ફ્રૂટ જેલી પુડિંગ

ફ્રૂટ જેલી પુડિંગ

સામગ્રી :

રાસબરી જેલી – ૧ પેકેટ, કેળા – ૧ નંગ, ચીકુ – ૧ નંગ, પાઈનેપલ અને સફરજનના ટુકડા – ૧ વાટકી, કાજુ-કિસમિસ – સજાવટ માટે, દળેલી ખાંડ – ૧ ચમચી, ક્રીમ – જરૂર પ્રમાણે, વેનિલા એસેન્સ – ૪-૫ ટીપાં

રીત :

જેલીના માપ પ્રમાણે પાણી લેવું. તેમાંથી અડધું પાણી ગરમ કરવું. જેલીનો પાઉડર એક બાઉલમાં કાઢવો. ખૂબ ગરમ થયેલું પાણી તેમાં રેડી પાઉડર ઓગાળવો. થોડી વાર મિશ્રણ હલાવવું. જેલીનો પાઉડર ઓગળી જાય એટલે બાકીનું ઠંડું પાણી રેડવું. બરાબર હલાવી એક બાઉલમાં જેલીનું અડધું દ્રાવણ રેડવું. તેને ફ્રિજમાં મૂકવું. જેલી સેટ થાય એટલે બહાર કાઢી તેના પર બારીક સમારેલાં કેળા અને ચીકુના ટુકડા પાથરવા. ફળ ઉપર બાકીનું જેલીનું મિશ્રણ રેડવું. જેલીને ફરી ફ્રિજમાં સેટ થવા મૂકવી. અડધો કલાક બાદ તેમાં ક્રીમ, દળેલી ખાંડ તથા વેનિલા એસેન્સ બરાબર મિકસ કરી તેને સેટ થયેલી જેલી ઉપર પાથરવું. તેના પર કાજુ, દ્રાક્ષ ભભરાવી ફ્રિજમાં મૂકવું. સર્વ કરતી વખતે દરેક લેયર આવે તે રીતે કાઢવું.

 

ખજૂરના ઘૂઘરા

ખજૂરના ઘૂઘરા

સામગ્રી :

ખજૂર – ૫૦૦ ગ્રામ, મેંદો – ૫૦૦ ગ્રામ, માવો – ૧૦૦ ગ્રામ, દળેલી ખાંડ – ૧૦૦ ગ્રામ, કોપરાનું છીણ – અડધી વાટકી, ઘી – પ્રમાણસર

રીત:

ખજૂર લૂછી ઠળિયાં કાઢી સાફ કરી તેને મિકસરમાં ક્રશ કરવી. મેંદામાં ઘીનું મોણ નાખી કણક બાંધી ભીના કપડામાં ઢાંકી દો. બીજી બાજુ માવો અને કોપરાનું છીણ ઘીમાં સાંતળીને ખજૂરમાં નાખવો. તેમાં દળેલી ખાંડ ભેળવી પૂરણ તૈયાર કરવું. ત્યાર બાદ કણક મસળીને પૂરી વણવી. તેમાં પૂરણનું મૂઠિયું વાળીને મૂકવું. પૂરી બેવડી વાળી, ધાર દબાવીને કાંગરી પાડી ઘૂઘરા બનાવવા. આ ઘૂઘરાને ઘીમાં તળો.

કેળાંનો શીરો

કેળાંનો શીરો

સામગ્રી :

કેળાં – ૪ નંગ, એલચીનો પાઉડર – ચપટી, ખાંડ – ૨ ચમચા, ઘી – ૩ ચમચા, બદામ-પિસ્તાંની કતરણ – ૧ ચમચો

રીત:

કેળાંનો છૂંદો કરો. એક કડાઇમાં ઘી ગરમ કરી તેમાં કેળાંનો છૂંદો નાખી શેકો અને ખાંડ ઉમેરી બરાબર મિકસ કરો. ત્યાર બાદ તે એકદમ ઘટ્ટ લચકા જેવો થાય ત્યાં સુધી હલાવતાં રહો. એલચીનો પાઉડર ભેળવો. સુગંધ આવે એટલે તેમાં બદામ-પિસ્તાંની કતરણ ભેળવી ગરમ ગરમ ખાવ.

 

ચોકલેટ નટ્સ

ચોકલેટ નટ્સ

સામગ્રી :

આઇસિંગ સુગર – દોઢ વાટકી, મિલ્ક પાઉડર – ૧ વાટકી, ચોકલેટ પાઉડર – અડધી વાટકી, દૂધ – ૧ ચમચો, કોકો પાઉડર – ૧ ચમચી, ઘી – અડધી ચમચી, લીંબુનો રસ – ૨-૩ ટીપાં, અખરોટ, કાજુના ટુકડા – જરૂર મુજબ

રીત:

આંક વડે મિલ્ક પાઉડર, ચોકલેટ પાઉડર તથા કોકો પાઉડરને ચાળી લો. એક મોટા વાસણમાં પાણી ગરમ મૂકી તેની અંદર તપેલી મૂકો. તપેલીમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં મિલ્ક પાઉડરવાળું મિશ્રણ ધીમે-ધીમે નાખવું અને હલાવતા રહેવું. તેમાં લીંબુનો રસ તથા જરાક દૂધ છાંટી હલાવવું. બધુ બરાબર મિકસ થઇ જાય પછી તેમાં અખરોટ કાજુના ટુકડા નાખી તેને થાળી કે આઇસ ટ્રેમાં પાથરી દો.

મલાઈદાર બાસુદી

મલાઈદાર બાસુદી

સામગ્રીઃ

500 ગ્રામ દૂધ, 2 ચમચી મિલ્ક પાવડર, 3 ચમચી દળેલી ખાંડ, 1 ચમચી એલચી પાવડર, અડધી ચમચી જાયફળ પાવડર, 15 નંગ બદામ, 15 નંગ ચારોળી, 15 નંગ પીસ્તા, 4 થી 5 તાંતણા કેસર.

રીતઃ

સૌ પ્રથમ એક કઢાઈમાં દૂધ ગરમ કરવા મૂકો. થોડું દૂધ અલગ લઈ લો. તેમાં મિલ્ક પાવડર ઓગાળો. ઉપરાંત તેમાં બદામ ચારોળી, પીસ્તા અને કેસર પણ મિક્સ કરો. દૂધ ઉકળે એટલે તેમાં એલચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરો. દૂધ બરાબર ઉકળે એટલે તેમાં મિલ્ક પાવડરયુક્ત દૂધ ધીમે ધીમે ઉમેરતા જાઓ. દૂધમાં જામતી મલાઈ તોડીને દૂધમાં જ ઉમેરતા જાઓ. મલાઈદાર બાસુદી ઘટ્ટ બને એટલે એક સર્વિંગ બાઉલમાં લઈ લો. 3 ચમચી દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરો. બદામની કતરણ, પીસ્તા, ચારોળીથી સજાવો.

બુંદીની ખીર

બુંદીની ખીર

સામગ્રીઃ

500 ગ્રામ દૂધ, 2 ચમચી મિલ્ક પાવડર, 30 ગ્રામ ખાંડ, 1 ચમચી એલચી પાવડર, અડધી ચમચી કેસર, 250 ગ્રામ બુંદી, 2 ટીપા રોઝ એસેન્સ, બદામ પીસ્તા સજાવટ માટે.

રીતઃ

સૌ પ્રથમ દૂધ લો. તેમાં 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરી દૂધ ગરમ થવા મૂકો. ધીમા તાપે હલાવો. દૂધ ગરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરો. એલચી પાવડર અને કેસર પણ ઉમેરી દો. હવે 10 થી 15 મિનિટ દૂધ ઉકાળીને ઘટ્ટ બનાવો. છેલ્લે ઝીણી બુંદી તેમાં ઉમેરી, મિક્સ કરી ગેસ બંધ કરી દો. રોઝ એસેન્સ ઉમેરી, બદામ પીસ્તાથી સજાવો. આ બુંદીની ખીર ઠંડી અને ગરમ બંને પ્રકારે સારી લાગે છે.

બ્રેડ પાઈનેપલ શીરો

બ્રેડ પાઈનેપલ શીરો

સામગ્રીઃ

1 કપ દૂધ, 1 કપ પાણી, ખાંડ સ્વાદાનુસાર, અડધી ચમચી એલચી પાવડર, અડધો કપ ઘી, અડધો કપ રવો, અડધો કપ બ્રેડનો ભૂકો, અડધો કપ પાઈનેપલના ટુકડા, 1 ચમચી પિસ્તાની કતરણ, 1 ચમચી બદામની કતરણ, પાઈનેપલના ટુકડા અને ચાંદીનો વરખ સજાવટ માટે.

રીતઃ

સૌ પ્રથમ એક કઢાઈમાં 1 કપ દૂધ અને 1 કપ પાણી મિક્સ કરી ગરમ થવા મૂકો. તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ અને એલચી પાવડર ઉમેરી દૂધને ગરમ થવા દો. બીજી કઢાઈમાં ઘી મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં રવો ઉમેરી ધીમા તાપે બદામી રંગનો શેકો. ત્યારબાદ તેમાં બ્રેડનો ભૂકો ઉમેરી થોડીવાર શેકો. હવે ગરમ દૂધમાં પાઈનેપલના ટુકડા ઉમેરો. આ પાઈનેપલ મિશ્રિત દૂધ શેકાઈ ગયેલા રવામાં ઉમેરી મિક્સ કરો. થોડીવાર હલાવો એટલે શીરો તૈયાર. બદામ પિસ્તાની કતરણ ઉમેરી સર્વિંગ બાઉલમાં કાઢી, પાઈનેપલના ટુકડા અને ચાંદીના વરખથી સજાવો.