ચીઝ એકલેર્સ

સામગ્રી

લોટ – દોઢ કપ, માખણ – ૨ કપ, પાણી – પા કપ, મીઠું – ચપટી, સ્ટફિંગ માટે: ચીઝ – ૧ કપ, મરચું – પા ચમચી, અજીનો મોટો – ચપટી

રીત

cheese-eclairs.jpgસોસપેનમાં પાણી, માખણ અને મીઠું ધીમી આંચે રાખી ઉકળવા દો. તેમાં એકસાથે બધો લોટ નાખી ખૂબ ઝડપથી ગાંઠા ન બાઝે એ રીતે પેનની કિનારીએ ચોંટે નહી ત્યાં સુધી હલાવતાં રહો. ત્યાર બાદ તેને આંચ પરથી ઉતારી અને ઠંડું થવા દો. આ મિશ્રણ લટકા પડતું હોવું જોઇએ. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો.

બેકિંગ ટ્રેને ગ્રીઝ કરી તેમાં ત્રણ-ચાર ઇંચના અંતરે એક-એક ચમચો આ મિશ્રણ પાથરો. ત્યાર બાદ પહેલા ૨૦૦ ડીગ્રી સેન્ટિગ્રેડ તાપમાને ગરમ ઓવનમાં વીસ મિનિટ સુધી અને પછી ૧૮૦ ડીગ્રી સેન્ટિગ્રેડ પર પંદર મિનિટ બેક થવા દો.

ચીઝમાં થોડું દૂધ, મરચું અને અજીનો મોટો ભેળવી તેને ધીમી આંચે ઓગળવા દો. પછી તૈયાર એકલેર્સમાં ભરી સર્વ કરો

બેકડ વેજિટેબલ કેસેરોલ

સામગ્રી

મિકસ શાક – ૨ કપ, સમારેલી ડુંગળી – ૧ નંગ, માખણ – ૧ ચમચો, બારીક સમારેલું લસણ – ૧ ચમચી, લાલ મરચું, તુલસી – સજાવટ માટે, વ્હાઇટ સોસ માટે: દૂધ – ૧ લિટર, માખણ – ૨૦૦ ગ્રામ, મેંદો – ૪ ચમચા, મરીનો પાઉડર – પા ચમચી

રીત

baked-vegetable.jpgમિકસ શાક જેવાં કે ગાજર, ફણસી, વટાણા, મશરૂમ, બેબી કોર્ન, બ્રોકોલી વગેરેને સમારી અધકચરા બાફી લો. હવે એક તપેલીમાં માખણ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળીને આછા બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં બારીક સમારેલું લસણ અને બધાં શાક ભેળવો. તેમાં મરચું અને તુલસી નાખી મિકસ કરી બાજુ પર રહેવા દો.

ત્યાર બાદ એક પેનમાં માખણ ગરમ કરી, તેમાં મેંદો નાખી થોડી મિનિટ સુધી હલાવો. ધીમે ધીમે દૂધ રેડતાં જઇ સાથોસાથ હલાવતાં રહો જેથી તેમાં ગાંઠા ન બાઝે. બરાબર ખદખદવા દો. બેકિંગ ટ્રેમાં સૌથી પહેલા શાકનો થર કરી તેના પર વ્હાઇટ સોસ રેડો. ઉપર ચીઝનું છીણ ભભરાવી ઓવનમાં મૂકી ઉપર બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી બેક થવા દો.

સૂકામેવાના બિસ્કિટ

સૂકામેવાના બિસ્કિટ

સામગ્રી :

બટર – ૫૦૦ ગ્રામ, ખાંડ – દોઢ વાટકી, સુગર પફ – બે વાટકી, કોર્નફલેકસ – બે વાટકી, સોજી – ૧ વાટકી, સેલ્ફ રાઇઝિંગ ફલોર – બે વાટકી, દૂધ – પોણો વાટકી, કોપરાનું છીણ – ૧ વાટકી, ગોલ્ડન સીરપ – ૧ ચમચી, સોડા બાયકાર્બોનેટ – ૧ ચમચી, બદામ, પિસ્તા, કાજુ – જરૂરિયાત મુજબ

રીત:

બટર, ખાંડ અને સોડાને ફીણી તેમાં દૂધ ઉમેરી બધું એકરસ થઇ જાય ત્યાં સુધી ફીણો. ત્યાર બાદ એમાં સોજી, કોપરાનું છીણ, સુગર પફ, કોર્નફલેકસ, સેલ્ફરાઇઝિંગ ફલોર, ગોલ્ડન સીરપ વગેરેને મિકસ કરી તેને ૨૦ મિનિટ ફ્રિજમાં રાખો પછી તેમાં નાના-નાના ગોળ લૂઆ વાળીને તેના પર બદામ, પિસ્તા તથા કાજુને બારીક સમારીને તેની સજાવટ કર્યા પછી ઓવનમાં પકવો.

 

ઓરેન્જ સ્વીટ

 

ઓરેન્જ સ્વીટ

orange sweetસામગ્રી

માખણ – અડધો કપ, બુરું ખાંડ – ૨ કપ, વેનીલા એસેન્સ – ૧ ચમચી, નારંગીની છાલનો પાઉડર – ૨ ચમચા, મીઠું – સ્વાદ મુજબ, લોટ – અઢી કપ,ખાવાનો સોડા – ૨ ચમચી, અખરોટના ટુકડા – પોણો કપ, ચોકલેટના ટુકડા – ૨ કપ

રીત

ઓવનને ૩૫૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ગરમ કરો. એક બાઉલમાં ફોઇલ પાથરો. હવે બીજા બાઉલમાં માખણ, બુરું ખાંડ, વેનીલા એસેન્સ, નારંગીની છાલનો પાઉડર અને મીઠું ભેળવી તેને એકરસ કરો.

તેમાં લોટ અને ખાવાના સોડા ભેળવી ખૂબ હલાવો. તેમાં અખરોટ અને ચોકલેટના ટુકડા નાખો. હવે ફોઇલ પાથરેલા બાઉલમાં આ મિશ્રણને એકસરખું પાથરી તેને ઓવનમાં વીસ-પચીસ મિનિટ સુધી બેક થવા દો.

બેક થઇ જાય એટલે તેને ઠંડું થવા દઇ ચોરસ પીસ કરી સ્વાદ માણો.

બૂંદી અને રબડી સ્ટફડ પેનકેકસ

બૂંદી અને રબડી સ્ટફડ પેનકેકસ

bundi rabadi pancackesસામગ્રી

મેંદો-દોઢ કપ,બેકિંગ પાઉડર -૧ ચમચી, ખાવાનો સોડા-૧ ચમચી, છાશ-પોણો કપ, દળેલી ખાંડ-૨ ચમચા,તેલ-સાંતળવા માટે, કળીના લાડુ-૬ નંગ (મઘ્યમ સાઇઝ),સમારેલી બદામ-૮-૧૦ નંગ, દ્રાક્ષ-૧ ચમચો,સમારેલા કાજુ-૮-૧૦ નંગ, રબડી-૩-૪ ચમચા, પલાળીને છોલેલી બદામ-૮-૧૦ નંગ

રીત

ઓવનને પહેલેથી ૧૮૦ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી ગરમ કરીને રાખો. મેંદો, બેકિંગ પાઉડર અને સોડાને એક સાથે ચાળીને તૈયાર રાખો. તેમાં છાશ નાખી ખીરું તૈયાર કરો. તેમાં દળેલી ખાંડ નાખી મિકસ કરો. એક ફ્રાઇંગ પાન ગેસ પર મૂકી તેની ઉપર થોડું તેલ નાખો.

તેની ઉપર ખીરું પાથરો. થોડું શેકાય અને લાઇટ બ્રાઉન થઇ જાય એટલે ફેરવી નાખો. બીજી બાજુ પણ બ્રાઉન થાય એટલે નીચે ઉતારી દો. આ રીતે બીજી પેનકેકસ તૈયાર કરી દો.

એક બાઉલમાં કળીના લાડુ તોડી લો. તેમાં સમારેલી બદામ, દ્રાક્ષ, કાજુ નાખી મિકસ કરો. ઉપરથી રબડી નાખીને ફરી મિકસ કરો.એક કેક ટીન લો તેમાં પેનકેક ફિકસ કરો.

તેની ઉપર કળીના લાડુવાળું મિશ્રણ પાથરો. તેની ઉપર બીજી પેનકેક મૂકો. આની ઉપર ફરીથી મિશ્રણ પાથરો. ઉપર ફરી એક પેનકેક મૂકી દો. આ રીતે તૈયાર થઇ ગયેલી કેક ટીનને પહેલેથી ગરમ કરેલા ઓવનમાં ૧૦ મિનિટ માટે મૂકો.

ઓવનમાંથી કાઢીને પલાળીને, છોલીને મૂકેલી બદામથી ડેકોરેટ કરો અને પીરસો.

 

એગલેસ બ્રાઉનીઝ

એગલેસ બ્રાઉનીઝ

eggless browinzsસામગ્રી

ગ્રેટ કરેલી ડાર્ક ચોકલેટ- ૧૦૦ ગ્રામ
મેંદો- દોઢ કપ
બેકિંગ પાઉડર- બે ચમચી
બટર- ૧૩૦ ગ્રામ
કેસ્ટર સુગર- એક કપ અને દોઢ મોટાં ચમચા(બે જગ્યાએ)
વેનિલા એસેન્સ- ૧ ચમચી
ક્રશ કરેલું અખરોટ- અડધો કપ

રીત

ઓવનને ૧૮૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ગરમ કરો અને આઠ ઇંચની કેક ટીનમાં માખણ લગાડી બાજુ પર રહેવા દો. મેંદો અને બેકિંગ પાઉડર ભેગો ચાળો.

ચોકલેટ અને બટરને ઓવનમાં મૂકવાના બાઉલમાં ભેગાં કરી મિકસ કરો.

તેને ઓવનમાં ૧૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર અથવા ડબલ બોઇલર સિસ્ટમથી ગરમ કરી શકાય.કેસ્ટર સુગર અને વેનિલા એસેન્સ ભેગાં કરી હલાવો.

મેંદો અને અખરોટ નાખી હલાવો. આ મિશ્રણને બેકિંગ કેક ટીનમાં ભરો. પહેલેથી ગરમ કરેલા ઓવનમાં ટીન મૂકી તેને ૨૫થી ૩૦ મિનિટ સુધી રાખો. બહાર કાઢી ઠંડુ થવા દો અને ચોરસ સ્લાઇસ કરો.

નોંધ: ડબલ બોઇલર એટલે એક તપેલામાં થોડું પાણી લઇ તેની અંદર એક વાસણ ઊધું મૂકો. તેના ઉપર જે વસ્તુ ગરમ કરવી હોય તે મૂકો. પાણીમાંથી ઉત્પન્ન થતી વરાળથી મૂકેલી વસ્તુ ગરમ થાય છે. જેમ ઇડલી કે ઢોકળા બનાવીએ છીએ તે રીતે.

 

બેકડ પૂરી

બેકડ પૂરી

સામગ્રી
ઘઉનો લોટ – ૨૦૦ ગ્રામ, તેલ – ૨ ચમચા, મીઠું – સ્વાદ મુજબ

રીત

ઘઉના લોટમાં તેલ અને મીઠું ભેળવી, જરૂર પૂરતું પાણી રેડી કઠણ કણક બાંધો. તેને ખૂબ કૂણવો. તેમાંથી પચીસ-ત્રીસ લૂઆ કરી પૂરી વણો અને કાંટાથી તેમાં કાણાં પાડો. આ પૂરીને બેકિંગ ટ્રેમાં ગોઠવી દો. ઓવનને ૨૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ગરમ કરી તેમાં પૂરીને દસ મિનિટ બેક થવા દો. આમાં ૦.૪ ગ્રામ પ્રોટીન, ૧૩ કેલરી, ૨-૩ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ રહેલાં છે.

 

 

બ્રાઉન બ્રેડ પુડિંગ

બ્રાઉન બ્રેડ પુડિંગ

સામગ્રી :

બ્રાઉન બ્રેડ – ૮ સ્લાઈસ, પીચ – ૪ નંગ, બ્રાઉન સુગર – પોણો કપ, ઈંડાં – ૩ નંગ, મલાઈવાળું દૂધ – ૧ કપ, ચેરી – અડધો કપ

રીત :

પીચને છોલી ઠળિયો કાઢી તેનાં પતીકાં કરો. અડધા ભાગની બ્રાઉન સુગરમાં એક કપ પાણી ભેળવી તેમાં પીચનાં પતીકાં બાફી લો. ઓવનને ૧૮૦૦સે. તાપમાને ગરમ કરો. બ્રાઉન બ્રેડની સ્લાઈસને સહેજ શેકી તેને ત્રિકોણાકાર કાપો. એક બાઉલમાં ઈંડાંને તોડી તેને સહેજ ફીણો. તેમાં બ્રાઉન સુગર તથા દૂધ ઉમેરીને મિકસ કરો. પીચ એકદમ પોચાં પડે એટલે તેને બ્લેન્ડ કરી લો. બેકિંગ ડિશમાં ટોસ્ટના ત્રિકોણ પીસ ગોઠવો. તેના પર સાફ કરેલી ચેરી અડધા ભાગની ગોઠવો. ઈંડાંના મિશ્રણને પીચની પ્યોરીમાં મિકસ કરો અને તેને બેકિંગ ડિશમાં ગોઠવેલી બ્રેડ પર રેડો. બાકીની ચેરીને ઉપર ગોઠવી અગાઉથી ગરમ કરેલા ઓવનમાં અડધો કલાક બેક થવા દો. ગરમ જ સર્વ કરો.

નોંધ : તમે ઈરછો તો ટિનપેક પીચનો ઉપયોગ કરી શકો છો.

 

 

એપલ કેક

એપલ કેક

સામગ્રી :

મેંદો – ૧ કપ, રવો – પા કપ, દૂધ – ૧ કપ, દૂધનો પાઉડર – અડધો કપ, બેકિંગ પાઉડર – ૧ ચમચી, ખાવાનો સોડા – અડધી ચમચી, નારંગીની છાલનો પાઉડર – અડધી ચમચી, મલાઈ – અડધો કપ, બૂરું ખાંડ – પોણો કપ, સફરજનના નાના ટુકડા – ૧ કપ, લીંબુનો રસ – ૧ ચમચો, ખાંડ – ૧ ચમચો

રીત :

કેક બનાવવા માટે પહેલાં ઉપર જણાવેલી બધી સામગ્રી ભેગી કરી ખૂબ ફીણો. કેક બનાવવા માટેના મોલ્ડમાં માખણ લગાવો. સફરજનના ટુકડામાં બૂરું ખાંડ અને લીંબુનો રસ મિકસ કરો. હવે આ ટુકડાને માખણવાળા ટિનના તળિયે પાથરો. ઓવનને અગાઉથી પંદર ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરી રાખો. તેમાં આ કેકનું મોલ્ડ મૂકી વીસ-પચીસ મિનિટ રહેવા દો. કેક તૈયાર થઈ જાય એટલે અંદર ચપ્પુ ખોસી જોઈ લો કે મિશ્રણ ચપ્પુ પર ચોંટતું નથી ને. ચોંટતું હોય તો થોડી વાર રહેવા દો. પછી કેકને ઓવનમાંથી બહાર કાઢી પછી એક પ્લેટમાં ઊંધી પાડીને કાઢો. ટેસ્ટી એપલ કેકનો સ્વાદ માણો.