સ્વાર્થ કેરા જાપ બંધ

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ

– ઉમ્મર ખૈયામ

મંદિર સાથે પરણી મીરાં…

મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે ;
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે !

આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે ;
મીરાં શબરી જનમજનમની, જનમજનમથી ભૂખી રે !

તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે ;
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે !

કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે;
ઘાયલ કી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે !

– સુરેશ દલાલ

હોળી રમવા આવશે શ્યામ આજ રંગમા સવારે રે

હોળી રમવા આવશે શ્યામ આજ રંગમા સવારે રે
ખાલી કોરી ગાગર માગી તેમા કેસર ઘોળશુ રે
રંગ બેરંગી કાળો આજ કરશુ તેને ગોરો રે
હોળી રમવા આવશે શ્યામ……
અડોસીપડોસી કહે બોલાવીશુ અહી ફરીયામા જ ઘોરીશુ રે
પીતામ્બર લેશુ છીનવી ચણિયાચોરિ પહેરાવીશુ રે
હોળી રમવા આવશે શ્યામ……..
લીલા વાંસની વાસળી તેની આજે તોડી મરોડીશુ રે
તાળીઓ ના તાલે નચાવીશુ આજ આપણી સાથે રે
હોળી રમવા આવશે શ્યામ………
સખીઓ ને કરશે વિનંતી અને પ્રેમથી નિહાળશે રે
હા હા કહી પડશે જ્યારે પીયા ત્યારે જ તેને છોડશુ રે
હોળી રમવા આવશે શ્યામ……

નિજાનંદે હંમેશા બાલ

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;

ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.

દુનિયાની જુઠી વાણી, વિશે જો દુ:ખ વાસે છે;

જરાયે અંતરે આનંદ,ના ઓછો થવા દેજે.

કચેરી માંહિ કાજીનો, નથી હિસાબ કોડીનો;

જગત કાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.

જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસ;

ન સારા કે નઠારાની, જરાએ સંગતે રહેજે.

રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે;

જે દુ:ખ કે આનંદ, કોઇને નહીં કહેજે.

વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને તજી દેજે;

ધડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.

રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરૂં એ સુખ માની લે;

પિયે તો શ્રી પ્રભુના, પ્રેમનો પ્યાલો ભરી પીજે.

કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે;

પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.

પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો;

ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.

અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું !

અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.

લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;

અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે

. વફાઇ તો નથી, આખી દુનિયામાં જરા દીઠી;

વફાદારી બતાવા ત્યાં, નહીં કોઇ પળે જાજે.

રહી નિર્મોહિ શાંતિથી, રહે એ સુખ મોટું છે;

જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.

પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;

પ્રભુની પ્યારી ગ્રીવામાં, પહેરાવી પ્રિતે દેજે.

કવિ રાજા થયો શી છે, પછી પીડા તને કાંઇ?

નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે

કહેજોજી રામ રામ

સૂરજદાદાને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે વ્હેલો ઊઠ્યો છું પરોઢમાં.

ફૂલડાંરાણીને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે રસ્તા વાળ્યા છે મેં એમના.

કોયલબે’નીને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે મેં તો ગોખ્યું છે ગીત તાહરું.

પીળા પતંગિયાને કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે વીણવા જવા છે રંગ સાંજના.

ચાંદામામાને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે હોડીને છોડવી પાતાળમાં.

નીંદરમાસીને કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે આવે વ્હેલીક જરા આજ તો.

-સુન્દરમ ( રંગ રંગ વાદળિયા) (Sundaram)

નાગર નંદજીના લાલ !

નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
કાના ! જડી હોય તો આલ્ય, કાના ! જડી હોય તો આલ,
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.


પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી,
તે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી
જોતી … જોતી … નાગર

એક એક મોતી માંહી સોના કેરો તાર,
સોળસેં ગોપીમાં પ્રભુ ! રાખો મારો ભાર
ભાર… ભાર … નાગર

નાનેરી પહેરું તો મારે નાકે નવ સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
ખાય… ખાય… નાગર

આંબા પર કોયલડી બોલે વનમાં બોલે મોર,
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
ચોર… ચોર… નાગર

તું છે બેટી ભ્રખુભાણની ગોકુળ ગામમાં રે’તી,
ત્રણ ટકાની નથડી માટે મુજને ચોર કહેતી
કહેતી … કહેતી … નાગર

તું છે લાલો નંદરાયનો હું આહીરની છોડી
બાઇ મીરાં કે’ ગિરધર નાગર મારી મતિ છે થોડી
થોડી … થોડી … નાગર

– મીરાં બાઇ (Meera Bai)