો પ્રકારનાં ભોજન તૈયાર કરાય છે. ઘણી વખત તો ફાગણ સુદ ૧૩ની યાત્રાના અવસરે સમગ્ર યાત્રિકોનાં ચરણ પખાળીને તેમનું સંઘપૂજન પણ કરવામાં આવે છે.

જૂના યુગમાં તો શત્રુંજય તીર્થની બાર ગાઉની અતિવિકટ ગણાતી પ્રદક્ષિણા કરવાનો પણ રિવાજ હતો, પરંતુ શત્રુંજયી નદી ઉપર ડેમ બંધાતાં બાર ગાઉનો સમગ્ર યાત્રાપથ ડૂબમાં જવાથી હવે તે યાત્રા બંધ પડી છે. પરંતુ છ ગાઉની યાત્રાનો મહિમા તો દર વરસે વધતો જ જાય છે. અગાઉ ત્રીસેક હજાર જૈનો છ ગાઉની યાત્રા કરતા હતા, અત્યારે આ આંકડો દોઢ લાખની સંખ્યાને વટાવી ગયો છે.

ગુજરાતનાં મ્યુઝિયમો

ગુજરાતનાં મ્યુઝિયમો

  • ભારતમાં મ્યુઝિયમોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતનો બીજો નંબર આવે છે.
    ગુજરાતમાં કુલ ૨૬ મ્યુઝિયમો છે.

(૧) વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી,વડોદરા.
-આ રાજ્યકક્ષાનું મ્યુઝિયમ છે.રાજ્યમાં સૌથી મોટું મ્યુઝિયમ છે.
(૨)મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ,વડોદરા.
-આ કલાવિષયક મ્યુઝિયમ છે,જેમાં મુખ્યત્વે ચિત્રો તથા શિલ્પોનો સમાવેશ થાય છે.
(૩)એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્વવિષયક મ્યુઝિયમ.
-ભૂસ્તરશાસ્ત્ર વિષયક મ્યુઝિયમ અને પ્રાણીશાસ્ત્રવિષયક મ્યુઝિયમ,વડોદરા.
આ બધા સંદર્ભ મ્યુઝિયમો છે.
(૪)વડોદરા મ્યુનિસિપાલિટીનું હેલ્થ મ્યુઝિયમ,વડોદરા.
-તેમાં સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતાં નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(૫) મેડિકલ કોલેજનું મ્યુઝિયમ,વડોદરા.
-મેડિકલ કોલેજમાં એનેટોમી,ફાર્મેકોલોજી,ટોક્સીલોજી,પેથોલોજી અને પ્રિવેન્ટિવ મેડિસિન.આમ ચાર વિભાગોનાં ચાર મ્યુઝિયમ છે.આ ઉપરાંત વડોદરામાં એગ્રીક્લ્ચર મ્યુઝિયમ પણ હાલમાં થયેલ છે.સદરહુ મ્યુઝિયમમાં ખેતી વિષયક માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે.
(૬) મ્યુનિસિપલ મ્યુઝિયમ-સંસ્કાર કેન્દ્ર , અમદાવાદ.
-ગુજરાત મ્યુઝિયમ સોસાયટી સંચાલિત આ મ્યુઝિયમમાં એન.સી.મહેતા સંગ્રહ છે,જેમાં લઘુચિત્રો તથા હસ્તપ્રતોનાં લઘુચિત્રો સંગ્રહેલાં છે.અહિં ઘણીવાર વિભિન્ન હંગામી પ્રદર્શનો પણ યોજાતા હોય છે.
(૭) ભો.જે.વિધ્યાભવન- અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ, અમદાવાદ.
-આ સંદર્ભ મ્યુઝિયમ છે અને તેમાં હસ્તપ્રતો,તાડપત્રો, સિક્કઓ,ફોસિલો વગેરે પ્રાચિન અવશેષો પ્રદર્શિત કરેલા છે.
(૮) કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્ષટાઈલ, અમદાવાદ.
-ગુજરાતમાં કાપડને લગતું આ એક માત્ર મ્યુઝિયમ છે.તેથી તે ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે.તે ખાનગી મ્યુઝિયમ છે અને તેમાં મુખ્યત્વે કાપડ અને ભારતનાં વિશિષ્ટ પોશાકો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(૯) બી.જે.મેડિકલ કોલેજનું મ્યુઝિયમ, અમદાવાદ.
-તેમાં એનેટોમી,પેથોલોજી, ફોર્મેકોલોજી, હાઈજીન અને ફોરેન્સિક મેડિસિન-આ પ્રત્યેક વિભાગને પોતપોતાના વિષયોના નમૂના દર્શાવતું મ્યુઝિયમ છે.
(૧૦) ગાંધી સ્મારક સંગ્રહાલય,સાબરમતી, અમદાવાદ.
-આ મ્યુઝિયમને પર્સોનેલિયાં-મ્યુઝિયમાં મુકી શકાય કારણકે તેમાં ફ્ક્ત ગાંધીજીની તસવીરો,ગાંધીજી વિષેનું સાહિત્ય અને તેમના જીવનકાળ દર્મ્યાનનાં તેમના અવશેષો એટલે કે તેમની અંગત વસ્તુઓ પ્રદર્શિત કરેલાં છે.
-આ ઉપરાંત, અમદાવાદમાં એલ.ડી.ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાં નાનું સરખું મ્યુઝિયમ છે;તેમાં મુખ્યત્વે જૈન સંસ્કૃતિની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
-પ્રાકૃતિક ઈતિહાસ વિષયક મ્યુઝિયમ પણ અમદાવાદમાં કાંકરિયા પાસે પ્રાણીસંગ્રહાલયમાં છે.
-તે ઉપરાંત ગુજરાત વિધ્યાપીઠમાં ટ્રાઈબલ અને ઈથનોલોજીકલ મ્યુઝિયમ છે,જેમાં ગુજરાતનાં આદિવાસીઓ અને જનજાતિઓનો પહેરવેશ તથા મોડેલો વગેરેનો સંગ્રહ રાખવામાં આવેલ છે.
(૧૧) સાપુતારા મ્યુઝિયમ, સાપુતારા.
-મ્યુઝિયમમાં મુખ્યત્વે માનવજાતિશાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઈતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(૧૨) સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત.
-તેમાં કલાવિષયક વસ્તુ પ્રદર્શિત કરેલી છે.
(૧૩) આર્ટ એન્ડ આર્કિયોલોજી મ્યુઝિયમ, વલ્લભવિધ્યાનગર.
-તેમાં કલા અને પુરાતત્વ વિધ્યાને લગતી વસ્તુઓનો સંગ્રહ છે.
-તે ઉપરાંત આણંદમાં એગ્રીકલ્ચરલ મ્યુઝિયમ પણ આવેલુ છે.
(૧૪) કચ્છ મ્યુઝિયમ, ભુજ.
– આ મ્યુઝિયમને બહુહેતુક પ્રકારનાં મ્યુઝિયમમાં મુકી શકાય.કારણકે તેમાં વિભિન્ન વિષયોની વિવિધ વસ્તુઓને પ્રદર્શિત કરી છે.
(૧૫) વોટસન મ્યુઝિયમ , રાજકોટ.
-વડોદરા પછીનું મહત્વનું મ્યુઝિયમ આ છે,જે બહુહેતુક છે.
(૧૬) દરબારહોલ મ્યુઝિયમ, દીવાનચોક, જૂનાગઢ.
– આ પણ એક બહુહેતુક મ્યુઝિયમ છે.
(૧૭) જૂનાગઢ મ્યુઝિયમ, સક્કરબાગ, જૂનાગઢ.
-તેમાં કલા, પુરાતત્વ વિધ્યા, પ્રાકૃતિક ઈતિહાસનાં નમૂનાં છે.
(૧૮) બાર્ટન મ્યુઅઝિયમ , ભાવનગર.
-તેમાં શિલ્પો, શિલાલેખો, તામ્રપત્રો, સંસ્કૃત હસ્તપત્રો,વલભીના માટીકામનાં નમૂનાઓ,ધાતુની પ્રતિમાઓ,તૈલચિત્રો,ફોસિલો વગેરેનો સંગહ છે.
(૧૯) ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ, ભાવનગર.
-તેમાં ગાંધીજીની અંગ વસ્તુઓ , તસવીરોનો સંગ્રહ છે.
(૨૦) લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર.
-તેમાં માનવશાસ્ત્રને લગતાં નમૂનાઓનો સંગ્રહ છે.
(૨૧) જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટિઝ, જામનગર.
– તેમાં કલા અને પુરાતત્વવિષયક વસ્તુઓનો સંગ્રહ છે.
(૨૨) પ્રભાસપાટણ મ્યુઝિયમ, પ્રભાસપાટણ.
– આ મ્યુઝિયમ પુરાતત્વવિધ્યાવિષયક છે.
(૨૩) શ્રી ગીરધરભાઈ બાળ સંગ્રહાલય, અમરેલી.
-તેને મ્યુઝિયમ સ્વરૂપે મુકેલ છે.
(૨૪) ગાંધી મેમોરીયલ રેસીડેન્સિયલ મ્યુઝિયમ, પોરબંદર.
-તેમાં ગાંધીજીનાં જીવનનો ઈતિહાસ દર્શાવવામાં આવેલો છે.
(૨૫) ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય, કપડવંજ.
-જે બાળકો માટે છે.
(૨૬) રજનીપરીખ આર્ટસ કોલેજ, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, ખંભાત.
-જેમાં ખંભાત આર્કિયોલોજી વિષય અંગેનો સંગ્રહ કરવામાં આવેલો છે.

sidisaiyad

સીદીસઈદની જાળી

ઐતિહાસિક સ્મારકોની નગરી તરીકે અમદાવાદ વિખ્યાત છે.ખાસ કરીને મુસ્લિમ સ્થાપત્ય માટે જગમશહૂર છે.અમદાવાદમાં લાલદરવાજા વિસ્તારની સીદીસઈદની મસ્જિદ તેની જાળીઓની કલાત્મક કોતરણી માટે જગમશહૂર છે. જાળીનાં ભૌમિતિક આકારો વચ્ચ વૃક્ષવેલનું બારીક કોતરકામ ખૂબ મુલાયમ છે.આ જાળીઓની લાકડાની અને ચાંદીની અનુકૃતિ બનાવીને અમદાવાદના પ્રતિક તરીકે દેશ-પરદેશમાં મોકલવામાં આવે છે.