સતરંગી પુલાવ વિથ ગાર્લિક રાયતા

સામગ્રી

પાણી – ૩ લિટર, એલચી – ૧૦ ગ્રામ, લવિંગ – ૪-૫ નંગ, તમાલપત્ર – ૪-૫, તજ – ૨-૩ નાના ટુકડા, ચોખા – ૬૦૦ ગ્રામ, ઘી – અડધી ચમચી, કેસર (દૂધમાં ઘોળેલું) – થોડા તાંતણાં, ક્રીમ કે મલાઇ – ૧ કપ, ચણાની દાળના મિશ્રણ માટે, ચણાની દાળ – ૨૦૦ ગ્રામ, હળદર – પા ચમચી, દહીં – ૭૫ ગ્રામ, ઘી – ૧૫૦ ગ્રામ, સમારેલી ડુંગળી – ૧૫૦ ગ્રામ, આદું-લસણની પેસ્ટ – ૫૦ ગ્રામ, મરચું – ૧૦ ગ્રામ, સમારેલો ફુદીનો – બે ચમચા, સમારેલી કોથમીર – બે ચમચા, ગાર્લિક રાયતા માટે: વાટેલું લસણ – ૨૦ ગ્રામ, દહીં – ૧૦૦ ગ્રામ, મરચું – દોઢ ચમચી, તેલ – તળવા માટે, મીઠું – સ્વાદ મુજબ

રીત

raita.jpgએક તપેલીમાં પાણી લઇ તેમાં એલચી, લવિંગ, તમાલપત્ર, તજ અને મીઠું નાખી ઉકળવા દો. તેમાં ચોખાને લગભગ અધકચરા બફાય ત્યાં સુધી રાખો. હવે બીજી તપેલીમાં ચણાની દાળમાં મીઠું અને હળદર નાખી લગભગ બફાઇ જવા આવે એટલે તેનું પાણી નિતારી લો. એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ડુંગળીને આછા બદામી રંગની સાંતળો.

પછી તેમાં આદું-લસણની પેસ્ટ, દહીં અને મરચું નાખી મિકસ કરો. હવે તેમાં બફાઇ જવા આવેલી દાળનું મિશ્રણ ઉમેરી હલાવો. અખરોટના ટુકડા, કિશમિશ, ખારેકના ટુકડા અને બદામની કચરણ નાખી બે મિનિટ સુધી રહેવા દો. પછી આંચ પરથી ઉતારી લઇ તેના પર સમારેલાં કોથમીર, ફુદીનો ભભરાવી એક તરફ રહેવા દો.

જાડા તળિયાવાળી તપેલી લઇ તેમાં સૌથી પહેલા ભાતનો થર કરી ઉપર ચણાની દાળનું મિશ્રણ પાથરી, ફરી તેના પર ભાતનો થર કરો. ઉપર સહેજ ઘી, ક્રીમ અને કેસર ઘોળેલું દૂધ રેડો. એલ્યુમિનિયમની ફોઇલથી ઢાંકીને ધીમી આંચે વીસ મિનિટ સુધી રહેવા દઇ નીચે ઉતારીને ગાર્લિક રાયતા ગરમાગરમ સાથે ગરમાગરમ સર્વ કરો.

ગાર્લિક રાયતાની રીત : વાટેલા લસણને સહેજ તેલમાં સાંતળો. તેમાં દહીં, મરચું અને મીઠું ઉમેરી ખૂબ હલાવો. ગાર્લિક રાયતું તૈયાર છે.

વેજિટેબલ કર્ડ રાઇસ

વેજિટેબલ કર્ડ રાઇસ

સામગ્રી :

ભાત – દોઢ કપ, વલોવેલું દહીં – ૩ કપ, કાકડી – ૧ નંગ નાની, ગાજર – ૧ નંગ, વટાણા – પા કપ, તેલ – ૧ ચમચો, રાઇ – ૧ ચમચી, હિંગ – ચપટી, લીમડાનાં પાન – ૮-૧૦, વાટેલું આદું – ૨ નાના ટુકડા, સમારેલાં લીલાં મરચાં – ૩ નંગ, મીઠું – સ્વાદ મુજબ

રીત:

કાકડી અને ગાજરને એક ઊડા બાઉલમાં છીણો. તેમાં તૈયાર ભાત ઉમેરી ચમચાથી સહેજ દબાવીને મિકસ કરો. વટાણાને ઊકળતા પાણીમાં બે-ત્રણ મિનિટ માટે પલાળો પછી નિતારીને એક તરફ રહેવા દો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો. તે તડતડે એટલે તેમાં હિંગ, લીમડો, આદું અને લીલાં મરચાં ભેળવી પાંચ સેકન્ડ સાંતળો. આને ભાતના બાઉલમાં નાખી મિકસ કરો. લીલાં વટાણા અને મીઠું ભેળવો. દહીં ભેળવો. આને લગભગ પાંચ-દસ મિનિટ રાખી ચિલ્ડ સર્વ કરો.

 

ચોખા અને ચીઝના વડા

ચોખા અને ચીઝના વડા

vadaસામગ્રી

ચોખા – ૨૫૦ ગ્રામ, સમારેલી ડુંગળી – ૧ નંગ નાની, સમારેલી કોથમીર – ૨ ચમચા,સમારેલાં લીલાં મરચાં – ૨-૩ નંગ,ચીઝ – ૬૦ ગ્રામ,ઘઉનો લોટ – ૩૦ ગ્રામ,બ્રેડક્રમ્બ્સ – ૫૦ ગ્રામ,તેલ – તળવા માટે, મીઠું – સ્વાદ મુજબ

રીત

ચોખાને બાફી લઇ એક બાઉલમાં કાઢો. તેમાં સમારેલી ડુંગળી, કોથમીર, લીલાં મરચાં અને મીઠું ભેળવી મિકસ કરી લોટ જેવું બનાવો. તેમાંથી નાના નાના ગોળા વાળો. આ દરેક ગોળામાં વચ્ચે ચીઝ મૂકીને ફરી ગોળો વાળો. તેને એક તરફ રહેવા દો.

લોટમાં સહેજ મીઠું ભેળવી તેનું ઘટ્ટ ખીરું તૈયાર કરો. દરેક વડાને ખીરામાં બોળી, હળવેથી બ્રેડક્રમ્બ્સમાં રગદોળી ગરમ તેલમાં તળી લો. આછા સોનેરી રંગના થાય એટલે બહાર કાઢી ગરમ ગરમ જ ખાવ.

 

ફ્રેશ કોકોનટ વીથ ગાર્લિક રાઈસ

ફ્રેશ કોકોનટ વીથ ગાર્લિક રાઈસ

સામગ્રીઃ

5 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 8 નંગ લીમડાના પાન, 1 બાઉલ તૈયાર કરેલી પેસ્ટ ( 1 ચમચી કોથમીર, 10 ગ્રામ આદુ, 2 નંગ લીલા મરચાં, 50 ગ્રામ લસણ, 1 નંગ ડુંગળી, અડધી ચમચી ગરમ મસાલો – આ બધું જ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરવી.), અડધી ચમચી ગરમ મસાલો, 50 ગ્રામ ફણસી, 1 વાટકી કોકોનટ મિલ્ક, 2 બાઉલ રાંધેલા ભાત, મીઠું સ્વાદાનુસાર, ફ્રેશ નાળીયેરનું છીણ સજાવટ માટે.

રીતઃ

એક ફ્રાયપેનમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે લીમડાના પાન ઉમેરી, તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો. 1 થી 2 મિનિટ પેસ્ટ શેકો. ત્યારબાદ તેમાં ગરમ મસાલો અને કોકોનટ મિલ્ક ઉમેરી બરાબર મિક્સ કરો. થોડીવાર ચડવા દો. નાળીયેરનું પાણી બળી જાય એટલે તેમાં રાંધેલા ભાત અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી, બધું જ બરાબર મિક્સ કરો. સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર ફ્રેશ ટોપરાનું છીણ અને કોથમીરથી સજાવો.

મકાઇની ખીચડી

મકાઇની ખીચડી

૪ થી ૬ વ્યકિત માટે

લો પાવર લેવલ = ૦૦ – ૪૦ %, મઘ્યમ પાવર લેવલ = ૪૦ – ૯૦ %, માઇક્રો = ૧૦૦ %

સામગ્રી :

૨ કપ છીણેલી મકાઇ, ૧ કપ દૂધ, ૨ ચમચા તેલ, ૧ ચમચો લીંબુનો રસ, ૨ ચમચા ખાંડ, ૧ ચમચો આદુ મરચાંની પેસ્ટ, ૧ ચમચી હળદર, વઘાર માટે રાઇ, મીઠું સ્વાદાનુસાર, કોથમીર.

રીત :

સૌ પ્રથમ એક બાઉલમાં તેલ મૂકી તેમાં રાઇ અને આદુ મરચાંની પેસ્ટ નાખી ૩ મિનિટ માટે માઇક્રો કરો. તેમાં લીંબુ સિવાયની દરેક સામગ્રી ઉમેરી ૧૫ મિનિટ મઘ્યમ પાવર લેવલ પર માઇક્રો કરો. વરચે એક વખત હલાવો. મકાઇની ખીચડી તૈયાર થઇ ગયા બાદ તેમાં લીંબુનો રસ નાખી એક સરખુ હલાવો. એક ડીશમાં ખીચડી કાઢી તેનાં પર ઝીણી સમારેલી કોથમીર પાથરી ગરમાગરમ પીરસો.

 

મેકિસકન રાઇસ સલાડ

મેકિસકન રાઇસ સલાડ

gruhinjસામગ્રી :

ભાત – ૧૦૦ ગ્રામ, રેડ કેપ્સિકમ (બારીક સમારેલું) -૧ નંગ, યલો કેપ્સિકમ (બારીક સમારેલું) – ૧ નંગ, ગ્રીન કેપ્સિકમ (બારીક સમારેલું) – ૧ નંગ, ડુંગળી (બારીક સમારેલી) – ૨ નંગ, વિનેગર – ૧ ચમચો, લીંબુનો રસ – અડધી ચમચી, મરીનો પાઉડર – પા ચમચી, સમારેલી કોથમીર – ૧ ઝૂડી, લીલાં મરચાં – ૨ નંગ, મીઠું – સ્વાદ મુજબ

રીત:

એક બાઉલમાં ઠંડા ભાત લો. ડ્રેસિંગ માટે જુદા બાઉલમાં વિનેગર, લીંબુનો રસ, મરીનો પાઉડર, મીઠું, લીલાં મરચાં અને થોડી કોથમીર ભેળવો. શાક અને ડુંગળીને જુદા જુદા વાસણમાં થોડા ડ્રેસિંગમાં પાંચ મિનિટ માટે મેરિનેટ કરો. હવે ભાતમાં મેરિનેટ કરેલાં શાક અને બાકીનું ડ્રેસિંગ ભેળવો. હળવા હાથે બધું મિકસ કરો. સર્વિંગ પ્લેટમાં કાઢી સમારેલી કોથમીરથી સજાવી ચિલ્ડ કરી મેકિસકન રાઇસ સલાડ સર્વ કરો.

 

ફણગાવેલાં કઠોળની ખીચડી

ફણગાવેલાં કઠોળની ખીચડી

સામગ્રી :

ફણગાવેલા મગ – ૧ વાટકી, ચોળા (લાલ) – પા વાટકી, ચોખા – પા વાટકી , ફોતરાવાળી મગની દાળ – પા વાટકી, મીઠું – સ્વાદ મુજબ, મરચું – પ્રમાણસર, હળદર – પ્રમાણસર, મિકસ સમારેલું શાક – એક વાટકી, દહીં – એક વાટકી, તેલ – પ્રમાણસર

સજાવટ માટે

ટામેટું – ૧ નંગ, કેપ્સિકમ – ૧ નંગ

રીત:

ફોતરાવાળી મગની દાળ ધોઇને તેમાં ફણગાવેલા મગ, ચોળા અને ચોખા મિકસ કરી ધોઇ લેવા. કૂકરમાં તેલનો વઘાર મૂકી વઘારેલી ખીચડી બનાવીએ એ રીતે તેમાં સમારેલું મિકસ શાક, હળદર, મીઠું, મરચું વગેરે ઉમેરી જરૂર મુજબ પાણી નાખી કૂકરની વ્હીસલ વગાડો.

બીજી બાજુ મલાઇ વગરના દૂધનું દહીં પોટલીમાં બાંધી નીતરવા મૂકો. ખીચડી તૈયાર થઇ જાય એટલે ઓવનમાં મૂકી શકાય એવા ડબ્બામાં તેલ લગાવી તૈયાર થયેલી ખીચડીને તેમાં પાથરો. તેની ઉપર નીતરી ગયેલા દહીંનું લેયર બનાવો. ખીચડીને સજાવવા માટે ટામેટા કેપ્સિકમને ગોળ-ગોળ સમારી મૂકો. પછી તેને ઓવનમાં ૩૫૦ ડિગ્રી તાપમાન પર ૨૦ મિનિટ સુધી બેક કરો. દહીં સાથે ગરમ-ગરમ પીરસો.

 

રજવાડી રાજમા પુલાવ

રજવાડી રાજમા પુલાવ

સામગ્રી :

રાજમા – ૧૦૦ ગ્રામ, ભાત – ૧ કપ, સમારેલી ડુંગળી – ૧ નંગ, વાટેલું લસણ – ૪-૫ કળી, સમારેલાં લીલાં મરચાં – ૧ નંગ, દહીં – ૨ ચમચા, ગરમ મસાલો – ૧ ચમચો, તજનો પાઉડર – ૧ ચમચી, લવિંગ – ૨ નંગ, તમાલપત્ર – ૧ નંગ, મીઠું – સ્વાદ મુજબ, મરીનો પાઉડર – સ્વાદ મુજબ, તેલ – જરૂર પ્રમાણે , તળેલા પાપડ – ૩ નંગ સજાવટ માટે

રીત:

રાજમાને પલાળી બાફી લો. તેલ ગરમ કરી તેમાં તજ, લવિંગ, તમાલપત્ર, તજનો પાઉડર થોડી વાર સાંતળો. તેમાં સમારેલી લીલી ડુંગળી, વાટેલાં લીલાં મરચાં, લસણ નાખીને હલાવી બ્રાઉન રંગ થાય એટલે તેમાં બાફેલાં રાજમા, ગરમ મસાલો, દહીં, તજનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખો. બરાબર મિકસ કરીને ત્રણ-ચાર મિનિટ રહેવા દો. મિશ્રણ સહેજ ઘટ્ટ થાય એટલે તેમાં ભાત ભેળવો. તળેલા પાપડનો ભુક્કો કરી ઉપર સજાવી કઢી સાથે રજવાડી રાજમા પુલાવ પીરસો.