ચાંદને તો

ચાંદને તો દરેક લોકો ચાહે છે,
ક્યારેક સૂરજને ચાહવાની કોશિશ તો કરો;
સુખ તો દરેક લોકો માંગે છે,
ક્યારેક દુઃખ માંગવાની કોશિશ તો કરો;
પ્રેમ તો દરેક લોકો કરે છે,
ક્યારેક નફરત કરવાની કોશિશ તો કરો;
વચન તો દરેક લોકો આપે છે,
ક્યારેક નિભાવાની કોશિશ તો કરો;
વિદેશ ગમનની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક પોતાના દેશને ઓળખવાની કોશિશ તો કરો;
હવામાં ઉડવાની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક આ ધરતી પર પગ જમાવવાની કોશિશ તો કરો .
જિંદગીને તો દરેક લોકો ચાહતા હોય છે,
ક્યારેક મૌતની પાસે જવાની કોશિશ તો કરો;
‘કપિલ’ પોતાના માટે તો દરેક લોકો જીવતા હોય છે,
ક્યારેક બીજાના માટે જીવવાની કોશિશ તો કરો
‘કપિલ’

પ્રેમ એટલે કે…

પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો
ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,
એ પ્રેમ છે.
પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો,
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકીને આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને
ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો
પ્રેમ એટલે કે…
-મુકુલ ચોક્સી

નજરનાં જામ છલકાવીને …..

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર તમે ઉભા રહો
જરા ઉભા રહો, જરા ઉભા રહો
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે,
નજરના જામ….

મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરો
મેં તો આપ્યા છે ફુલ મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….

થઇને પુનમની રાત તમે આવ્યા હતા
થઇને જીવન પ્રભાત તમે આવ્યા હતા
તમે આવ્યા હતા, તમે આવ્યા હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે


જીવન ઍક સફર છે

કદાચ હું કાલે નહીં હોઉ,મનેય ખબર છે,
આજથી શાને રોઉ, જીવન ઍક સફર છે,
સાંધી રહી છું તુટતાં શ્વાસને સ્મરણો થકી,
શોકાતુર ગલી ગલી,ઊદાસ આખું નગર છે,
મળ્યુ છે આ જીવન,માણવું મન ભરી,
મોતનું કરીશું સ્વાગત તે અફર છે,
છે મોતનો પડછાયો,જીવનની આસપાસ,
છતાં ઊગતાં રવિ પર મારી નઝર છે,
હવે નથી ઓગળી જવાનો અવસાદ,
ખુદ ‘ખુદા’ને પણ મારી કદર છે,
ફરી રહયાં છે આસપાસ,માનવી તણાં મ્હોરાં,
‘દૂનિયાં’ જીવતાં શબની જ ઍક ‘કબર’છે.

કરું ક્યારેક મજાક ખુદની

વિચિત્ર રીતે કરું ક્યારેક મજાક ખુદની-
કે લખું પ્રેમપત્ર પણ સરનામા વગર !

જુઠાણાંને સાચાં જે ઠરાવી જાણે –
તેને ચાલે જરૂર કોઇ બહાના વગર !

દુ:ખો દુનિયાનાં ઘણાં દૂર થઇ જાય –
ચાલે માનવને જો કંઇ વિચાર્યા વગર !

કોણે કયારે બનાવ્યું આ જીવન કેવું –
કોણ ક્યારે કરમાય કોઇના વગર !

સ્વાભાવે પરવાનાથી ચડિયાતો વળી –
જલી જાઉં ઘણીવાર કોઇ શમા વગર !

રહ્યો હું ખરે જ જમાનાથી પાછળ
મિથ્યાભિમાને કે ચાલશે જમાના વગર !

મધુ શાહ

ન હોઉં તારી સાથે તો ત્યારે મને યાદ કરજે,

ન હોઉં તારી સાથે તો ત્યારે મને યાદ કરજે,
ભૂલો તો ઘણી કરી છે, પણ મને માફ કરજે,

દોસ્તી ના દાખલા માંથી નારાજગી ને બાદ કરજે,
જેવો છુ એવો ન હતો પહેલા ,
એ સમજાય ત્યારે મને સાદ કરજે,

દુનિયામાં કેટલીયે દોસ્તી તૂટે છે અને તૂટતી રહેવાની,
પણ મિત્રતા ની મિસાલમાં તો આપણી દોસ્તી નું જ નામ કરજે,

જ્યારે પણ એકાંત માં યાદ મારી આવે ,
બસ એક પ્યારીસી SMILE કરજે…….

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?

જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે,

દિવાળી હોય કે હોળી, બધુ ઓફિસમાં જ ઉજવાય છે.

આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,

લગ્નની મળે કંકોત્રી, ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

પાંચ આંકડાના પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે,

પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ છે, પણ ક્લાઈન્ટનો કોલ
ક્યાં કપાય છે.

ફોનબુક ભરી છે મિત્રોથી, પણ કોઈનાયે ઘરે ક્યાં જવાય છે,

હવે તો ઘરનાં પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

કોઇને ખબર નથી, આ રસ્તો ક્યાં જાય છે,

થાકેલાં છે બધા છતાં, લોકો ચાલતાં જ જાય છે.

કોઇકને સામે રૂપીયા, તો કોઇકને ડોલર દેખાય છે,

તમેજ કહો મિત્રો, શું આને જ જીંદગી કહેવાય છે?

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

બદલતા આ પ્રવાહમાં, આપણા સંસ્કાર ધોવાય છે,

આવનારી પેઢી પૂછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે.

એકવાર તો દિલને સાંભળો, બાકી મનતો કાયમ મુંઝાય છે,

ચાલો જલ્દી નિણૅય લઇએ, મને હજુંય સમય બાકી દેખાય છે.

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?

જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

સફળતાનો પીનકોડ ગૂજરાતી

સફળતાનો પીનકોડ ગૂજરાતી,
સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી.

કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી,
એકડાનો કરે બગડો ગૂજરાતી.

નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી,
સિદ્ધિઓની વડવાઇ ગૂજરાતી.

લોટો લઇને દૈ દે ઘડો ગૂજરાતી,
વખત પડે ત્યાં ખડો ગૂજરાતી.

દુશ્મનને પડે ભારે ગૂજરાતી,
ડૂબતાને બેશક તારે ગૂજરાતી.

એસ્કિમોને ફ્રીજ વેચે ગૂજરાતી,
ક્યાંક કંપની નામે ઢેંચે ગૂજરાતી.

દેશમાં ABC ની હવા ગૂજરાતી,
પરદેશમાં ઓમશ્રી સવા ગૂજરાતી.

પાછાં પગલાં ના પાડે ગૂજરાતી,
કાંકરામાંથી ઘઉં ચાળે ગૂજરાતી.

ફાફડા ઢોકળાં ઘારી ગૂજરાતી,
પાનની સાયબા પિચકારી ગૂજરાતી.

એની ડીંગમાંયે કૈંક દમ ગૂજરાતી,
હર કદમ પર વેલકમ ગૂજરાતી.

મહેમાનનું પહેલું પતરાળું ગૂજરાતી,
છેલ્લે અપનું વાળું ગૂજરાતી.

ગાંધી, મુનશી સરદાર ગૂજરાતી,
ક્ષિતિજની પેલે પાર ગૂજરાતી.

જિંદગીનો સરળ સીધો પરિચય છે

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે-ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન ઘણા વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.

મને જોઈને નજરને શું સિફતથી ફેરવી લ્યો છો!
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હાલો પથ્થારી ફેરવીએ દેશની

મને જરૂર છે ટેકાની ભાઇ મારા
અમને જરૂર છે કેશની (રોકડા ની) !
હાલો પથ્થારી ફેરવીએ દેશની !

છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા
આ વર્ષોની વાર્તાયું મેલો
સાત પેઢી નિરાંતે બેસીને ખાય
બસ એટલો જ ભરવો છે થેલો
દો’વા દે ત્યાં લગી જ
આરતીયું ઊતરે છે
કાળી ડિબાંગ આ ભેંશની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !

ફાઇલોના પારેવા ઘૂં ઘૂં કરે છે
હવે ચોકમાં દાણા તો નાખો
ગમ્મે તે કામ કરો
અમને ક્યાં વાંધો છે ?
પણ આપણા પચાસ ટકા રાખો
ચૂલે બળેલ કૈંક ડોશીયુંનાં નામ પર
આપી દ્યો એજન્સી ગેસની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !

દેકારા, પડકારા, હોબાળા, રોજેરોજ
વાગે છે નીત નવાં ઢોલ
જેને જે સોંપાશે એવો ને એવો
અહીં અદ્દલ ભજવશે ઇ રોલ
નાટકની કંપનીયું – ઇર્ષ્યા કરે ને –
ભલે આપણે ત્યાં ભજવાતા વેશની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !

શ્રી કૃષ્ણ દવે