પનીર ટિક્કી વિથ કોર્ન રગડા ચાટ

 સામગ્રી : બાફેલા બટાકા-૨૫૦ ગ્રામ, કોર્ન ફ્લોર- ૩ ચમચી, મીઠું-ટેસ્ટ પ્રમાણે, પનીર-૫૦ ગ્રામ, લીલા મરચા વાટેલા- ૨ ચમચી, કોથમીર- ૨ ચમચી, બાફેલા મકાઈના દાણા- ૨૫૦ ગ્રામ, ટામેટાની પ્યુરી- ૧/૪ કપ, કાંદાની પ્યુરી- ૪ ચમચી, લાલ મરચું- ૧ ચમચી, હળદર- ૧/૪ ચમચી, ધાણાજીરું- ૧/૨ ચમચી, ગરમ મસાલો- ૧/૪ ચમચી

ડેકોરેશન માટે :

આંબોળિયાની ચટણી, સમારેલા કાંદા- ૨ નંગ, કોથમીર, ઝીણી સેવ

રીત :

  1. સૌ પ્રથમ બટાકાના માવામાં કોર્ન ફ્લોર અને મીઠું ઉમેરી તૈયાર કરો.
  2. એક બાઉલમાં છીણેલું પનીર, લીલા મરચાં, કોથમીર, મીઠું નાખી સ્ટફિંગ તૈયાર કરો.
  3. ત્યારબાદ બટેકાના મિશ્રણની થેપલી બનાવી સ્ટફિંગ ભરી તેની ટિક્કી બનાવો અને ગરમ તેલમાં તળી લો.
  4. હવે, એક પેનમાં ૨ ચમચી તેલ મૂકી કાંદાની પેસ્ટ સાંતળો, ત્યારબાદ ટામેટાની પેસ્ટ સાંતળો. પછી તેમાં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, બાફેલા મકાઈના દાણા નાખી મિક્સ કરો અને થોડું પાણી નાખી ખદખદવા દો.
  5. હવે ર્સિંવગ પ્લેટમાં ટિક્કી મૂકી ઉપરથી કોર્ન રગડો રેડો અને ઉપરથી કોથમીર, ઝીણી સેવ, આંબોળિયાની ચટણી અને કાંદાથી સજાવીને પીરસો.

 

ચેવડો

ચેવડો

પૌંઆ આર્યન ક્ષારનો સરસ સ્રોત છે. સામાન્ય રીતે પૌંઆ તળીને દિવાળીમાં ચેવડો બનાવાય છે. પૌંઆ પણ થોડું તેલ પીવે જ છે. આમ તળેલો ચેવટો બનાવવાના બદલે નાયલોન પૌંઆ શેકીને ચેવડો બનાવતા તેલનું પ્રમાણ ઘટી શકે છે.

સામગ્રી

નાયલોન પૌંઆ- ૧૦૦ ગ્રામ, મગફળી- ૨૦ ગ્રામ, દાળિયા- ૧૦ ગ્રામ, બદામ-૨૦ ગ્રામ, ખાંડ (દળેલી) ૧ ચમચી, મીઠું સ્વાદ મુજબ, વધાર માટે તેલ, ૩ ચમચી હળદર, લાલ અથવા લીલું મરચું.

રીત

પૌંઆને જાડા વાસણમાં કોરા શેકવા. વાસણમાં તેલ મૂકી દાળિયા તથા મગફળી લાલ શેકવા. લીલા મરચા તથા હિંગ નાખવી. બદામના ટુકડા, હળદર તથા પૌંઆ નાંખવા, મીઠું નાંખવું. નીચે ઉતારી ઠંડુ પડતા ખાંડ નાંખવી. ૧૦૦ ગ્રામ પૌંઆમાંથી ૩૪૬ કેલરી, ૭૭.૩ ગ્રામ કાર્બોહાઇડ્રેટ, ૬.૬.ગ્રામ પ્રોટીન તથા ૨૦ ગ્રામ આર્યન મળે છે. માત્ર ૧૦૦ ગ્રામ પૌંઆ આપણી રોજિંદી જરૂરિયાતનું પોણા ભાગનું આર્યન આપી શકે છે.

 

સીંગ ભુજિયા

સીંગ ભુજિયા

સામગ્રી :

સીંગદાણા – ૧ કપ, ચણાનો લોટ – અડધો કપ, લાલ મરચું – ૧ ટી સ્પૂન, જીરું – ૧ ટી સ્પૂન, મીઠું – જરૂર મુજબ, તેલ – તળવા માટે, ફટકડી – ચપટી, ખાવાનો સોડા -જરૂર મુજબ

રીત:

પાણીમાં ફટકડી નાખી તેમાં સીંગદાણાને ચાર-પાંચ કલાક પલાળવા. જીરાને સાધારણ શેકી અધકચરો પાઉડર કરવો. ચણાના લોટમાં જીરાનો પાઉડર, હિંગ, લાલ મરચું, મીઠું, ચપટી સોડા નાખી બધું મિકસ કરવું. તેમાં પાણી જરાય નાખવું નહીં. પાણીમાંથી સીંગદાણા કાઢી લેવા અને સીધા જ ચણાના લોટમાં નાખવા. આંગળીથી રગદોળી લેવા, જરૂર લાગે તો જરા પાણી છાંટવું. સીંગ પર લોટ બરાબર ચોંટી જાય એટલે ગરમ તેલમાં આ સીંગદાણા તળવા કડક થાય એટલે ઝારાથી કાઢી લેવા.

સૂકા નાસ્તાની ચટપટી ચાટ

સૂકા નાસ્તાની ચટપટી ચાટ

સામગ્રીઃ

2 નંગ બાફેલા બટેટા, અડધો કપ મિક્સ નાસ્તો(ખાખરા, મઠિયા, ચોળાફળીનો ભૂકો), 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ફુદીના પાવડર, મીઠું સ્વાદાનુસાર, 2 ચમચી ચણાનો લોટ, શેકવા માટે થોડુ તેલ, 3 નંગ ફરસી પુરી, 2 નંગ સૂકી કચોરી, 1 કપ ઘટ્ટ દહીં, લસણની ચટણી જરૂર પ્રમાણે, ખજૂર આંબલીની ચટણી જરૂર પ્રમાણે, ઝીણી સેવ અથવા રતલામી સેવ જરૂર મુજબ, કોથમીર જરૂર પ્રમાણે.

રીતઃ

એક બાઉલમાં બાફેલા બટેટાનો માવો લો, તેમાં ખાખરા, મઠિયા અને ચોળાફળીનો ભૂકો ઉમેરો. ત્યારબાદ તેમાં ચાટ મસાલો, ગરમ મસાલો, ફુદીના પાવડર, મીઠું અને ચણાનો લોટ ઉમેરી બધું જ બરાબર મિક્સ કરો. આ મિશ્રણમાંથી નાની નાની ટીક્કી બનાવી, એક નોનસ્ટીક પેનમાં થોડું તેલ મૂકી ટીક્કીને કડક શેકી લો. બંને બાજુ ગુલાબી થાય એટલે એક પ્લેટમાં કાઢી લો. હવે બીજી પ્લેટમાં ફરસી પુરી ગોઠવો. તેના પર તૈયાર કરેલી ટીક્કી મૂકો. ઉપર સૂકી કચોરીનો ભૂકો ઉમેરો. હવે તેના પર ઘટ્ટ દહીં પાથરી, ઉપર લસણની ચટણી અને ગળી ચટણી ઉમેરી, ઝીણી સેવ અને ઝીણી સમારેલી કોથમીરથી સજાવો. આ રીતે દીવાળીમાં વધી પડેલા સૂકા નાસ્તાનો ઉપયોગ કરી ચટાકેદાર વાનગી બનાવો.

 

લીલા ચણાની ચાટ

લીલા ચણાની ચાટ

સામગ્રી :

સૂકા લીલા ચણા – દોઢ કપ, સમારેલી ડુંગળી – ૨ નંગ, સમારેલાં ટામેટાં – ૨ નંગ, સમારેલાં લીલાં મરચાં – ૨-૩ નંગ, સમારેલી કોથમીર – ૨ ચમચા, શેકેલા જીરાનો પાઉડર – ૧ ચમચી, ચાટ મસાલો – ૧ ચમચી, મરચું – અડધી ચમચી, લીંબુનો રસ – ૨ ચમચા, સિંધાલૂણ – સ્વાદ મુજબ

રીત :

લીલા ચણાને આખી રાત પલાળી રાખો. સવારે તેને ત્રણ કપ પાણી રેડી પ્રેશરકૂકરની સાત-આઠ સીટી વાગે ત્યાં સુધી બફાવા દો. ત્યાર બાદ તેને કડાઈમાં કાઢી બધું પાણી શોષાઈ જાય ત્યાં સુધી ખદખદવા દો. એક બાઉલમાં ગરમ ગરમ ચણા ભરો. તેમાં ડુંગળી, ટામેટાં, લીલાં મરચાં, કોથમીર, સિંધાલૂણ, શેકેલા જીરાનો પાઉડર, ચાટ મસાલો, મરચું અને લીંબુનો રસ ભેળવો. તરત જ લીલા ચણાની ચાટનો સ્વાદ માણો.

 

દહીં નાળીયેરની ચટણી

દહીં નાળીયેરની ચટણી

સામગ્રીઃ

1 કપ તાજું દહીં, અડધો કપ તાજા નાળીયેરનું છીણ, થોડા લીમડાના પાન, થોડા મેથીના દાણા, 2 નંગ સૂકા લાલ મરચાં, 1 ચમચી ખાંડ, 1 ચમચી તેલ, મીઠું સ્વાદાનુસાર.

રીતઃ

નાળીયેરનું છીણ અને દહીંને બરાબર મિક્સ કરો. તેમાં મીઠું અને ખાંડ ઉમેરી દો. ત્યારબાદ એક વાસણમાં થોડું તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચાં ઉમેરી, લીમડાના પાન અને મેથી દાણા ઉમેરો. હવે તેમાં દહીં અને નાળીયેરનું મિશ્રણ ઉમેરી ગેસ તરત જ બંધ કરી દો. આ ચટણી તાજી જ સર્વ કરો.