શિયાળાની સવાર

શિયાળાની સવારની
કોમળ ધૂપ ખાવા
ધાબે આંટા મારતો હતો ત્યાં
બાજુના ધાબામાંથી
એક બાબાએ કીધું
“અંકલ, છૂટ અપાવો ”
“પણ, અહીંયાં સુધી પતંગ
પહોંચાડીશ કેવી રીતે ….?”
એનું ધ્યાન તો આકાશમાં !
અને પતંગ મારા ધાબા ઉપર એણે
ઘણા પ્રયત્ને ઉડાડી
પહોંચાડ્યો …
મેં કીધું ” અલા આ તો ઊડ્યો ….
હવે છૂટ અપાવવાની ક્યાં જરૂર છે ?”
તોયે પેલા એ નક્કી કરેલું ,
પતંગ છોડી દીધો …
“જલ્દી જલ્દી પવન આયો …”
આખરે મારે છૂટ અપાવી જ પડી !
પતંગ સીધો ઊંચે …..
છોકરો ખુશ !
વત્સને કાલે સવારે ફરીથી
ધાબે ચઢવાનું
સાયન્ટિફિક કારણ મળી ગયું …

તુ મને કેટલો પ્રેમ કરે છે?

એ મને વારંવાર પુછે છે કે
તુ મને કેટલો પ્રેમ કરે છે એ જણાવ
હવે એ પાગલ ને કેમ સમજાવુ કે
વરસાદ ના ટીપા ગણવા અશક્ય છે.

ઓછી મદિરા છે, ને ગળતું જામ છે..!!

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

– ‘મરીઝ’

 

પોતાની હસતી

પોતાની હસતી બેફીકર હોવી જોઈએ,
દુનિયા ની નઝર તમારી ઉપર હોવી જોઈએ,
કામ એવા કરો જીવન માં કે ભગવાન પણ કહે,
આની જગ્યા તો મારી બાજુ માં જ હોવી જોઈએ.

રોજ રાત્રે છાને ખૂણે..

રોજ રાત્રે છાને ખૂણે
ફૂલદાની રડે છે.
એને એ જ સમજાતું નથી કે
પોતે એવા તે ક્યાં પાપ કર્યા હશે કે
ફૂલોનું કબ્રસ્તાન બનવું પડ્યું ?

નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો !!

કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો

-શેખાદમ આબુવાલા

નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે..!!

સહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે.
કદમની બેડીઓ ‘કાયર’ સમા શબ્દો કહી જાશે.
જવાંમર્દીથી એક જ કૂદકે અવરોધ ટાળી દે,
નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે.

– શૂન્ય પાલનપુરી

ચાંદનીની રાહ એ જોતું નથી !!

ચાંદનીની રાહ એ જોતું નથી
આંગણું એકાંતને રોતું નથી
રાત પાસે આગિયા પણ હોય છે
એકલું અંધારું કાંઈ હોતું નથી

– કૈલાસ પંડિત

થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી..!!

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

– કૈલાસ પંડિત