સમજાય એવી રીતે કહો…!!

વહુ તેના વર માટે નાસ્તો બનાવી રહી હતી...અચાનક પતીદેવ રસોડામા આવ્યા...!!
"સંભાળજે ,
"જરાક મિઠું નાખ "
"ને થોડું માખણ ઓછું કર "
"બે ચમચી પાણી નાખ "
" અરે રામ ગેસ કેટલો મોટો છે , જરા ધીમે તાપે કર"
" જોજે દાઝી નો જાય - બળી જશે તો તારી જેટલું કાળું થૈ જશે"
" ઉલ્ટાવ - ઉલ્ટાવ - બળશે - ચારે બાજુ ઘી ફેરવ, ઊંધી બાજુ "
" ગાંડી તારે નથી ફરવાનુ - બ્રેડ ઉલ્ટાવ"
"સંભાળી ને..,"

"ધીમે, ધીમે ,
જરા જલ્દી, જરા ધીમે,"
" ચારે બાજુ જોઇન્રે ---

હવે વહુની ધીરજ ખુટી.તવેથો પછાડી કહે " આજે કેમ બહુ બોલો છો? 
વીસ વરસથી રોજ બબ્બે વાર નાસ્તો બનવું છું...મને બ્રેડ શેકતા નહીઆવડતું હોય ?"

વર શાંતીથી કહે.... " ના ના એવું કાઇ નથી પણ આતો તને દેખાડતો હતોકે..
 જ્યારે હું કાર ચલાવતો હોઉં ત્યારે મારી દશા કેવી થાય છે !!

દીકરીને અગ્નિદાહ આપ્યો તે પહેલા

 

 

દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,


સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?
અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!


એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…


પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…


ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,


કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…


અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!

” એષા દાદાવાળા ની  રચના ”

દૂરનું વિચારતા થાવ, ભાવિ સંકટો ટળી જશે…

એક દેશમાં ગજબનો એક રિવાજ હતો. દર દસ વર્ષે નવા રાજાની પસંદગી થતી હતી. દસ વર્ષ પછી તે જુના રાજાને એક એવા નર્જિન ટાપુમાં ફરજિયાતપણે મોકલી દેવામાં આવતા હતા, જ્યાં ભોજન, પાણી વગેરેનો પણ સતત અભાવ રહેતો હતો. માણસ ત્યાં જઈને પાણી અને ભોજન વગર તડપી તડપીને મરી જતો. વર્ષોથી ત્યાં આ રિવાજ ચાલ્યો આવતો હતો. જેને લીધે અનેક રાજાઓ આવી રીતે કષ્ટ સહન કરી મૃત્યુ પામ્યા. દસ વર્ષ પછી જો કોઈ રાજા આ રીતે જવાની ના પાડે તો દેશવાસીઓ તેની વાતને અપશુકનના ભયથી માનતા નહીં અને બળપૂર્વક તેને મોકલી દેતા.

એકવાર એક બુદ્ધિશાળી માણસ રાજા તરીકે પસંદ થયો. તેણે ભવિષ્યનું વિચારીને નક્કી કર્યું કે, દસ વર્ષ પછી પોતાને પણ જો આ રીતે મરવાનું હોય તો પછી આજથી જ ટાપુનો વિકાસ કરી નાખવો જોઈએ. ત્યાં પાણીની વ્યવસ્થા અને ખેતી કરવી જોઈએ જેથી પાણીનું સંકટ અને અનાજની અછત ન સર્જાય. તેણે તરત જ ટાપુ પર કૂવા, તળાવ અને ખેતતલાવડી બનાવ્યાં અને ખેતી શરૂ કરાવી.થોડા જ દિવસોમાં ટાપુ હરિયાળો બની ગયો અને સમૃદ્ધ દેખાવા લાગ્યો.

દસ વર્ષ પછી જ્યારે તેને ટાપુ પર જવું પડ્યું ત્યારે તેમને કોઈ પણ જાતની તકલીફ નડી નહીં, કારણ કે, ટાપુ સંપૂર્ણ રીતે વિકાસ પામી ચૂક્યો હતો. આ રીતે તેનો જીવ પણ બચ્યો અને ભવિષ્યના રાજાઓના જીવ પણ સુરક્ષિત બન્યા. દૂરનું વિચારવાથી ભવિષ્યનાં સંકટો પણ ટળી જાય છે. સમસ્યા કોઈ પણ જાતની હોય તેના પર વ્યવસ્થિત વિચાર કરીને નિર્ણય લેવો જોઈએ.

-વિશાલ કલાની

‘મધર હોમ’

. . .  મા, બાળક ને જન્મ મજબુરી થી આપે છે,
જન્મ તો આપ્યો પણ પાળવા ‘મધર હોમ’ માં મુકે છે,

બાળક પણ ક્યાં ગાંજ્યો જાય,તેને પણ શીખી લીધુ છે,
મોટો થયા પછી માબાપ ને વૃધાશ્રમ માં મુકે છે,
જે છે, તે જોઇતુ નથી , નથી તેની ઘેલછા છે,

સ્વમાન ના નામે માણસ સ્વાર્થી બનતો જાય છે,
અગર આ જ કળયુગ ની શરુઆત છે,
તો કલ્પના થતી નથી, અંન્ત મા શું થવાનુ છે……….??

” જખમો નો જિર્ણોદ્ધાર “

એ વખતે મેં તને તેડી લીધેલો….

એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું.
સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો.
આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં પગલાંની બે જોડ જોઈ.બાજુમાં ચાલતા ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું.
દરેક દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને એક જોડ ઈશ્વરના પગલાંની. થોડા વખતમાં તેને વીતેલા જીવનના પાછલા દશ્યો દેખાયાં.
અરે આ શું? આમાંનાં ઘણા દશ્યોમાં પગલાંની એક જ જોડ તેને દેખાઈ.. વળી
તેણે ધ્યાનથી જોયું તો એ તેનો સૌથી મુશ્કેલીનો સમય હતો. જયારે તે ખૂબ દુ:ખી હતો
ત્યારે જ પગલાંની એક જોડ તેને દેખાઈ. તે ઈશ્વર પ્ર નારાજ થઈ ગયો.
તેણે ઈહ્સ્વરને કહ્યું, ‘ભગવાન, આવુ કરવાનું? આખું જીવન મારી સાથે ને સાથે રહેવાનું તમે વચન આપેલું. તો પછી મારા દુ:ખના સમય દરમ્યાન મને પગલાંની એક જ જોડ કેમ દેખાય છે? ખરે વખતે જ મને છોડી દીધોને?’
ભગવાન ધીમું હસ્યા અને કહે, ‘અરે ગાંડા, આખું જીવન હું સાથે ને સાથે જ છું.’
‘તો પછી.’


તારા મુશ્કેલી સમયમાં જે પગલાંની જોડ દેખાય છે એ તારી નથી મારી છે. એ વખતે મેં તને તેડી લીધેલો.

એક વખત અમે


એક વખત અમે એકમેકને ખૂબ પ્રેમ કરતાં.
હું ઓફિસે જતો ને એનું મોં ઢીલું થઈ જતું.
હું પાછો ફરતો ત્યારે લઈ આવતો ગજરો, વેણી ફૂલ …
એનું ગમતું મને કબૂલ.

ને પગારને દિવસે હું એને રેશમથી વીંટીં દેતો.
સાંજ પડે કે
એનો જીવ બાલ્કનીને વળગી પડતો.
મને મોડું થઈ જતું તો એ વ્યાકુળ થતી.

ને ચિંતાથી સજળ એની આંખો મને ઠપકો દેતી.
હું અપરાધી… વ્યથિત થતો…
હવે
સાંજને ટાણે મારગ ઉપર એની નજર
પથરાઈ રહેતી નથી,
હુ
ઓફિસેથી વહેલો આવતો નથી


-વિપિન પરીખ ( Vipin Parikh)

સોનામાં સુગંધ – અવંતિકા ગુણવંત

‘મમ્મી, લે આ તારા માટે છે. હાથ લાંબા કર.’ અર્પણે આવું કહીને શોભાબહેનના હાથમાં સોનાની બંગડીઓ પહેરાવા માંડી. શોભાબેન મૂંઝવણથી એ ઝગારા મારતી કલાત્મક બંગડીઓને જોઈ રહ્યાં. એમને કંઈ સમજાયું નહીં. એમણે પૂછ્યું : ‘આ બંગડીઓ મને શું કામ પહેરાવે છે ? હવે તો તારે આકાંક્ષાને દાગીના ઘડાવી આપવાના હોય મને નહીં. તારે એની હોંશ પૂરી કરવાની હોય’
‘મમ્મી આ હું એની જ હોંશ પૂરી કરી રહ્યો છું. જ્યારે એણે જાણ્યું કે અમારા લગ્ન વખતે એને બંગડીઓ ઘડાવી આપવા તેં તારી બંગડીઓ ઉતારી આપી હતી ત્યારે જ એ બોલી હતી મને દાગીના ચડાવવા મમ્મીના હાથની બંગડીઓ ઉતારાય ? મમ્મી ખૂબ પ્રેમાળ અને ઉદાર છે એટલે ભલે એમણે પોતાની બંગડીઓ ઉતારી આપી પણ આપણે એમને વહેલામાં વહેલી તકે બંગડીઓ કરાવી આપીશું. એથી તો લગ્ન પછી અમે મસુરી જવાના હતા એ પ્રોગ્રામ એણે કેન્સલ કરાવડાવ્યો અને લગ્ન પહેલાં એ જોબ કરતી હતી એ પગારની બચત થઈ હતી તેથી એ રકમ ઉપાડીને એણે આ ચાર બંગડીઓ ઘડાવી.’

શોભાબહેન તો આભાં જ બની ગયાં. દીકરાને પોતાની મા માટે બંગડીઓ ઘડાવી આપવાનું મન થાય પરંતુ દીકરાની વહુ એમાં સાથ આપે ! વહુએ તો હજી હમણાં જ આ ઘરમાં પગ મૂક્યો છે. એને મારો શું પરિચય ? તોય એણે એની બચતના પૈસા મારી પાછળ વાપરી નાખ્યા. હું સાજીમાંદી હોઉ ને એણે મારી સારવાર પાછળ પૈસા ખરચ્યા હોત તો એમ થાત કે હું માંદી હોઉં તો એની ફરજ સમજીને એણે બચત વાપરી. પણ આ તો મને બંગડી કરાવી આપવા ! અને એટલા માટે હનીમૂન પર ના ગયા. દામ્પત્યજીવનના આરંભના એ દિવસો વિસ્મય, રોમાંચ અને કુતૂહલથી કેવા ભરપૂર હોય ! બેમાંથી એક થવાની એ અનન્ય અદ્દભુત અનુભૂતિ કુદરતના અસીમ સૌંદર્ય વચ્ચે માણવાનો મોહ જતો કર્યો. મને બંગડીઓ તો પછી ગમે ત્યારે કરાવી અપાત. આ ઉંમરે મને દાગીના વગર ચાલત.

શોભાબેન દ્રવી ઊઠ્યાં. ભાવથી ભીંજાતાં એ બોલ્યાં : ‘બેટા, મેં તો મારી બે જ બંગડીઓ આપી હતી ને આ તો ચાર બંગડીઓ છે અને તેય જડતરકામવાળી ! આની તો ઘડાઈ જ કેટલી બધી હશે !’
અર્પણ બોલ્યો : ‘મમ્મી, મા દીકરા વચ્ચે બે ને ચારનો હિસાબ ન હોય.’ શોભાબેન આગળ કંઈ બોલી ન શક્યાં. એમનું ગળું રુંધાઈ ગયું. એમને એમના મોટા દીકરા નચિકેતના લગ્ન વખતની વાત યાદ આવી ગઈ. નચિકેતના લગ્ન સમયે એમણે જ્ઞાતિના રિવાજ મુજબ એની પત્ની રવિનાને દાગીનો ઘડાવી આપવા પાંચ તોલાની સગવડ રાખી હતી, પરંતુ રવિનાએ પાંચ તોલાના બદલે સાત તોલાનો દાગીનો પસંદ કર્યો. પાંચ તોલાના દાગીના આર્ટિસ્ટિક હતા. એમાં ઘણી વેરાઈટી હતી પણ રવિનાએ એ દાગીના પર નજર જ ના કરી. પોતાના સાસરિયાંની આર્થિક સ્થિતિનો ખ્યાલ ન હોય એટલી એ અબૂધ ન હતી, પણ રીતસરની એની એ ખંધાઈ હતી.

ત્યારે શોભાબેને રવિનાના અસહકારી વલણ પર ધ્યાન આપવાના બદલે હસતામોંએ પોતાના હાથ પરની બે બંગડીઓ તરત ઉતારી આપી હતી. ત્યારે જ્ઞાતિના રિવાજને વળગી રહીને પાંચ તોલાનો જ દાગીનો પસંદ કર એમ રવિનાને એમણે જરાય આગ્રહ નહોતો કર્યો. ત્યારે મનોમન ઈશ્વરનો એમણે આભાર માન્યો હતો કે ભલે નવું સોનું ખરીદવાની પહોંચ નથી પણ હાથે ચાર બંગડીઓ હતી તો બે ઉતારી આપી શકી અને વહુની હોંશ પૂરી થઈ. રવિના એના મા-બાપનું ઘર છોડીને આવે છે, હવેથી હું એની મા કહેવાઉં, ત્યારે આંરભથી જ કોઈ ગેરસમજ ઊભી ના થાય એ જોવાની જવાબદારી મારી ગણાય.

નચિકેત રવિનાના લગ્ન થયે ચાર વર્ષ વીતી ગયાં પણ શોભાબેન પોતાના માટે બે નવી બંગડીઓ ઘડાવી શક્યાં ન હતાં. શોભાબેને એ માટે કદી ફરિયાદેય નહોતી કરી કે વસવસોય દર્શાવ્યો ન હતો. પણ એ વાત અર્પણના ખ્યાલમાં હતી એથી જ એણે બે બંગડીઓને બદલે માને ચાર બંગડીઓ કરાવી આપી. અલબત્ત આકાંક્ષાના પૂર્ણ સહકારથી જ. દીકરા વહુનો સ્નેહ જોઈને શોભાબેનની આંખો ભીંજાઈ ગઈ. એમને આકાંક્ષા પર હેત ઊભરાઈ આવ્યું. આકાંક્ષાની અર્પણ સાથે સગાઈ થઈ ત્યારથી જ આકાંક્ષાના સ્નહે, સમજદારી અને દરિયાવ દિલનો શોભાબેનને ખ્યાલ તો આવી જ ગયો હતો. એને દાગીના ચડાવવાની વાત આવી ત્યારે એણે દાગીનાની ના જ પાડી હતી. એણે કહ્યું હતું : ‘મમ્મી મને દાગીનાનો શોખ જ નથી. જુઓને હું ક્યાં કંઈ પહેરું છું ?’
ત્યારે શોભાબેને કહ્યું હતું : ‘કુંવારી છોકરી ના પહેરે તો ચાલે, પણ પરણ્યા પછી દાગીના પહેરવા પડે, એવો આપણામાં રિવાજ છે. વળી તું દાગીના પહેરે તો ઘરનું સારું દેખાય અને તું રૂપાળી તો છે જ પણ દાગીનાથી ઓર રૂપ ખીલે.’
આ સાંભળી આકાંક્ષા આદરપૂર્વક વિનયથી બોલી હતી : ‘મમ્મી આપણા સૌજન્ય, વિવેક અને સંસ્કારથી સમાજમાં આપણી આગવી પ્રતિષ્ઠા છે, ને મને દાગીનાનો મોહ નથી, દાગીનાથી મળેલું રૂપ શું શોભા આપવાનું હતું ? એવા રૂપની ક્ષણભંગુરતા આપણે ક્યાં નથી જાણતા ?’ આકાંક્ષાની આ વાત સાંભળીને શોભાબેન રાજી રાજી થઈ ગયાં હતાં, પણ ત્યારે એમને ખ્યાલ ન હતો કે આકાંક્ષા જે બોલી છે એ હૃદયપૂર્વક માને છે અને એની માન્યતા એ આચરણમાં મૂકશે.

આકાંક્ષા જોબ કરે છે તોય સવાર-સાંજ રસોડામાં મદદ કરાવે છે. રજાના દિવસે ઘરનાં વધારાનાં કામ કરે છે. આ જોઈને એની જેઠાણી રવિના કહે છે : ‘તું કમાય છે તોય શું કામ આ બધાની ગુલામી કરે ? એમને ખુશ કરવાની તારે શી જરૂર ?’ રવિના પોતે કમાતી નથી તોય કામ કરવામાંથી છટકવા જ પ્રયત્ન કરતી. એ માટે એ જાતજાતના બહાનાં શોધી કાઢતી. જ્યારે આકાંક્ષાએ એને કહ્યું : ‘ભાભી, હું કમાઉં છું એ સાચું પણ એથી કરીને મારાથી એમની તરફ બેપરવા તો ન જ થવાય ને ! એ આપણાં વડીલ છે, આપણા આદરમાનનાં અધિકારી છે, એમની સેવા કરવાની અને એમની ફિકરચિંતા દૂર કરવાની આપણી ફરજ છે.’

ભારતીય સ્ત્રી લગ્ન કરીને માત્ર પતિને જ નહીં, પતિ સાથે પતિના મા-બાપ, ભાઈ-બહેન, આખા કુટુંબને અપનાવે છે. સુપ્રસિદ્ધ કવિયત્રી નલિની માંડગાવકર એમના એક ગીતમાં કહે છે :

હું જીવીશ વૃક્ષની જેમ
ફૂલોની સૌરભ પાથરીને
પંખીનો ટહૂકો સાચવીને
આકાશનો મંત્ર ઝીલીને
હું નારી, નખશિખ નારી

આકાંક્ષાના હૈયે ભારતીય આદર્શ છે, ભારતીય સંસ્કારનું એનામાં સીંચન થયેલું છે. તેથી પૈસા કરતાં પ્રેમનું મૂલ્ય એને મન મોટું છે. કુટુંબ સમગ્રને સાચવવામાં એ ધન્યતા અનુભવે છે. હજી આપણે ત્યાં આકાંક્ષા જેવી વહુઓ છે તેથી સુખનો અહેસાસ થાય છે.

સાવ સાદો સવાલ – દિનકર જોષી

અદાલતે જેવો ચુકાદો જાહેર કર્યો કે તરત જ અત્યાર સુધી અત્યંત ઉત્કંઠિત થઈને બેઠેલી શર્વરીએ, અદાલતી શિસ્તના તમામ નિયમો ઉલ્લંઘીને પોતાની બેઠક ઉપરથી કૂદકો જ માર્યો. આનંદ તો ભાર્ગવને પણ થયો હતો પણ અદાલતની શિસ્ત એ સમજતો હતો. અદાલતી ચુકાદાઓ હંમેશા એક પક્ષને પ્રસન્ન કરે છે તો એ સાથે જ બીજા પક્ષને અપ્રસન્ન કરે છે. એમાંય ભાર્ગવ તો વકીલ હતો. વકીલ તરીકે કેટલાય ચુકાદાઓથી એને સંતોષ થયો હતો તો કેટલાક ચુકાદાઓમાં એ પરાસ્ત પણ થયો હતો. આમ બીજે ક્યાંય નહીં તો પણ અદાલતી ચુકાદાઓ પૂરતી તો એણે અનાસક્તિ કેળવી જ લીધી હતી.

પણ આજના ચુકાદાની વાત અનોખી જ હતી. આજનો ચુકાદો તો ભાર્ગવ પણ સાવ અનાસક્તભાવે સ્વીકારી શકે એમ નહોતો. આમ છતાં એણે પોતાની પ્રસન્નતાને નિયંત્રિત રાખીને અદાલતી શિસ્તનું બળપૂર્વક પાલન કર્યું હતું. પણ શર્વરી માટે તો આવું કોઈ બંધન હતું જ નહીં. એ પોતાની બેઠક ઉપરથી ઊછળી પડી. એણે તાળીઓ પાડી. ભાર્ગવે આંખના ઈશારે અને હાથ હલાવીને શર્વરીને રોકી. અદાલતમાં ઉપસ્થિત રહેલાઓ સહુ કોઈ આમ તો આ ખટલા સાથે સીધી રીતે સંકળાયેલા નહોતા અને આમ છતાં કહેવું હોય તો કહી શકાય કે આ ચુકાદાથી ભાગ્યે જ કોઈ નાખુશ થયું હતું. પ્રતિવાદીના વકીલ સુદ્ધાં નહીં.

ઉમેશે એવું જ તો કહ્યું હતું.
ઉમેશ અને અનસૂયા આ બે જ તો પરિવારમાં હતાં. પિતા મૃત્યુ પામ્યા ત્યારે ઉમેશ માંડ કિશોર અવસ્થામાં હતો. પૈસેટકે ખાસ કંઈ કમી નહોતી. રૂડોરૂપાળો એક માળનો બેઠા ઘાટનો બંગલો હતો. બૅંક બૅલેન્સ અને મૂડીરોકાણ પણ પૂરતા પ્રમાણમાં હતું. શર્વરી પરણાવવા જેવડી થઈ ચૂકી હતી એટલે એની જવાબદારી હજુ પૂરી નહોતી થઈ પણ અનસૂયાએ મન મક્કમ કરીને બધો જ વ્યવહાર જાળવી લીધો. શર્વરીને સારું ઘર અને સારો વર જોઈને ધામધૂમથી સાસરવાસી કરી દીધી. સાસરું ગામમાં જ હતું એટલે પુત્રી માટે પણ નાના ભાઈ અને માતાની સારસંભાળ લેવાનું સુગમ હતું તો માતા માટે પણ પુત્રી નજર સામે જ હોવાથી મોટો સધિયારો હતો. ઉમેશ મોટો થયો. અનસૂયાએ લાડકોડથી ઉછેર્યો. પિતાની ખોટ એને સાલે નહીં એવી સભાનતાથી એ પુત્રની માતા અને પિતા બંને બની રહી. ઉમેશની શૈક્ષણિક કારકિર્દી પણ અત્યંત તેજસ્વી નીવડી. એની બુદ્ધિમત્તાના ચમકારા કૉલેજકાળથી જ એવા તેજસ્વી લાગતા હતા કે કૉલેજના પ્રાધ્યાપકો અને પ્રિન્સિપાલ સુદ્ધાં કહેતા – આવા જીનીયસ યુવાન માટે આ ગામ બહુ નાનું પડે. એની પ્રતિભાને તો કોઈક યુરોપ કે અમેરિકા જ સાચવી શકે.

વાતવાતમાં, વિવેકમાં કે પછી ગમે તે રીતે વારંવાર બોલાતા આ વાક્યને ઉમેશે આત્મસાત કરી લીધું હતું. એણે પ્રમાણિકતાથી માની લીધું હતું કે આ ગામ – અને પછી તો આ ઘર સુદ્ધાં – પોતાના માટે અપૂરતા છે. પૂરતાની પૂર્તિ કર્યા વિના…… પણ અનસૂયા ઉમેશની એકેય વાત માનવા તૈયાર નહોતી. ઉમેશની લાખ જીદને હસતાં હસતાં પોષવા સદાય તૈયાર રહેતી અનસૂયાએ ઉમેશની આ એક વાત સામે ધરાર ઈન્કાર કરી દીધો. ‘લાખ વાતેય હું તને આ ગામ છોડીને બીજે નહીં જવા દઉં અને જો તારે જવું જ હોય તો હું તારી સાથે જ આવીશ.’ માતાની વાતનો આ પૂર્વાર્ધ તો ઉમેશને નહોતો જ ગમ્યો પણ ઉત્તરાર્ધ તો અત્યંત આકરો લાગતો હતો. પોતાની સાથે આવવાનું જનેતાનું આ વેણ ઉમેશથી મુદ્દલ સહન થતું નહોતું. એવું શી રીતે થઈ શકે ? દેશવિદેશના યુવાનોની કારકિર્દી ઘડતા જે સામાયિકો કૉલેજમાં એ જોતો હતો એમાં છપાતી real story માં એવું ક્યાંય એણે વાંચ્યું નહોતું કે જેમાં યુવાન માતાની આંગળીએ વિદેશમાં વસ્યો હોય. યુરોપ કે અમેરિકામાં જો એ પોતાની બુદ્ધિપ્રતિભાનું યોગ્ય મૂલ્યાંકન કરી શકે તો Sky is the only limit. ઉમેશને હવે Sky સિવાયની કોઈ limit મંજૂર નહોતી.

એમાંય અનસૂયાએ ઉમેશના લગ્ન માટે આમતેમ નજર નાખવા માંડી ત્યારે તો ઉમેશ ભારે ચોંકી ઉઠ્યો. અનસૂયા જે રીતે પોતાની Sky is the only limit વાળી કેરીયરને સમજી ન શકે એ જ રીતે પોતાના લગ્ન વિશે પણ એનો ખ્યાલ તો જૂનવાણી અને પરંપરાગત જ હોય ને ! જોકે ઉમેશને હજુ કોઈ આર્થિક સંકડામણનો અનુભવ અનસૂયાએ થવા દીધો નહોતો. મૂડીરોકાણનો બધો જ વહીવટ અનસૂયા કોઠાસૂઝથી કરતી અને એમાંય શર્વરી સાસરે ગયા પછી એના પતિ કે સસરાની સહાય પણ એમને ભારે ઉપયોગી થતી હતી. શર્વરી પણ માતાને પૂરતી મદદ કરતી હતી. બંગલો તો પતિએ પોતાની હયાતિમાં જ પુત્ર ઉમેશના નામે ચડાવી દીધો હતો. એકનો એક દીકરો હતો અને આમેય પોતાની હયાતિ પછી એ જ તો વારસદાર હતો. વારસદારના સગીર કાળમાં કાયદેસરના વાલી તરીકે અનસૂયાનું નામ દસ્તાવેજોમાં રાખ્યું હતું ખરું પણ હવે તો ઉમેશ કાનુની રાહે પુખ્ત વયનો થઈ ચૂક્યો હતો. હવે એને વાલીની કોઈ જરૂર નહોતી. હવે તો એને જરૂર હતી… ઘણા લાંબા સમય સુધી આ ગડમથલ ચાલતી રહી. અનસૂયાને એમ હતું કે વરસ છ મહિને પુત્રના મનના ઉઘામા શમી જશે. પણ એવું કંઈ ન બન્યું. લગ્નની વાત જેવી અનસૂયાના હોઠ ઉપર આવે કે તરત જ ઉમેશ વડચકું ભરી લેતો. માતા પહેલાં સમજાવતી, પુત્ર આ સમજાવટનો પ્રતિભાવ ઉગ્રતાથી આપતો, આ ઉગ્રતા માતા માટે અજાણી હતી એટલે એય ક્યારેક વળતી ઉગ્રતા દાખવી દેતી. કહી પણ દેતી – ‘તારા બાપની ગેરહાજરીમાં હું તારો બાપ બનીને રહી છું. તારા હિતને હું બરાબર સમજું છું. હવે મારા મનની લાગણીઓને જો તું નહીં સમજે તો મારે કહેવું પણ કોને ?’

ધીમે ધીમે વાત વણસતી ગઈ. વણસવી ન જોઈએ અને છતાં વણસતી ગઈ. અનસૂયા પછી તો શાંત થઈ ગઈ હતી અને ઉમેશ પણ ભાગ્યે જ કશી વાતચીત કરતો. ઘરમાં હોય એટલા કલાકો પણ એ પહેલાં માળે પોતાના ખંડમાં જ રોકાયેલો રહેતો. પહેલા માળનો એ ખંડ અત્યાર સુધી બંધ હતો. ઉમેશના વપરાશનો ખંડ નીચે જ બેઠકખંડની પાસે આવેલો હતો પણ હવે ઉમેશે પોતાનો ખંડ બદલી નાખ્યો હતો. ઘરમાં અનસૂયા ભોંયતળિયે એકલી જ સમય પસાર કરતી હોય અને ઉમેશ પહેલામાળે કોઈને કોઈ કામમાં વ્યસ્ત હોય.

એક દિવસ આ વાતનો અણધાર્યો અંત આવી ગયો. અનસૂયાએ વહેલી સવારે પોતાના ખંડની બહાર આવીને જોયું ત્યારે એ સ્તબ્ધ થઈ ગઈ. પહેલા માળે જતા દાદરના પગથિયાં પાસે જાળી બંધ હતી અને એને બહારથી તાળું દેવામાં આવ્યું હતું. રાત્રે ઉમેશ એના ઉપરના ખંડમાં સૂવા ગયો ત્યાં સુધી અનસૂયા જાગતી હતી. આ રીતે વહેલી સવારે જાળીને તાળું મારીને તો એ ક્યારેય ગયો નહોતો. એમાંય એણે જ્યારે જોયું કે ભોંયતળિયાના વધારાના ખંડોના દરવાજે પણ તાળાં લટકતાં હતાં. એને ધ્રાસકો પડ્યો. બેબાકળાં થઈને એણે ચારેય તરફ જોયું. વચ્ચેના બેઠકના ઓરડામાં બાંધેલા હીંચકા ઉપર એક ચિઠ્ઠી પડી હતી. ધ્રૂજતા ધ્રૂજતા એણે આ ચિઠ્ઠી ઉપાડી અને આંખમાં ધસી આવેલા આંસુને લૂછી કાઢીને એ અક્ષરો ઉકેલ્યા. એ ચિઠ્ઠી ઉમેશની હતી. ઉમેશ લખતો હતો ‘તમારા વસવાટ માટે જરૂરી બે ઓરડા અને રસોડાને ખુલ્લાં રાખીને મારા બંગલાના બાકીના તમામ ઓરડાઓ બંધ કરીને હું અમેરિકા જઈ રહ્યો છું.’ અનસૂયાના પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ. ઉમેશ આવું કોઈ અંતિમ પગલું ભરી પણ શકે એ કલ્પનાતીત હતું. એ ભોંય ઉપર ફસડાઈ પડી.

પછી તો શર્વરી આવી, શર્વરીના સાસારિયા પણ આવ્યા. સહુ સ્તબ્ધ તો થઈ ગયા પણ એમના રોષનોય કોઈ પાર રહ્યો નહીં. ઉમેશ જેને મારો બંગલો કહેતો હતો એ એનો શી રીતે કહેવાય એવો પ્રશ્ન સહુની જીભે હતો. અનસૂયાની જીભ તો જાણે તાળવે ચોંટી હતી. એ કશું જાણે બોલી શકતી જ નહોતી. માતાને સધિયારો આપવા શર્વરી થોડાક દિવસ પિયરમાં રહી. સ્થાનફેર કરવાથી માતાને સારું લાગશે એમ માનીને થોડા દિવસ માટે એણે માતાને બેચાર યાત્રાધામોમાં પણ ફેરવી પણ અનસૂયાનો જીવ હવે જાણે ક્યાંય ચોંટતો નહોતો. આમ ને આમ છ એક મહિના વીત્યા પછી અમેરિકાથી આવતા જતા કોઈએ ઉમેશના સમાચાર આપ્યા – સરનામુંય આપ્યું. ઉમેશ હવે અમેરિકાના કોઈ રાજ્યના મુખ્ય નગરમાં અત્યંત મસમોટી કંપનીમાં ઊંચા પગારથી જોડાયો છે, એની કામગીરી અને એનું વળતર બેય દિવસે દિવસે વધ્યે જાય છે, એ રાતદિવસ પોતાની કારકિર્દી ઘડવા માટે સખત પરિશ્રમ કરે છે અને ટૂંક સમયમાં જ એની કંપનીની જ એક એક્ઝીક્યુટીવ વિદેશી મહિલા સાથે લગ્ન પણ કરવાનો છે.

શર્વરીના પતિનો મોટોભાઈ એટલે કે શર્વરીના જેઠ ભાર્ગવે જ્યારે આ વાત જાણી ત્યારે એ ઊંડા વિચારમાં પડી ગયો હતો. ભાર્ગવનું સ્થાન અદાલતી કાર્યવાહીઓમાં ટોચનું ગણાતું હતું. વ્યવસાયે વકીલ હતો અને વરસોના અનુભવે એને વ્યાવહારિક પણ બનાવી દીધો હતો. અનસૂયાની અવદશા કરતાંય ઉમેશે એની જે અવહેલના કરી હતી એ એના વકીલ માનસને રુચતું નહોતું. ઉમેશને કાનુની કાર્યવાહી કરીને અહીં ધક્કા ખાતો કરી દેવો જોઈએ એવું એને લાગતું હતું. સંજોગો બધા સ્પષ્ટ હતા. પિતાનો બંગલો ભલે એના નામ ઉપર ચડ્યો હોય તો પણ એની ઉપર માતાનો અધિકાર હતો. આ રીતે માત્ર બે ઓરડા છોડીને આખો બંગલો બંધ કરી દેવાનું એનું પગલું અદાલતમાં પડકારવું જોઈએ, એની ઉપર આરોપનામું ઘડાવું જોઈએ, માતાના ભરણપોષણ માટે એની આવકના પ્રમાણમાં હિસ્સો મળવો જોઈએ આવા અનેક મુદ્દાઓ એણે વિચારી કાઢ્યા. આ કેસ પોતે જ લડશે એ વાત તો નિ:શંક હતી પણ અનસૂયા પુત્ર ઉપર આવો દાવો માંડવા તૈયાર થશે કે કેમ એ શંકાસ્પદ હતું. એણે શર્વરીને સમજાવી. એને વિશ્વાસમાં લીધી. શર્વરી તો ભાઈના આ કૃત્યથી પહેલેથી જ ભારે નારાજ થઈ ચૂકી હતી. માતાને આ રીતે તિરસ્કૃત કરીને પીઠ ફેરવી લેનાર ઉમેશ માટે એના ચિત્તમાં ભારોભાર ક્રોધ હતો. ઉમેશને જો કોઈક રીતે અહીં ધક્કા ખાતો કરી દેવાય એ માટે એણે તરત જ સંમતિ દર્શાવી.

અને શર્વરીની આ સંમતિ ભાર્ગવ માટે અર્ધું કામ સરળતાથી પત્યા જેવી હતી. અનસૂયાએ પુત્ર સામે કેસ માંડવાની આ વાત જ્યારે જાણી ત્યારે ક્યાંય સુધી એ ઊંડા વિચારમાં પડી ગઈ હતી. શર્વરીને હતું કે આવું પગલું ભરવા માટે માતાને સમજાવવી ભારે દુષ્કર થઈ જશે – માતા કદાચ સંમતિ નહીં જ આપે પણ એના આશ્ચર્ય વચ્ચે, અનસૂયાએ ક્યાંય સુધી વિચાર કર્યા પછી માત્ર આટલું જ કહ્યું – ‘તમને જે ઠીક લાગે તે કરો, તમે જ્યાં કહેશો ત્યાં હું માત્ર સહી કરી આપીશ.’ ભાર્ગવ અને શર્વરીને તો આ જ જોઈતું હતું. એમણે જરૂરી કાર્યવાહી ઝડપભેર આદરી. અનસૂયાની સહીઓ મેળવવામાં આવી. ટૂંક સમયમાં જ અમેરિકાવાસી પુત્ર ઉમેશ સામે માતા અનસૂયાએ કાનુની દાવો દાખલ કરી દીધો. બંગલાને ખોટી રીતે પોતાના કબજામાં રાખવાનો, પોતાને માનસિક ત્રાસ આપ્યાનો અને બદલામાં ભરણપોષણ માટે માસિક ઉચિત રકમ મેળવવાના પોતાના અધિકારનો એણે ઉપયોગ કર્યો.

પણ ધાર્યું હતું એમ ઉમેશ અદાલતમાં ઉપસ્થિત ન થયો. એણે પણ વળતી કાનુની કાર્યવાહી કરીને અહીંના જ એક સ્થાનિક વકીલને પોતાના પાવર ઑફ એટર્ની મોકલાવ્યા અને અદાલત પાસેથી પ્રત્યેક મુદતે વ્યક્તિગત રીતે હાજર રહેવાના આદેશમાંથી મુક્તિ માંગી. અદાલતે એને આ મુક્તિ આપી પણ ખરી. કેસ કંઈ બહુ લાંબો ન ચાલ્યો. ઉમેશના વકીલને પોતાનો આ અસીલ બંગલાનો માલિક છે એવું ઠરાવવામાં ઝાઝી તકલીફ નહોતી પડી. એટલું જ નહીં, અનસૂયા જ્યાં સુધી જીવંત હોય ત્યાં સુધી એને વપરાશ પૂરતી જગ્યા વાપરવાના અધિકારનોય એણે પ્રતિવાદ ન કર્યો. અનસૂયા પાસે એના ભરણપોષણ પૂરતી આર્થિક વ્યવસ્થા છે એટલું કહ્યા પછી પણ ઉમેશના વકીલે અદાલત જે કંઈ ઠરાવે એ વળતર આપવાની તૈયારી દર્શાવી. હવે ઉમેશને આ અદાલતમાં હાજર થવાની ફરજ પાડવામાં અદાલતને વિશેષ કોઈ રસ રહ્યો નહોતો. ……અને યથાસમયે ચુકાદો જાહેર થયો. બંગલામાં કાયમી વસવાટના અનસૂયાના અધિકારનો અદાલતે સ્વીકાર કર્યો. એ માટે ઉમેશને જરૂરી આદેશ આપ્યો અને વૃદ્ધ વિધવા માતાના ભરણપોષણની જવાબદારી પુત્ર તરીકે ઉમેશની હોવાથી પ્રતિ માસ એણે અમેરિકાથી રૂપિયા દસહજાર અદાલતમાં જમા કરાવવા અને અદાલત પાસેથી એ રકમ અનસૂયાને મળતી રહે એવું કરવાનું ઠરાવ્યું.

ભાર્ગવને થયું એ કેસ જીતી ગયો હતો. શર્વરીને થયું, આનાથી ઉમેશના ગાલ ઉપર ઠીક ઠીક તમાચો પડ્યો છે. બંને જણ હળવા હૈયે અને ખુશખુશાલ ચહેરે અનસૂયા પાસે આવ્યા અને અદાલતમાં મળેલા વિજયની વાત ભારે ઉત્સાહપૂર્વક કરી. અનસૂયા સાંભળી રહી. એના ચહેરા ઉપર કશોય પ્રતિભાવ પ્રગટ્યો નહીં. જાણે કોઈ ત્રાહિત વ્યક્તિની વાત થતી હોય એમ એ જોઈ રહી. ભાર્ગવ અને શર્વરીએ જ્યારે વારંવાર એને આ વિજયના આનંદમાં ભાગ લેવા નોતર્યા કરી ત્યારે નાછૂટકે એ એટલું જ બોલી, ‘પણ મેં ક્યાં આ કેસ મારા આવા કોઈ અધિકારના રક્ષણ માટે કર્યો હતો. મારો કેસ તો…’ આટલું બોલતાં એની આંખમાં ઝળઝળિયાં આવ્યા, કંઠે ડૂમો ભરાયો.
‘તો પછી તમારો કેસ શા માટે હતો, બહેન ?’ ઍડવૉકેટ ભાર્ગવે ઘર અને અદાલતની વચ્ચે ઉભા રહીને બોલતા હોય એમ પૂછ્યું.
‘મારો સવાલ તો સીધોને સટ હતો, ભાઈ !’ આંસુના ઘૂંટડાને ગળા હેઠળ ઉતારીને અનસૂયા થોડીવારે બોલી, ‘હું તો કેસના આ બહાને ઉમેશ અહીં આવશે, એનું મોઢું મને જોવા મળશે એવી આશામાં હતી પણ ઉમેશ તો આવ્યો નહીં. મારી આશા ભાંગી પડી. જો એકવાર એનું મોઢું જોવા મળ્યું હોત તો….’ આટલું કહેતાં ફરી એકવાર અનસૂયા રડી પડી.

શર્વરીએ માતાની પીઠ પર હાથ મૂક્યો. એની આંખ પણ ભીની થઈ ગઈ. ભાર્ગવે પાણીનો ગ્લાસ ધર્યો.
‘તો તારે શું કરવું હતું, બા ?’ અનસૂયાની છેલ્લી વાતનું અનુસંધાન આગળ ચલાવીને શર્વરીએ ધીમેથી પૂછ્યું.
‘તો મારે એને પૂછવું હતું દીકરી કે…..’
‘કે…?’ ભાર્ગવે પહેલી જ વાર ઉત્સુકતાથી પૂછ્યું.
‘કે બેટા, બાપ વિનાનો તું મારો એકનો એક દીકરો… તને ઉછેરવામાં મેં એવી તે શી ભૂલ કરી કે તું મને આમ તરછોડીને રાતબૂઢો જતો રહ્યો. મારો એવો તે શું ગુનો હતો ? બસ મારે તો માત્ર આ સવાલનો જવાબ જ મેળવવો હતો.’ આટલું કહેતાં જ અનસૂયા ઢગલો થઈ ગઈ.