મજા કંઇ ઔર હોય છે

લૂટાંય જવાની પણ મજા કંઇ ઔર હોય છે
લૂટનારની આંખો ખૂલી ને આપણી બંધ હોય
છેતરાય જવાની પણ મજા કંઇ ઔર હોય છે
છેતરનાર કોઇ નાર હોય ને દ્વાર બંધ હોય

ભૂલી જવાની પણ મજા કંઇ ઔર હોય છે
જ્યારે એ મળવા આવે ને ઘડીયાળ બંધ હોય
છુપાયને પીવાની મજા પણ કોઇ ઔર હોય છે
પત્ની પીયરે હોય ને એની ટકટક બંધ હોય

એકાંત માણવાની પંણ મજા કંઇ ઔર હોય છે
એ એકલા હોય ને એની પાપણો બંધ હોય
જિવી જવાની મજા પણ કંઇ ઔર હોય છે
મિજાજ જવાન હોય ને વયની લેણ બંધ હોય

શાયરી કરવાની પણ મજા કંઇ ઔર હોય છે
શ્રોતાઓ સમજદાર હોય ને ઘોંધાટ બંધ હોય
એને સ્પર્શવાની મજા પણ કંઇ ઔર હોય છે
લાંબી રાત્રી હોય ને સુરજનુ બારું બંધ હોય

(નરેશ કે.ડૉડીયા)

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા.

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા…
જંગલની કુંજ કુંજ જોવી હતી…
જોવી’તી કોતરોને જોવી’તી કંદરા…
રોતા ઝરણાની આંખ લોવી હતી…

‘ ઉમાશંકર જોશી’

ભગવાન ના વારસ બની જઈએ

ચાલો સાથે મલી ભગવાન ના વારસ બની જઈએ.

શરત બસ એટલી છે સૌ પ્રથમ માણસ બની જઈએ.

હવે એક રસ્તો છે તમાશા દુર કરવાનો,

બધા વેશ ખંખેરી ફરી બાળક બની જઈએ…………….

તું નાનો, હું મોટો


તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.

ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો….

~ પ્રેમશંકર ભટ્ટ.

ગુજરાતણ નાચ તું મન મુફીને નાચ્

ગુજરાતણ નાચ તું મન મુફીને નાચ્,
નીચે ધરતીને ઉપર ગગન,
આજુ બાજું પ્રકાશ છે તારે કાજ,
શાને તું લાજ ,
નાચ ગુજરાતણ નાચ્,
હાથ હલાવ, ઘેરદાર ઘાઘરાને ઘુમાવ્,
તાલ દે ને પગ ને દે ઠમકારો,
ઉછાળ તારી મસ્તીનો ગુલાલ ને,
ભરી દે રંગ તારી ચુંદડીમાં,
નાચ ગુજરાતણ નાચ્,બાઈ તું મન મુકીને નાચ્,
અવસરના ચુકીએ એવાં ગુજરાતી અમે,
વધાવીએ વિધાતાના ખેલ્,રમતાં રમતાં,
આંનદ અવસર રુડા છે દીન રાત,
નાચ ગુજરાતણ્ અને ગુજરાતને નચાવ્,
નથી ઓઢવું તારે આજ,
ખુલી ગયાં છે ભાગ્ય આજ્,
સર્વ સુખ છે તારે સાથ્,
આભે ચમકે તારાઓ તારે કાજ,
વધાવ ગુજરાતણ ચાંદાને આજ્,
નાચ ગુ જરાતણ નાચ્,
આજે તું મન મુંકી ને નાચ્,
ઘાણ,પખવાજ ને નોબત વાગે છે,
ઢોલ્ નગારાંને ડમરાની ડમડમાટી,
સાવજની ડણકને મોરના ટહુકાં,
સઘળાં સંગીત છે તારે કાજ્,
નાચ ગુજરાતણ્ નાચ,
તારી આંખોને નચાવ,તારી કમરને લટકાવ,
કરી લે લટકાને ઝટકા ને મસ્તિના તું દે ફટકા,
નારી દેહમાં ભરી મરદાનગી,
દેખાડ તારું ખમીર્ ,
નાચ ગુજરાતણ્ તું મન મુકી ને નાચ્……………………………(નરેશ ડૉડીયા)

શોધતો હતો ફૂલ ને

શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી, મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
કયાંક રે આંબો ટહુકયો, એની વનમાં મહેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ, પોયણા જેવી રાત.
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
આંખ મીંચું ત્યાં, જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
વ્યોમની કિરણ-ઝૂલ.
શોધતો જેવી પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

-ચંદ્રકાંત શેઠ

અમે કરીશું પ્રેમ

રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ
તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ.
તમને તો કોઈ કારણ અમને નહીં
બ્હાના નહીં વ્હેમ,અમે કરીશું પ્રેમ..
તમને વાદળ ધુમ્મસ વ્હાલાં,
અમને ઉજળી રાત;
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત.
કહો આંખથી ગંગા જમના વહે એમ ને એમ,
અમે કરીશું પ્રેમ..-સુરેશ દલાલ

તું મૈત્રી છે..!!

તું વૃક્ષનો છાંયો છે, નદીનું જળ છે.
ઊઘડતા આકાશનો ઉજાસ છે:
………તું મૈત્રી છે.

તું થાક્યાનો વિસામો છે, રઝળપાટનો આનંદ છે
તું પ્રવાસ છે, સહવાસ છે:
………તું મૈત્રી છે.

તું એકની એક વાત છે, દિવસ ને રાત છે
કાયમી સંગાથ છે:
………તું મૈત્રી છે.

હું થાકું ત્યારે તારી પાસે આવું છું,
હું છલકાઉં ત્યારે તને ગાઉં છું,
હું તને ચાહું છું :
………તું મૈત્રી છે.

તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે
તું અહીં અને સર્વત્ર છે:
………તું મૈત્રી છે.

તું બુદ્ધનું સ્મિત છે, તું મીરાનું ગીત છે
તું પુરાતન તોયે નૂતન અને નિત છે:
……….તું મૈત્રી છે.

તું સ્થળમાં છે, તું પળમાં છે;
તું સકળમાં છે અને તું અકળ છે:
………….તું મૈત્રી છે.

– સુરેશ દલાલ

જોતો જ રહ્યો બસ હું તમને !! – મનહર ઊધાસ

જોતો જ રહ્યો બસ હું તમને, નિર્દોષ તમન્ના જાગી ગઇ
મન પ્રેમનું ડામાડોળ થયું ને રૂપની ચર્ચા જાગી ગઇ

અરમાનોએ લીધી અંગડાઇ અને ઉંઘતી આશા જાગી ગઇ
સંભળાયો તમારો રણકો ત્યાં સંગીતની દુનિયા જાગી ગઇ

જોઇને તમારા તેવરને સંસાર ઉપર દિવસ ઉગ્યો
વિખરાઇ તમારી ઝુલ્ફો તો રજનીની મહત્તા જાગી ગઇ

ઊર્મીનાં ગુલાબો ખીલી ઉઠ્યાં, આવી ગઇ ખુશ્બુ જીવનમાં
સ્વપ્નું તો નથી જીવન મારું એવી મને શંકા જાગી ગઇ

જ્યાં આંખ અચાનક ઉઘડી ગઇ જોયું આતો સ્વપ્ન હતુ
પોઢી ગઇ જાગેલી આશા, જીવંત નિરાશા જાગી ગઇ.

શોધું છું

ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું
લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું

મસ મોટા દંભ તણા તાળાં, સંશયની સાંકળ પગે પડી
માણસ આખ્ખાને ખોલી દે કોઈ એવી કળને શોધું છું

ઘોંઘાટ, રૂધિર જાણે થઈને, નસ નસમાં વહેતું મનખાની
ટહુકા, કલરવ, સાતે સૂરમાં વહેતાં ખળ ખળને શોધું છું

સૂરજ અજવાળાને બહાને હરરોજ દઝાડે રૂદિયાને
છો ટમટમતું, પણ તારાના શીતળ ઝળહળને શોધું છું

શબરીએ ચાખી ચાખીને ભગવનને દીધા’તાં બોર ઘણાં
અણજાણે ત્યાંથી દડી પડ્યાં એકાદા ફળને શોધું છું

મંદિર મસ્જિદ ગિરીજા તો શું, મયખાને પણ હું ફરી વળ્યો
જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું