દાળનો સંભાર

દાળનો સંભાર

કોકવાર દાળ કોઇને ભાવી ન હોય કે તે ખાવાનો મૂડ ન હોય તો ચંદ્રમુખી દાળ વધે તો તેને ફેંકી થોડી દેવાય? તેમાં ફરીથી હિંગનો વઘાર કરી, બાફેલી દૂધી, ટામેટા, ડુંગળી, લીલાં મરચાં વગેરે નાખી ઉકળવા દો. થોડું ઉકળે એટલે એકવાર ફરીથી એક ચમચી તેલમાં તજ, લવિંગ, કાળા મરીને અધકચરું ખાંડીને ગરમ તેલમાં નાખી વઘાર કરો અને તપેલી ઢાંકી દો. થોડી વાર પછી તેમાં સંભાર મસાલો નાખી ઉકળવા દો. સાથે થોડી ઇડલી બનાવી દો. ચટપટી મજેદાર ઇડલી સંભાર તૈયાર થઇ જશે અને સૌ હોંશે હોંશે ખાશે.

પડવાળી પૂરી

સામગ્રી

મેંદો – ૫૦૦ ગ્રામ, ઘી – ૫૦૦ ગ્રામ, દૂધ – ૧૫૦ ગ્રામ, ચોખાનો લોટ – ૬૦ ગ્રામ

રીત

મેંદામાં ઘીનું મોણ નાખી સાધારણ કઠણ લોટ બાંધવો. તેની પૂરી વણીને કપડું ઢાંકીને રાખો. બીજી બાજુ ચોખાના લોટમાં ઘી નાખીને ખૂબ ફીણીને સાટો કરો. આ સાટો બધી પૂરી પર ચોપડો. એકની ઉપર એક એમ છ પૂરી પર ચોપડી છ પૂરીનો વીંટો કરો. વીંટો વાળીને ચપ્પુથી કટકા કરો. તે કટકાને હાથ વડે દબાવીને ગોળ પૂરી જેવા પણ થોડા જાડો વણો અને ઘીમાં ધીમા તાપે તળો.

ફૂલવડી

ફૂલવડી

સામગ્રીઃ

કરકરા ચણાનો લોટ – ૨૫૦ ગ્રામ, મરી – ધાણાનાં ફાળિયા, ખાંડ, તેલ – પ્રમાણસર, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, હીંગ, સોડા, દહીં – જરૂરિયાત પ્રમાણે

રીતઃ

ચણાના લોટમાં તેલ અને દહીં નાખી સાધારણ બાંધવો. તેમાં ધાણા તથા મરી નાખી લોટને એકાદ કલાક રહેવા દેવો. પછી ૧ ચમચો ગરમ તેલ રેડવું. લોખંડની કડાઈમાં તેલ ભરી ફૂલવડીનો ઝારો રાખવો. ઝારા પર તૈયાર લોટ ઘસીને ફૂલવડી પાડવી. લાલ થાય એટલે ઉતારી લેવી.

 

પાણીપુરી

પાણીપુરી

સામગ્રી :

કરકરી પૂરી (પાણી પૂરી માટેની) – ૨૪ નંગ, પાણી માટે : આંબલીનો રસ – ૨ ચમચા, સિંધાલૂણ – ૧ ચમચી, શેકેલા જીરાનો પાઉડર – ૧ ચમચી, લીલા મરચાની પેસ્ટ – અડધી ચમચી, મીઠું – સ્વાદ મુજબ, ભરવા માટે : પલાળીને બાફેલા દેશી ચણા – અડધો કપ, બાફેલા બટાકા – ૨ મોટા

રીત :

એક બાઉલમાં બાફેલા ચણા લો. તેમાં બાફેલા બટાકાને હાથથી મસળી મિકસ કરો. એક ઊંડા બાઉલમાં આંબલીનો રસ લો. તેમાં મીઠું, સિંધાલૂણ, શેકેલા જીરાનો પાઉડર, લીલા મરચાની પેસ્ટ ભેળવો. તેમાં ચાર કપ પાણી ઉમેરો. બરફના ટુકડા પણ નાખો. હવે પૂરીમાં નાનકડું કાણું પાડી તેમાં ચણા-બટાકાનું મિશ્રણ ભરી તૈયાર પાણીમાં બોળી તરત જ ખાવ.

ફરસી પૂરી

ફરસી પૂરી

મૂઠ્ઠી પડતું મોણ નાંખી, તળીને બનાવાતી એક ખૂબ હાઇ કેલરી વાનગી છે. આ પૂરી મેંદા-રવાની બને છે. તેમાં તેલ મૂઠ્ઠી પડતું નાખવાના બદલે મઘ્યમ નાંખી અને મોળી છાશ, દૂધ અથવા પનીરના પાણીથી લોટ બાંધવાથી પણ પૂરી સારી બની શકે. વળી મેંદાનું પ્રમાણ અડધું લઇ રવાને બદલે ઘઉનો જાડો લોટ લેવાથી ફાઇબર વધે છે. થોડા પ્રમાણમાં સોયાબીનનો લોટ મિકસ કરી આ પૂરીને ખૂબ પૌષ્ટિક બનાવી શકાય છે.

સામગ્રી:

મેંદો-૫૦ ગ્રામ, ઘઉનો કકરો લોટ – ૫૦ ગ્રામ, જીરું -૨ ચમચી, તેલ-૫૦ મીલી, દૂધ અથવા છાશ(લોટ બાંધવા પૂરતું) સોયાબિનનો લોટ – ૫૦ ગ્રામ

રીત

ત્રણે લોટને ભેગા કરી ત્રણ વખત ચાળવા. તેમાં મીઠું, અધકચરા મરી, જીરુ તથા તેલ નાંખી મિકસ કરવું. દૂધ કે છાશ વડે લોટ બાંધવો પૂરી તળવી

આ પૂરીમાંથી ઉપરનાં માપમાંથી, ૬૦૩ કેલરી, ૨૦ ગ્રામ પ્રોટીન, ૧૨૮૭ મીલી ગ્રામ કેલ્શિયમ, ૨૦ ગ્રામ ચરબી મળે છે.

 

મગની દાળ-બેસનનાં ઢોકળાં

મગની દાળ-બેસનનાં ઢોકળાં

mugસામગ્રી

મગની ફોતરાંવાળી દાળ – ૨ કપ
ચણાનો લોટ – ૩ ચમચી
લીલાં મરચાં – ૩ નંગ
દહીં – દોઢ ચમચો
ફ્રૂટ સોલ્ટ – અઢી ચમચી
હિંગ – ચપટી
મીઠું – સ્વાદ મુજબ

ટોપિંગ માટે

બારીક સમારેલી કોબીજ – ૨ ચમચા
બારીક સમારેલા ગાજર – ૨ ચમચા

રીત

મગની દાળને બે કલાક પલાળી રાખી પછી નિતારી લો. તેમાં લીલાં મરચાં અને સહેજ પાણી ઉમેરી મિકસરમાં ગ્રાઇન્ડ કરી લો.

પછી તેમાં ચણાનો લોટ, દહીં, હિંગ અને મીઠું ભેળવો. હવે તેમાં ફ્રૂટ સોલ્ટ મિકસ કરો. આ ખીરાને બે થાળીમાં પાથરી તેના પર કોબીજ અને ગાજરનું છીણ ભભરાવો અને વરાળથી બફાવા દો.

બફાઇ જાય એટલે ગરમ ગરમ ઢોકળાનો સ્વાદ માણો.

 

મકાઈની કઢી

મકાઈની કઢી

સામગ્રીઃ

3 નંગ મકાઈ, 100 ગ્રામ દહીં, વઘાર માટે તેલ, 1 ચમચી આદુ-લસણ-મરચાની પેસ્ટ, ચપટી હીંગ, ચપટી મેથીના દાણા, ચપટી રાઈ અને જીરું, 4 થી 5 નંગ લીમડાના પાન, મીઠું સ્વાદાનુસાર, અડધી ચમચી ગરમ મસાલો.

રીતઃ

સૌ પ્રથમ મકાઈના દાણા કાઢીને ક્રશ કરી પેસ્ટ બનાવી લો. ત્યારબાદ એક કઢાઈમાં થોડું તેલ મૂકી તેમાં રાઈ, મેથી, જીરું અને લીમડાના પાન મૂકી, હીંગ નાખી વઘાર કરો.. હવે તેમાં આદુ-લસણ-મરચાની પેસ્ટ ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં ક્રશ કરેલી મકાઈની પેસ્ટ ઉમેરી દો. હવે જ્યાં સુધી મિશ્રણમાંથી તેલ છૂટુ ન પડે ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં દહીં અને પાણીનું મિશ્રણ ઉમેરી બે ત્રણ ઉભરા આવવા દો. ઉપર ગરમ મસાલો અને કોથમીર ભભરાવી ગરમ ગરમ મકાઈના રોટલા સાથે પીરસો.

 

 

રવા ઇડલી

રવા ઇડલી

સામગ્રી

રવો – ૧ વાટકી, તાજું દહીં – ૧ વાટકી,ફ્રૂટ સોલ્ટ – ૧ ચમચી, સમારેલી ડુંગળી – ૧ નંગ,સમારેલી કોથમીર – ૨ ચમચી, લીમડાના પાન – ૮-૧૦,બારીક સમારેલાં લીલાં મરચાં – ૨-૩ નંગ, મીઠું – સ્વાદ મુજબ

રીત

એક કડાઇમાં રવાને કોરો જ શેકી લો. તેનો રંગ આછો બદામી થઇ અને સોડમ આવે એટલે નીચે ઉતારી લો. દહીંમાં ફ્રૂટ સોલ્ટ ભેળવો અને બાકીની સામગ્રી મિકસ કરી ખીરું તૈયાર કરો. આ ખીરાને ઇડલીના મોલ્ડમાં નાની નાની ઇડલી ભરી વરાળથી દસ મિનિટ સુધી બાફો. તૈયાર થાય એટલે ગરમ સર્વ કરો. આ ઇડલીમાં ૫ ગ્રામ પ્રોટીન, ૮ કેલરી અને ૨ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ રહેલા છે.

 

કાકડીનું શાક

કાકડીનું શાક

સામગ્રી:

છોલેલી કાકડી – ૪ નંગ મોટી, દહીં – પોણો કપ, ચણાનો લોટ – ૩ ચમચા, હળદર – પા ચમચી, આદુંની પેસ્ટ – ૧ ચમચી, લસણની પેસ્ટ – ૧ ચમચી, મીઠું – સ્વાદ મુજબ, તેલ – ૧ ચમચો, રાઇ – અડધી ચમચી, લીમડો – ૭-૮ પાન, હિંગ – ચપટી, આખા લાલ મરચાં – ૪ નંગ, સમારેલી કોથમીર – ૧ ચમચો

રીત:

દહીંને બાઉલમાં કાઢી તેમાં બે કપ પાણી ભેળવો અને ચણાનો લોટ મિકસ કરો. તેમાં હળદર, આદું અને લસણની પેસ્ટ ઉમેરીને ખૂબ હલાવો જેથી તેમાં ગાંઠા ન રહે. કાકડીનાં લંબાઇમાં પા ભાગના ટુકડા કરી તેના અડધા ઇંચના ટુકડા કરો. એક પેનમાં તેલ ગરમ કરી રાઇ નાખો. તે તડતડે એટલે લીમડાના પાન, હિંગનો વઘાર કરી અડધી મિનિટ સાંતળો. તેમાં દહીંનું મિશ્રણ રેડી સતત હલાવતાં રહી ઉકળવા દો. મીઠું ભેળવો. બીજા પેનમાં તેલ ગરમ કરી તેમાં આખા લાલ મરચાં સાથે હિંગનો વઘાર કરી પછી તરત દહીંના મિશ્રણને તેમાં રેડીને હલાવો. સમારેલી કાકડી નાખી મિશ્રણને બરાબર ખદખદવા દો. કાકડીનું શાક તૈયાર થઇ જાય એટલે સમારેલી કોથમીર ભભરાવી ફુલકા અથવા ભાત સાથે ગરમાગરમ પીરસો.