રિદ્ધિ દે, સિદ્ધિ દે,

રિદ્ધિ દે, સિદ્ધિ દે,
અષ્ટ-નવ નિધિ દે
વંસમેં વૃદ્ધિ દે
બાંકબાની.
હૃદયમેં ગ્યાન દે,
ચિત્તમેં ધ્યાન દે,
અભય વરદાન દે,
શંભુરાની.
દુ:ખકો દૂર કર,
સુખ ભરપૂર કર,
આશ સંપૂર્ન કર,
દાસ જાની.
સજ્જન સોં હિત દે,
કુટુમ્બમેં પ્રીત દે,
જંગમેં જીત દે,
મા ભવાની

વૈષ્ણવજન તો

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.
– નરસિંહ મહેતા

મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે ..

મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે ;
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે !

આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે ;
મીરાં શબરી જનમજનમની, જનમજનમથી ભૂખી રે !

તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે ;
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે !

કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે;
ઘાયલ કી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે !

– સુરેશ દલાલ