મેં એક બિલાડી પાળી છે

મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે,

ઍ હળવે હળવે ચાલે છે,
ને અંધારામાં ભાળે છે,

દૂધ ખાય  ,       દહી ખાય,
ઘી તો ચપચપ ચાટી જાય,

તે ઉંદરને ઝટપટ ઝાલે,
પણ કૂતરાથી બીતી ચાલે,

એના ડિલ પર ડાઘ છે,
એ મારા ઘરનો વાઘ છે.

મામાનું ઘર કેટલે?

મામાનું ઘર કેટલે?
દીવો બળે એટલે!
દીવા મેં તો દીઠા,
મામા લાગે મીઠા!
મામી મારી ભોળી!
મીઠાઈ લાવે મોળી.
મોળી મીઠાઈ ભાવે નહીં
રમકડાં કોઈ લાવે નહીં.

કૈલાસ – દીકરો મારો લાડકવાયો

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

– કૈલાસ પંડિત

તું મારી બેન ને હું તારો ભાઇ.

હું રે બનું, બેન! વાડીનો મોરલો,
આંબાની કોયલ તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઇ.

હું રે બનું, બેન!રૂડો ડોલરિયો,
મીઠી ચમેલડી તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઇ.

હું રે બનું, બેન!બાનો ઘડૂલો!
બાની ઇંઢોણી તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઇ.

હું રે બનું, બેન!બાપુનો રેંટિયો,
બાપુની પીંજણ તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઇ.

ચાલોને રમીએ હોડી હોડી

ચાલોને રમીએ હોડી હોડી

ચાલોને રમીએ હોડી હોડી

ચાલોને  રમીએ  હોડી  હોડી
ચાલોને…..ચાલો ચાલોને…

વરસ્યો વરસાદ ખૂબ આજે મૂશળધાર,
ઝરણાં નાનાં જાય દોડી દોડી…ચાલાને..

બાપુનાં છાપાં નક્કામાં થોથાં
કાપી કૂપીને કરીએ હોડી…ચાલોને..

સાદીને સઢવાળી, નાની ને મોટી
મૂકીએ પવનમાં છોડી છોડી…ચાલોને..

ખાલી રાખેલી ઊંધી વળે તો
પાંદડાં ને ફૂલ ભરું તોડી તોડી…ચાલોને..

જાશે દરિયાપાર પરીઓના દેશમાં
સૌથી પહેલી દોસ્ત મારી હોડી…ચાલોને …
– પિનાકીન ત્રિવેદી

ચકીબેન! ચકીબેન!

ચકીબેન!  ચકીબેન!

ચકીબેન!  ચકીબેન!
મારી સાથે રમવા
આવશો કે નહીં?
બેસવાને પાટલો ને
સૂવાને ખાટલો
ઓઢવાને પીંછા આપીશ તમને
ચકચક ચણજો
ને ચીં ચીં કરજો
ખાવાને દાણા આપીશ તમને
બા નહીં બોલશે ને
બાપુ નહી વઢશે
ચકીબેન!  ચકીબેન!
મારી સાથે રમવા
આવશો કે નહીં?

ગુડ બાય ગુડ બાય ટાટા ટાટા

ગુડ બાય ગુડ બાય ટાટા ટાટા

ગુડ બાય ગુડ બાય ટાટા ટાટા

ગુડ બાય ગુડ બાય ટાટા ટાટા,
આંખો પર બાંધ્યાં છે અવળા પાટા…ગુડ બાય ગુડ બાય ટાટા ટાટા
સાનમાં કહું છું સમજી લ્યો બાનુ
બાવનમાં પાનામાં આ ત્રેપનમું પાનુ
હોંશ કરશે ખેલાડી ખાટા ખાટા…ગુડ બાય ગુડ બાય ટાટા ટાટા
ખૂબીથી ખેલાડી ખેલે છે દાવ
હિંમત જો હોય તો રમવાને આવ
શોખ થાયે ગુલાબના તો વાગે કાંટા…ગુડ બાય ગુડ બાય ટાટા ટાટા
જીવનને માનો ના કોઈએ જુગાર
જીતે છે એજ જેની થાયે છે હાર
રસ્તો છે એક, જુદા જુદા ફાંટા…ગુડ બાય ગુડ બાય ટાટા ટાટા

શરણાઈવાળો

શરણાઈવાળો

શરણાઈવાળો

(છંદ- મનહર)
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રગરાગણી વગાડવામાં વખણાયો છે.
એકને જ જાચું એવી ટેક છેક રાખી,એક
શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે.
કહે દલપતરામ પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
“ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે,
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”
-દલપતરામ.

 

અન્યોક્તિ

અન્યોક્તિ

અન્યોક્તિ

ઊંટ કહેઃ આ સમામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂંછડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાકાં, શિંગડાંનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકુ, આપનાં અઢાર છે.”
-દલપતરામ.