પર્પલ ડિલાઇટ ઇન પનીર કપ્સ વીથ પિસ્તા સોસ

પર્પલ ડિલાઇટ ઇન પનીર કપ્સ વીથ પિસ્તા સોસ

સામગ્રી :- પર્પલ ડિલાઇટ માટે :- ૩૦૦ – ગ્રામ રતાળુ, ૧/૨ કપ મિલ્ક મેઇડ, ૨ ટે. સ્પૂન સૂકા નારિયેળનું ખમણ, ૩ ટે. સ્પૂન કાજુ- બદામ- અખરોટના નાના કટકા, ૧૦૦ – ગ્રામ ખાંડ, ૨-૩ ટીપાં વેનીલા એસેન્સ, ૨ ટે. સ્પૂન ઘી.

પનીર કપ્સ માટે :- ૧ લિટર અમુલ  ગોલ્ડ મિલ્ક, ૧૫૦ – ગ્રામ ખાંડ, ૨ ટે.સ્પૂન મિલ્ક પાઉડર, ૨ ટે.સ્પૂન કાજુનો પાઉડર ,૧ ચમચી લીંબુનો રસ.

પિસ્તા સોસ માટે :- ૧/૪ કપ દૂધ, ૧ ટી સ્પૂન કોર્ન ફલોર, ૨ ટે. સ્પૂન બ્લાન્ચ કરેલા પિસ્તાનો ભૂકો,  ખાંડ, પિસ્તા એસેન્સ, ૧ ટીપું ગ્રીન ફૂડ કલર, ૧ ટે. સ્પૂન ફ્રેશ ક્રીમ.

રીત :- પર્પલ ડિલાઇટની :- રતાળુને છોલીને કટકા કરી કુકરના ખાનામાં કોરા જ બાફી લો. તેને સ્મેશ કરી માવો બનાવો. નારિયેળના ખમણ અને ડ્રાયફ્રૂટસના કટકાને સહેજ ઘીમાં સાંતળી લો. એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ મૂકી રતાળુનો માવો સાંતળો. થોડીવાર પછી તેમાં ખાંડ ઉમેરી હલાવો. ખાંડનું પાણી બળે એટલે તેમાં મિલ્ક મેઇડ, નારિયેળનું ખમણ, ડ્રાયફ્રૂટસના કટકા ઉમેરી હલાવો. સતત હલાવતા રહો. નહીતર રતાળુના સ્ટાર્ચને કારણે ચોંટવાનો ભય રહેશે. મિશ્રણ લચકા પડતું થાય એટલે ગેસ બંધ કરી તેમાં વેનીલા એસેન્સ ઉમેરી ઠંડુ થવા દો.

પનીરના કપ્સની :- એક નોનસ્ટિક કડાઇમાં દૂધ ઉકળવા મૂકો. તેમાં લીંબુનો રસ ઉમેરી સતત હલાવો. દૂધમાંથી પાણી અને પનીર છૂટા પડે એટલે પાણી કાઢી લઇ પનીરમાં ખાંડ ઉમેરી આકરા તાપે હલાવો. થોડીવાર પછી તેમાં મિલ્ક પાઉડર, કાજુ પાઉડર ઉમેરો. મિશ્રણ ઘટ્ટ, ગોળા વળે તેવું થાય એટલે ગેસ બંધ કરી તેને ઠરવા દો. તેમાંથી નાના ગોળા વાળી એક બાસ્કેટ મોલ્ડ લઇ તેમાં બટરપેપર ગોઠવી તેના પર ગોળો મૂકી બીમ મોલ્ડથી દબાવો. આ રીતે બાસ્કેટ શેપ આપો. આ પ્રમાણે બધા જ મિશ્રણમાંથી પનીર કપ્સ બનાવી ફ્રીજમાં ઠંડા થવા મૂકો.

પિસ્તા સોસની :- દૂધમાં કોર્ન ફલોર ઓગાળી ગરમ કરવા મૂકો. તેમાં ખાંડ, બ્લાન્ચ કરેલા પિસ્તાનો ભૂકો ઉમેરી હલાવો. ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દો. પછી તેમાં ફ્રેશ ક્રીમ, એસેન્સ, ટીપંુ ફૂડ કલર ઉમેરી ખૂબ હલાવી ફ્રીજમાં મૂકી ઠંડુ થવા દો.

-તૈયાર કરેલા પનીર કપ્સમાં પર્પલ ડિલાઇટ ભરી પિસ્તા સોસથી ર્ગાિનશ કરો. પિસ્તાનો ભૂકો સ્પ્રીંકલ કરો.

– વ્હાઇટ, પર્પલ, ગ્રીન કલરનું આ ડેઝર્ટ ખૂબ જ આકર્ષક તથા પનીરની કારણે ન્યુટ્રીશિયસ બને છે.

 

પનીર રોલ

 

સામગ્રી :

parneer-roll.jpgપનીર- ૨૦૦ ગ્રામ, પાલક- ૧૦૦ ગ્રામ , ચીઝ- ૧૦૦ ગ્રામ, મીઠું- સ્વાદ મુજબ, મરચું- ૧ ચમચી,હળદર- અડધી ચમચી, જીરું- અડધી ચમચી

રીત:

ચીઝ તથા પનીરને છીણી લો. પાલકને બાફી, તેનું બધું પાણી નિતારી લઇ તેમાં ચીઝ તથા પનીરનું છીણ ભેળવો. બધો મસાલો ભેળવી કોરું મિશ્રણ તૈયાર થાય એટલે તેના રોલ વાળો. ઓવનમાં ગ્રિલ પર પાંચ મિનિટ માટે બેક કરો. આ રોલ મનપસંદ સોસ કે ચટણી સાથે ખાવ.

ચીઝ એકલેર્સ

સામગ્રી

લોટ – દોઢ કપ, માખણ – ૨ કપ, પાણી – પા કપ, મીઠું – ચપટી, સ્ટફિંગ માટે: ચીઝ – ૧ કપ, મરચું – પા ચમચી, અજીનો મોટો – ચપટી

રીત

cheese-eclairs.jpgસોસપેનમાં પાણી, માખણ અને મીઠું ધીમી આંચે રાખી ઉકળવા દો. તેમાં એકસાથે બધો લોટ નાખી ખૂબ ઝડપથી ગાંઠા ન બાઝે એ રીતે પેનની કિનારીએ ચોંટે નહી ત્યાં સુધી હલાવતાં રહો. ત્યાર બાદ તેને આંચ પરથી ઉતારી અને ઠંડું થવા દો. આ મિશ્રણ લટકા પડતું હોવું જોઇએ. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો.

બેકિંગ ટ્રેને ગ્રીઝ કરી તેમાં ત્રણ-ચાર ઇંચના અંતરે એક-એક ચમચો આ મિશ્રણ પાથરો. ત્યાર બાદ પહેલા ૨૦૦ ડીગ્રી સેન્ટિગ્રેડ તાપમાને ગરમ ઓવનમાં વીસ મિનિટ સુધી અને પછી ૧૮૦ ડીગ્રી સેન્ટિગ્રેડ પર પંદર મિનિટ બેક થવા દો.

ચીઝમાં થોડું દૂધ, મરચું અને અજીનો મોટો ભેળવી તેને ધીમી આંચે ઓગળવા દો. પછી તૈયાર એકલેર્સમાં ભરી સર્વ કરો

ચીઝ અને કોથમીરના પરોઠા

ચીઝ અને કોથમીરના પરોઠા

સામગ્રી

cheese kothmir parathaચીઝનું છીણ- ૧ કપ,સમારેલી કોથમીર – અડધો કપ, ઘઉનો લોટ – પોણા બે કપ અને અટામણ માટે: મીઠું – સ્વાદ મુજબ,દૂધ – જરૂર પ્રમાણે, આદુંની પેસ્ટ – નાનો ટુકડો,સમારેલાં લીલાં મરચાં – ૨ નંગ, ચાટમસાલો – ૨ ચમચી,તેલ – જરૂર મુજબ

રીત

એક બાઉલમાં લોટ અને મીઠું લઇ, તેમાં સમારેલી કોથમીર ભેળવો. હવે જરૂર પૂરતું દૂધ રેડતાં જઇ નરમ કણક બાંધો. આ કણકને વીસ-પચ્ચીસ મિનિટ માટે ભીના કપડાંથી ઢાંકીને રહેવા દો.

તે પછી કણકમાંથી આઠ લુઆ બનાવો. ચીઝના છીણમાં આદુંની પેસ્ટ, સમારેલાં લીલાં મરચાં, ચાટમસાલો ભેળવી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણના પણ આઠ ભાગ કરો.

હવે દરેક લૂઆની રોટલી વણી તેની વચ્ચે ચીઝનું મિશ્રણ મૂકી ચારે બાજુથી ફોલ્ડ કરી ચોરસ પરોઠા વણો.

લોઢી ગરમ કરી તેના પર દરેક પરોઠાને બંને બાજુએ તેલ મૂકી આછા બ્રાઉન રંગના શેકો. તેના ચોરસાકાર ટુકડા કરી ગરમ ગરમ જ સર્વ કરો.

ચેરી કલાકંદ

ચેરી કલાકંદ

સામગ્રી :

મિલ્કમેડ – અડધો કપ, પનીર – ૨૫૦ ગ્રામ, સમારેલી ચેરી – પા કપ, એલચીનો પાઉડર – ૧ ચમચી, કેવડાનું એસેન્સ – ૩-૪ ટીપાં, લાલ રંગ (ખાવાનો) – ૨ ટીપાં, ચાંદીનો વરખ – સજાવટ માટે

રીત:

પનીરને ખૂબ મસળી લો. એક પેનમાં મિલ્કમેડ રેડી, તેમાં સમારેલી ચેરી અને પનીર ઉમેરી ધીમા તાપે ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતાં રહો. પછી તેને નીચે ઉતારી લઇ ખાવાનો લાલ રંગ, કેવડાનું એસેન્સ અને એલચીનો પાઉડર ભેળવી હલાવો. આ મિશ્રણને ઘીવાળી થાળીમાં કાઢી થોડી વાર ફ્રિઝમાં ઠંડું થવા દો. પછી બહાર કાઢી ચાંદીના વરખથી સજાવી મનપસંદ આકારના પીસ કરી સર્વ કરો.

 

પનીર ટામેટા

પનીર ટામેટા


paneer-tomatoસામગ્રી

ટામેટા- ૨ નંગ(મોટા)
પનીર- ૧૦૦ ગ્રામ
લીલા મરચા-૨-૩ નંગ
લીંબુ-૧
રિફાઇન્ડ તેલ- એક મોટો ચમચો
મીઠું- સ્વાદ મુજબ
ગરમ મસાલો- જરૂર મુજબ

રીત

ટામેટાની સ્લાઇસ કરો. પેનમાં તેલ મૂકી પનીરના ટૂકડાં તળો. ઠંડા થાય એટલે એમાં ગરમ મસાલો નાખી લીંબુનો રસ ભેળવો.

ટામેટાની સ્લાઇસ પર જરાક મીઠું ભભરાવી, તૈયાર પનીર ચાટ મૂકી સર્વ કરો. તેની ઉપર લીલી ચટણી પણ નાંખી શકાય.

આલુ પનીર પોપ્સ

આલુ પનીર પોપ્સ

સામગ્રી :

બટાકા (બાફીને છૂંદેલા) – ૨ નંગ, પનીરનું છીણ – ૨૦૦ ગ્રામ, કિસમિસ – ૧ ચમચો, ડુંગળીની છીણ – ૧ નંગ, મરચું – અડધી ચમચી, સમારેલાં લીલાં મરચાં – ૩-૪ નંગ, સમારેલી કોથમીર – ૪ ચમચા, ગરમ મસાલો – ૧ ચમચી, મેંદો – ૪ ચમચા, મરીનો પાઉડર – પા ચમચી, કોર્નફલેકસનો ભૂકો – ૧ કપ, તેલ – તળવા માટે, મીઠું – સ્વાદ મુજબ

રીત :

કિસમિસને ઉપયોગમાં લેતાં પહેલાં થોડી વાર ગરમ પાણીમાં બોળી રાખી પછી નિતારી લો. ફ્રાઈંગ પેનમાં એક ચમચો તેલ ગરમ કરી તેમાં ડુંગળીને બદામી રંગની સાંતળીને નીચે ઉતારી લો. પનીરનું છીણ, બટાકાનો છૂંદો, મરચું, સાંતળેલી ડુંગળી, સમારેલાં લીલાં મરચાં, કોથમીર, ગરમ મસાલો, મીઠું અને કિસમિસ મિકસ કરો. તેમાંથી એક ઈંચ જાડા અને બે ઈંચ લાંબા મૂઠિયાં તૈયાર કરો. મેંદામાં મીઠું, મરીનો પાઉડર અને પાણી ઉમેરી પાતળું ખીરું તૈયાર કરો. અગાઉ તૈયાર કરેલાં મૂઠિયાંને આ ખીરામાં બોળી, કોર્નફલેકસના ભૂકામાં રગદોળો. પછી તેને ફ્રિજમાં કલાકથી વધુ સમય રહેવા દો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી અને તેમાં તેને આછા બ્રાઉન રંગના તળી લો. લીલી ચટણી સાથે સર્વ કરો.

નોંધ : મિશ્રણ છૂટું ન પડી જાય અને તેલ પૂરતું ગરમ છે એ ચકાસવા માટે પહેલા એક પીસ તળી જુઓ.

 

મકાઇ પનીરના સમોસા

મકાઇ પનીરના સમોસા

સામગ્રી

પનીર – ૨૫૦ ગ્રામ, મકાઇના બાફેલા દાણા (અમેરિકન) – ૨૦૦ ગ્રામ, લીલાં મરચાં – ૨૫ ગ્રામ, બારીક સમારેલી કોથમીર – ૧૦૦ ગ્રામ, ગરમ મસાલો – ૧ ચમચી, મેંદો – ૨૫૦ ગ્રામ, મીઠું – પ્રમાણસર

રીત

સૌ પ્રથમ પનીર છીણો. બાફેલી મકાઇમાં પનીરનું છીણ મિકસ કરો. તેમાં ગરમ મસાલો, મીઠું, વાટેલાં લીલાં મરચાં અને બારીક સમારેલી કોથમીર નાખો. પછી બરાબર મિકસ કરો. મેંદામાં મીઠું તથા ૧ ચમચો તેલ નાખી પૂરી જેવો લોટ બાંધો. પટ્ટી સમોસાની જેમ બધી રોટલીઓ તૈયાર કરી, પટ્ટી કાપી, સમોસા ભરો. આમાંથી સાદા સમોસા પણ વાળી શકાય. સમોસા ગરમ તેલમાં તળી, લીલી ચટણી અને કેચઅપ સાથે પીરસો.

 

પનીર મેવા

પનીર મેવા

સામગ્રી

paneer mavaપનીર – ૨૫૦ ગ્રામ,દળેલી ખાંડ – ૫૦ ગ્રામ, કાજુ – બે ચમચી (કતરણ),બદામ – બે ચમચી (કતરણ),પિસ્તા – બે ચમચી (કતરણ),કિસમિસ – બે ચમચી,મિલ્ક પાઉડર – ૪ મોટી ચમચી

રીત

પનીર, દળેલી ખાંડ અને મિલ્ક પાઉડરને સારી રીતે મિકસ કરો.

આ મિશ્રણને ગોળાકાર દીવા જેવો આકાર આપો જેને કેનોપી કહે છે.

કાજુ, બદામ, પિસ્તા અને કિસમિસમાં ચાર ચમચી દળેલી ખાંડ ભેળવી થોડું ગરમ કરી ઠંડુ કરો.

આ મિશ્રણને કેનોપીમાં ભરો. ઉપર પિસ્તાની કતરણ ભભરાવી સર્વ કરી શકો.