ચોખાની કટલેસ

સામગ્રી

ચોખા – ૧ કપ, બટાકા – ૧ કપ (બાફીને ક્રશ કરેલા), પનીર – ૧ કપ (ક્રશ કરેલ), સેવ- ૨ મોટા ચમચા(તૈયાર), મગફળી – ૩ ચમચા (અધકચરી વાટેલી), કોથમીર – ૧ ચમચી (બારીક સમારેલી), કાજુના ટુકડા – ૨ ચમચા, મીઠું અને લાલ મરચું – સ્વાદ મુજબ, તેલ – તળવા માટે

રીત

cut-less.jpgચોખાને સાફ કરી ૨૦ મિનિટ સુધી અઢી કપ પાણીમાં પલાળો. એમાં ચમચી મીઠું અને એક નાની ચમચી તેલ નાખી ભાત બનાવો. ભાત ઠંડો થાય એટલે હાથ વડે મસળી લો. એમાં બટાકા, મીઠું અને મરચું ભેળવો. સેવનો ભૂકો કરી લો. પનીરમાં સેવ, મગફળી, કાજુના ટુકડા, કોથમીર અને લીલા મરચાં મિકસ કરો.

હાથ પર તેલ લગાવી થોડું ભાતનું મિશ્રણ લો. તેને હથેળીમાં ફેલાવી વચમાં પનીરવાળું મિશ્રણ મૂકી બંધ કરી તેને કટલેસનો અથવા તમને મનગમતો આકાર આપો. જયારે બધી કટલેસ તૈયાર થઇ જાય ત્યારે તેલમાં બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો. ગરમ ગરમ કટલેસને ટામેટાના સોસ કે કોથમીરની ચટણી સાથે સર્વ કરો.

સ્પાઇસી કેરોટ

સામગ્રી

ગાજર – ૮-૧૦ નંગ, ઓલિવ ઓઇલ – ૧ ચમચો, લસણની પેસ્ટ – નાની ચમચી, મરીનો પાઉડર – પોણી ચમચી, એલચીનો પાઉડર – અડધી ચમચી, તજનો પાઉડર – ચપટી, લીંબુનો રસ – ૩ ચમચા, સમારેલી કોથમીર – ૧ ચમચો, મીઠું – સ્વાદ મુજબ

રીત

carrot.jpgગાજરની લાંબી ચીરીઓ કરી તેને પાંચ-સાત મિનિટ એટલે કે સહેજ પોચા પડે ત્યાં સુધી બાફો. એક પેનમાં ઓલિવ ઓઇલ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ, મરીનો પાઉડર, એલચીનો પાઉડર, તજનો પાઉડર નાખી સુગંધ આવે ત્યાં સુધી સાંતળો. તેમાં ગાજર, લીંબુનો રસ, મીઠું અને સમારેલી કોથમીર મિકસ કરો. ગાજર પર બધો મસાલો એકસરખો ચોંટી જાય એટલે તેને નીચે ઉતારી લો અને સ્પાઇસી કેરોટનો ટેસ્ટ માણો.

સેવ સ્ટફડ પરોઠા

સામગ્રી

ઘઉનો લોટ – ૨ કપ, પાતળી સેવ – અડધો કપ, જાડી સેવ – અડધો કપ, તેલ – ૧ ચમચો, સાંતળવા માટે, સમારેલી ડુંગળી – ૨ નંગ, સમારેલા લીલાં મરચાં – ૨-૩ નંગ, સમારેલી કોથમીર – ૧ ચમચો, સમારેલો ફુદીનો – ૧ ચમચી, લાલ મરચું – અડધી ચમચી, મીઠું – સ્વાદ મુજબ

રીત

paratha.jpgએક બાઉલમાં ઘઉનો લોટ લઇ તેમાં તેલ અને મીઠું ભેળવી પૂરતું પાણી લઇ નરમ કણક બાંધો. તેને ભીના કપડાંથી ઢાંકીને પંદર મિનિટ રહેવા દો. સમારેલી ડુંગળી, મરચાં, કોથમીર અને ફુદીનાને એક બાઉલમાં લઇ તેમાં મીઠું અને મરચું ભેળવો. આમાં જાડી અને પાતળી સેવ મિકસ કરો.

હવે કણકમાંથી લૂઆ લઇ તેની નાની નાની પૂરીઓ વણો. પૂરીની વચમાં સેવનું મિશ્રણ મૂકી તેનો ગોળો વાળો. ત્યાર બાદ તેના પરોઠા વણો. લોઢી ગરમ કરી તેના પર પરોઠાને એક તરફ શેકી બીજી બાજુ ફેરવી સહેજ તેલ મૂકી સાંતળો. એ સાઇડ બ્રાઉન થઇ જાય એટલે ફરી બીજી તરફ ફેરવી દો અને તેલ મૂકીને સાંતળો. ગરમ ગરમ સર્વ કરો.

મિક્સ વેજિટેબલ ઢોકળા

સામગ્રી

dokla.jpgચોખા – ૧૫૦ ગ્રામ, લસણ – ૧૦ ગ્રામ, અડદની દાળ – ૫૦ ગ્રામ, તેલ – ૧ ચમચી, મરચું – ૧ ચમચી, લીંબુનો રસ – ૧ ચમચી, દહીં – ૫૦ ગ્રામ, ફ્રૂટ સોલ્ટ – ૧૦ ગ્રામ, મીઠું – સ્વાદ મુજબ

રીત

ચોખા અને અડદની દાળને ભેગાં કરી આખી રાત પલાળી રાખો. પછી બધું પાણી નિતારી લો. તેમાં દહીં નાખી ગ્રાઇન્ડ કરી ઢોકળા માટેનું ખીરું તૈયાર કરો. બે કલાક સુધી રાખી મૂકો. લસણમાં મરચું અને લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી બાજુ પર રહેવા દો. હવે ખીરામાં ફ્રૂટ સોલ્ટ અને તેલ નાખી ખૂબ હલાવીને મિકસ કરો.

અડધા ભાગના ખીરાને ઢોકળાના વાસણમાં પાણી ગરમ કરી વરાળથી દસ મિનિટ બાફી લો. આ બફાયેલા ખીરા પર લસણની પેસ્ટનો એકસરખો થર પાથરો. તેના પર બાકીનું ખીરું પાથરી ફરી દસ મિનિટ સુધી બફાવા દો. પછી તેને બહાર કાઢી ચોરસ ટુકડા કરો. લસણવાળા ટેસ્ટી ઢોકળા તૈયાર છે.

પનીર અને મગની દાળના સમોસા

સામગ્રી

પડ માટે: મેંદો – દોઢ કપ, અટામણ માટે, અજમો – અડધી ચમચી, મીઠું – સ્વાદ મુજબ, ઘી – ૬ ચમચા, તેલ – તળવા માટે સ્ટફિંગ માટે: પનીરનું છીણ – ૪૦૦ ગ્રામ, મગની મોગર દાળ (બાફીને છૂંદો કરેલી) – અડધો કપ, સમારેલાં લીલાં મરચાં – ૩-૪ નંગ, સમારેલું આદું – નાનો ટુકડો, અજમો -પા ચમચી, મરચું – દોઢ ચમચી, જીરું – ૧ ચમચી, ચાટ મસાલો – ૨ ચમચી, કિશમિશ – ૨ ચમચા, મીઠું – સ્વાદ મુજબ

રીત

samosa.jpgએક બાઉલમાં મેંદા અને મીઠાને ચાળી લો. તેમાં ગરમ ઘી અને અજમો ભેળવી જરૂર પૂરતું પાણી રેડતા જઇ કઠણ કણક બાંધો અને ભીનું કપડું ઢાંકી પંદર મિનિટ સુધી રહેવા દો. હવે સ્ટફિંગ માટે બાઉલમાં મગની દાળ લઇ તેમાં પનીરનું છીણ, મરચાં, આદું, અજમો, જીરું, કિશમિશ, લાલ મરચું, ચાટ મસાલો ભેળવો.

હવે લોટમાંથી લૂઆ લઇ તેની લંબગોળ પૂરી વણો અને તેના બે ભાગ કરો. આડધા ભાગને હથેળી પર મૂકી તેની કિનારીને ભીની કરી કોન બનાવો. તેમાં સ્ટફિંગ ભરો અને ખુલ્લી કિનારીઓને બંધ કરી દો. આ રીતે બધા સમોસા તૈયાર કરો. કડાઇમાં તેલ ગરમ કરી તેમાં સમોસાને બ્રાઉન રંગના તળી લો. નિતારીને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. તમને ભાવતી ચટણી સાથે ગરમાગરમ સમોસાનો સ્વાદ માણો.

વેજિટેબલ ઇન ગ્રીન મસાલા

 

                                                                       સામગ્રીvegetable.jpg –     રાઇ – ૧ ચમચી, જીરું – ૧ ચમચી, કોપરાનું છીણ – ૧ ચમચો, લીલા મરચાં – ૨-૩ નંગ, કોથમીર – ૧ ઝૂડી, લસણ – ૫-૬ નંગ, સમારેલા ટામેટા – ૨ નંગ, સિંધાલૂણ – સ્વાદ મુજબ, મિકસ શાક (ગાજર, ફણસી, વટાણા, ફલાવર) – ૫૦ ગ્રામ (દરેક)

રીત

બધા શાકને ધોઇ, સમારીને એક તરફ રહેવા દો. હવે ટામેટા સિવાયનો બધો મસાલો મિકસ કરી તેની બારીક પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં સમારેલા ટામેટા ભેળવો. બધા શાક નાખી સારી રીતે મિકસ કરી સર્વ કરો.

પાલકની ન્યૂટ્રીશ્યિન દાળ

સામગ્રી :

પાલક – ૧ ગડી, ડુંગળી – ૧ મોટી, લસણ, આદુંની પેસ્ટ – બે ટીસ્પૂન, ટામેટાં – બે મિડિયમ, દૂધ – એક નાની વાટકી, વટાણા – ૧૦૦ ગ્રામ, બટાકાં – બે નંગ, રીંગણ – ૧ નંગ, મગની દાળ – ૭૦ ગ્રામ, ખાંડ – એક ચમચી, મીઠું – સ્વાદ મુજબ, તેલ – એક ટેબલસ્પૂન, મરચું, ધાણાજીરું, હળદર – જરૂર મુજબ

રીત:

palak-dal.jpgપાલકને સાફ કરી તેને બોઇલ્ડ કરવું. બોઇલ્ડ કરતી વખતે એક ચમચી ખાંડ અને એક નાની વાટકી દૂધ નાખવું. કડાઇમાં એક ટેબલસ્પૂન તેલ, જીરુ અને આદુલસણની પેસ્ટ નાખવી. ઝીણી સમારી ડુંગળી સાંતળો. ત્યાર બાદ એમાં ટામેટું છીણી નાખો. હળદર, જરૂર મુજબ મરચુ, મીઠું અને ધાણાજીરું નાખવું. ઉકાળેલી પાલક મિકસરમાં ક્રશ કરી તૈયાર કરેલી ગ્રેવીમાં નાખી દો. બીજી બાજુ મગની દાળને રાઇ, હીંગ, હળદર અને મીઠું નાખી ચઢવા દેવી. દાળ ચઢી જાય પછી તેમાં તૈયાર કરેલી ગ્રેવીમાં મિકસ કરી દેવી. તેમાં બાફેલા વટાણાં, રીંગણ, બટાકા બધું ઉમેરી દેવું. ન્યૂટ્રીશ્યિન દાળ તૈયાર થઇ જશે.

બ્રેડની સ્લાઇસના પૂડલા

બ્રેડની સ્લાઇસના પૂડલા

સામગ્રી

બ્રેડની સ્લાઇસ – ૫ નંગ, મગની મોગર દાળ – અડધો કપ, ચોખા – ૧ ચમચો, ચણાનો લોટ – ૧ ચમચો, લીલાં મરચાં – ૨ નંગ, આદું – નાનો ટુકડો, હળદર – ચપટી, તેલ – જરૂર મુજબ, મીઠું – સ્વાદ મુજબ, સમારેલી કોથમીર – ૧ ચમચો

રીત મગની મોગર દાળ અને ચોખાને ચાર કલાક સુધી પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ પાણી નિતારી લઇ લીલાં મરચાં, આદું અને મીઠું નાખી મિકસરમાં એકરસ કરી લો. તેમાં ચણાનો લોટ પણ ભેળવો. બ્રેડની સ્લાઇસની કિનારીઓને ચપ્પુથી કાપી લો. ત્યાર બાદ નોનસ્ટિક લોઢીને મઘ્યમ આંચે ગરમ થવા મૂકો. તેના પર સહેજ તેલ મૂકો. ચોખા અને મગની દાળના મિશ્રણમાં સમારેલી કોથમીર ભેળવો. હવે બ્રેડની સ્લાઇસને આ મિશ્રણમાં બોળી નોનસ્ટિક લોઢી પર બંને બાજુએથી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. પછી તેને ત્રિકોણાકાર કાપી ચટણી કે સોસ સાથે પીરસો.

 

બટાકા-કોપરાની કચોરી

બટાકા-કોપરાની કચોરી

સામગ્રી :

બટાકા – ૫૦૦ ગ્રામ, નારિયેળ – ૧ નંગ, કોથમીર – ૧ ઝૂડી, લીલાં મરચાં – ૬-૭ નંગ, ખાંડ, મીઠું અને સિંધાલૂણ – સ્વાદ મુજબ, આરારુટ અને રાજગરાનો લોટ – ૨-૨ ચમચા

રીત:

નારિયેળને બારીક છીણીને તેમાં સમારેલી કોથમીર, મરચાં, લીંબુનો રસ, મીઠું, ખાંડ અને સિંધાલૂણ ભેળવી મિશ્રણ તૈયાર કરો. બાફેલા બટાકા છોલીને તેનો માવો તૈયાર કરો. તેમાં સિંધાલૂણ, મીઠું અને બંને લોટ મિકસ કરો. બટાકાના મિશ્રણમાંથી પ્રમાણસર ગોળો લઇ તેને હથેળી પર થેપીને વરચે નારિયેળનું મિશ્રણ મૂકી નાના ગોળા વાળો. દરેક ગોળાને આરારુટમાં રગદોળી ગરમ તેલમાં આછા બદામી રંગના તળી લો. ખજૂર-આમલીની ચટણી સાથે સર્વ કરો.

ઓપન સેન્ડવિચ

ઓપન સેન્ડવિચ

સામગ્રી :

બ્રાઉન બ્રેડ – ૩ સ્લાઇસ, પનીર સ્પ્રેડ માટે : પનીર – ૧૦૦ ગ્રામ, દહીં – ૨ ચમચા, લીલાં મરચાં – ૨ નંગ, મીઠું – સ્વાદ મુજબ

રીત:

સ્પ્રેડ માટેની બધી સામગ્રીને હાથથી મસળીને મિકસ કરો. તેના ત્રણ એકસરખા ભાગ કરો. બ્રેડની દરેક સ્લાઇસ પર આ સ્પ્રેડ લગાવી સર્વ કરો. આ ઓપન સેન્ડવિચમાં સવારે નાસ્તામાં લઇ શકો છે, જેમાં કેલરી વધારે નથી હોતી.