વાયુને હંફાવવા બળ ના કરે

વાયુને હંફાવવા બળ ના કરે
એ સુંગધ છે,કદી છળ ના કરે

પુષ્પ પર ડાઘો પડે એ બીકથી
જીવવાને જિદ ઝાકળ ના કરે

સ્વપ્નને સંકેલવાને બાબતે
ઊંઘતો માણસ ઉતાવળ ના કરે

ખૂબ ઘેરી ને ગહન છે લાગણી
એ ઝરણની જેમ ખળખળ ના કરે

ક્રોધ તો કરતો નથી ઈર્શાદ પણ
ના ગમે તો વાત આગળ ના કરે

-ચિનુ મોદી ‘ઈર્શાદ’ (Chinu Modi)

જીવતી ક્યાં જતી હોય છે? – ચિનુ મોદી “ઈર્શાદ”

થરથરી ક્યાં જતી હોય છે?

સમસમી ક્યાં જતી હોય છે?

આ સપાટી કશું પણ કરો

ખળભળી ક્યાં જતી હોય છે?

ઘર અને ગામ બન્ને ત્યજી

આ ગલી ક્યાં જતી હોય છે?

અપહરણ શૂન્યતાનું કરી,

પાલખી ક્યાં જતી હોય છે?

ઝાંઝવા પી જઈ સાંઢણી

રણ ભણી ક્યાં જતી હોય છે?

પુષ્પને ખેરવી ડાળ આ

હચમચી ક્યાં જતી હોય છે?

કાચઘરમાં તરે માછલી

તરફડી ક્યાં જતી હોય છે?

સ્વર્ગ કે નર્કમાં આ પ્રજા

જીવતી ક્યાં જતી હોય છે?

દોસ્ત ઈર્શાદ! ચોખ્ખું કહે

લાગણી ક્યાં જતી હોય છે?

( ચિનુ મોદી “ઈર્શાદ” )