બાલ કાવ્ય- શિક્ષણ ???

શિક્ષણ ???

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,

પતંગિયાને કહી દો સાથે દફતર લાવે,

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,

સ્વીમિંગપુલમાં સઘળા નિયમોનું પાલન કરવાનું,

દરેક કૂંપળને કોમ્પુટર ફરજિયાત શીખવાનું,

લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું,

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,

કોયલને પણ કહી દેવુ ના ટહુકે ભરબપોરે,

અમથું કૈં આ વાદળીઓનું એડમિશન દેવાનું?

ડોનેશનમાં આખ્ખે આખ્ખુ ચોમાસું લેવાનું.

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કુલો,

‘આઉટડેટ’ થયેલો વડલો કાઢે મારી ભૂલો!

(ક્રુષ્ણ દવે)

કોયલ ટહૂકે કાળી

આ કોયલ ટહૂકે કાળી,
કૂંઉ કૂંઉ કૂંઉ કરતી ને ફરતી આંબા ડાળી.
ટહૂકે વન-ઉપવન ને ટહૂકે બાગ-બગીચે,
ગામ-શહેર વગડામાં ટહૂકે ઉપર-નીચે.
ફર ફર કરતી સર સર સરતી, નટખટ એ નખરાળી,
આ કોયલ ટહૂકે કાળી.
એ ટહૂકે તો આનંદ પ્રગટે ટહૂકો એનો એવો!
સુરાવલીની સરગમ જાણે થાળ ભરેલો મેવો!
કોઈ મુંજીને મોજ લાવી દે મમતાળી-મરમાળી, આ કોયલ ટહૂકે કાળી.
કોયલરાણી કહી દે કે આ કંઠ લાવી તું કયાંથી?
પંચમ સૂર મધુર તું લાવી પરમેશ્વરને ત્યાંથી!
પ્રસન્નતાના પ્રતીકસમી તું આનંદ-ઓરછવવાળી,
આ કોયલ ટહૂકે કાળી.
પ્રવીણ દવે (બગસરા).

ગીત મજાનું : શ્વેત ગધેડો

કેવો મજાનો શ્વેત ગધેડો, લાંબા એના કાન,
ઘોડાના બચ્ચા જેવો, પણ કોઈ ન આપે માન.
વૌઠામાં વેચાતો મળે, લાખો થાતાં દામ,
તોય મૂરખ માણસને લોકો, આપે નાહક એનું નામ.
વણઝારાનો માનીતો, ને કુંભારનું કરતો એ કામ,
ખાવા-પીવા કોઈ ના નીરે, રખડી ખાતો આમ.
ઈરાનમાં તો લોકો કરતા, એના પર અસવારી,
ભાર વિના જો જાતો ઠાલો, માલિક કરે સવારી.
ઉધમી અવ્વલ નંબરનો, ના મળતો આરામ,
પજવો ત્યારે મારે પાટું, વ્યર્થ કરો બદનામ.
-વિજય પુરોહિત -(અમદાવાદ)

ગીત મજાનું : ક્રિકેટ

હાથમાં લીધો દડો, સાથે લીધું બેટ,
હાથીભાઈ તો ચાલ્યા, રમવા ક્રિકેટ.
સસ્સારાણા ફેંકે બોલ, જાદુમંતર જેવા,
હાથીભાઈ લગાવે છગ્ગા, તેંડુલકર જેવા.
હાથ-પગમાં મોજા, માથે પહેરી હેટ,
હાથીભાઈ તો ચાલ્યા, રમવા ક્રિકેટ
શાણા શિયાળભાઈ, થયા છે એમ્પાયર,
ડોક હલાવી કહે, અપીલ ના તું કર.
સિંહરાજા જોવા આવ્યા, લઈ જમ્બો જેટ,
હાથીભાઈ તો ચાલ્યા, રમવા ક્રિકેટ.
જાતજાતનાં પશુ-પંખી, આવ્યા મેચ જોવા,
કોઈ આવ્યા કેચ જોવા, ને કોઈ આવ્યા દેશ જોવા.
ટિકિટ વગર પેસી ગઈ જોને પેલી કેટ,
હાથીભાઈ તો ચાલ્યા, રમવા ક્રિકેટ. -જયદીપ અગ્રાવત -(જૂનાગઢ).

ખેડૂતની સેવાએક તાત છે દુનિયા કેરો, બીજો તાત મનુષ્ય કહ્યો;
તે મનુષ્ય ખેડૂત ગણાયે, જેણે તડકો ખૂબ સહ્યો.

ટાઢતાપ વેઠીને જેણે પરિશ્રમ સદા ઘોર કર્યો;
પાક એહનો આખા જગને, એણે હસતાં સર્વ ધર્યો.

રાતદિવસ ના જોયાં એણે, જોયાં સુખ કે દુઃખ નહીં;
જીવન આખું સેવા કરતાં, ધરતી કેરું ગયું વહી.

વરસાદ ભલે વરસે તો પણ, હિંમત ના હારે કો’દિ;
પવનતણા સુસવાટા માંયે, જાય ખેતરોમાં દોડી.

બળદ એહના સાથી સાચા, એ એની જીવાદોરી;
અનાજ પકવે એની મદદે, આળસની કરતાં હોળી.

સેવા લે સઘળાયે એની, જીવન એ સૌને આપે;
કેમ ગમે આપણને, જો એ દુઃખમહીં દિવસો કાપે?

કંગાળ જ જો હોય એ, વળી અક્ષરજ્ઞાન રહિત હોયે;
શરમ ગણાયે દેશતણી તો, દેવાદાર બને તોયે.

માટે એની સેવા માટે, તૈયારી સઘળીય કરો;
એની સેવા લઈ એહને, જીવનની રસલ્હાણ ધરો.

નિજાનંદે હંમેશા બાલ

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;

ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.

દુનિયાની જુઠી વાણી, વિશે જો દુ:ખ વાસે છે;

જરાયે અંતરે આનંદ,ના ઓછો થવા દેજે.

કચેરી માંહિ કાજીનો, નથી હિસાબ કોડીનો;

જગત કાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.

જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસ;

ન સારા કે નઠારાની, જરાએ સંગતે રહેજે.

રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે;

જે દુ:ખ કે આનંદ, કોઇને નહીં કહેજે.

વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને તજી દેજે;

ધડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.

રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરૂં એ સુખ માની લે;

પિયે તો શ્રી પ્રભુના, પ્રેમનો પ્યાલો ભરી પીજે.

કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે;

પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.

પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો;

ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.

અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું !

અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.

લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;

અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે

. વફાઇ તો નથી, આખી દુનિયામાં જરા દીઠી;

વફાદારી બતાવા ત્યાં, નહીં કોઇ પળે જાજે.

રહી નિર્મોહિ શાંતિથી, રહે એ સુખ મોટું છે;

જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.

પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;

પ્રભુની પ્યારી ગ્રીવામાં, પહેરાવી પ્રિતે દેજે.

કવિ રાજા થયો શી છે, પછી પીડા તને કાંઇ?

નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે

મા બાપને ભૂલશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ

અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું એ પુનિત જનનાં કાળજ

પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા

અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા

એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા

એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો

જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને

એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર

એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ

પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ

. -સંત પુનિત (Sant Punit)

બાલ કાવ્ય

સોમવારે પારણુ બંધય છે
બોખા દાદીમા બહુ હરખાય છે
ઘુઘરા વાગે છે મંગળવારના
ને પછી હાલરડું પુરું થાય છે
બુધવારે સોટી ચમચમ વાગતી
વિદ્યા ઘમઘમ કરતી આવી જાય છે
ને ગુરુવારે મળે રુમઝુમ પરી
શુક્રના પ્રભાતે ઉડી જાય છે
થાક શનિવારના લાગે બહું
ને કબરમાં ટાંટિયા લંબાય છે
હા રવિવારે તો છુટ્ટી પાળીએ
ત્યાં જ મૃત્યુઘંટ વાગી જાય છે
-અદમ ટંકારવી

અંધેરી ને ગંડુ રાજા,

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાર ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે…

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

-દલપતરામ (Dalpatram)

ઋતુઓ

લલિત

શરદ શી સુહે ! વાદળાં ગયાં.
જળ નદી તણાં નીતરાં થયાં.
ગગનથી સુધા ચંદ્ધની ઝરી,
રસભરી રમે રાસ ગુર્જરી.

ઉપજાતિ

હેમંતમાં કોમળ સૂર્યતાપ,
વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ.
ઝરે નિશાએ હિમ ભૂમિ-ખોળે,
લીલાં તૃણે ઝાકળબિંદુ ડોલે.

દ્ધુતવિલંબિત

શિશિરવાયુ સુશીતળ સૂસવે,
તરુ તણાં થડથી રસ કૈં ઝવે.
ખરત પાન, રહ્યાં બસ ડાંખળાં,
સભર ધાન્ય થકી સુહતાં ખળાં.

વસંતતિલકા

ખીલી વસંત, વન ફૂલભર્યાં મહેકે,
ગાતા ફરે ભ્રમર, કોકિલનાદ લ્હેકે.
ઊડે સુગંધકણ પુષ્પ તણા રસોના,
આઘા સુણાય ગગને સ્વર સારસોના.

મંદાક્રાંતા

આવ્યો આવ્યો બળ બળ થતો દેખ જોગી ઉનાળો;
વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગ્નિઝાળો.
ઝોળા ખાતી રસદ ફળની લૂમ, લૂ વાય ઊની;
પાણી ડૂક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની.

શિખરિણી

ચઢી આવ્યાં ક્યાંથી દળ પર દળો વાદળ તણાં ?
કરે ઈશાને શી ઝબક ઝબકી વીજ રમણા !
પડયાં પામી ધો ધો, જળભર થઈ ધન્ય ધરણી;
હસે વર્ષા; શોભા શુભ નભ વિશે મેઘધનુની.

-ઉમાશંકર જોશી