ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો

ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો

એકાંત છેક તળિયે મળે તો મળી શકે
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો

-નયન દેસાઈ

તારાથી એને ના વઢાય પ્રભુ?

હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ,
તો તને આવીને મળાય પ્રભુ.

તેંય મસ્તી તો બહુ કરેલી નહીં?
કેમ મારાથી ના કરાય પ્રભુ?

આ શું ટપટપથી રોજ નહાવાનું?
પહેલા વરસાદમાં નવાય પ્રભુ.

આખી દુનિયાને તું રમાડે છે
મારે દહીં દૂધમાં રમાય પ્રભુ?

મમ્મી પપ્પા તો રોજ ઝગડે છે
તારાથી એને ના વઢાય પ્રભુ?

રોજ રમીએ અમે જે મેદાને
કેમ મંદિર નવું ચણાય પ્રભુ?

બળથી બાળક તને જો વંદે તો
બાળમજૂરી ના ગણાય પ્રભુ?

– પ્રણવ પંડ્યા

શબ્દની પણ આળ-પંપાળૉ કરીને થાક્યો છું હવે

શબ્દની પણ આળ-પંપાળૉ કરીને થાક્યો છું હવે
તું નથી તો જો વિસામે પણ પહોંચી ભટક્યો છું હવે

રાહ જોતા થાકયો છું આંખમાં ચાતક-સમી પ્યાસ લૈ
આ તરસ કાજે જુવોને માનવી થઇ હાંફ્યો છું હવે

… આપની શેરી ફરીને રોજ પાછા ચાલ્યા જૈ અમે
ને પછી તારા જ ધરને જોઇ લાગે તરસ્યો છું હવે

આપણા બેની વચ્ચે બંધન હશે જે કદી ના તુટે
ને ઋણાનુંબંધની એવી પ્રથામાં અટકયો છું હવે

આવવું જો હોય તો તારે..ઉઘાડે-છોગ તું આવને
લાગણી છે એટલે તો જાતથી હું ભટકયો છું હવે

(નરેશ કે.ડૉડીયા)

અમુક ચૂંટ…

અમુક ચૂંટેલી કહેવતો

  • જ્યારે કોઈ પુરુષ પોતાની પત્ની માટે ગાડીનો દરવાજો ખોલે ત્યારે સમજવાનું કે ગાડી નવી છે કાં તો પત્ની નવી છે..!!
  • ભૂતકાળમાં જે આંસુ મેં પાડ્યા હતાં તે અત્યારે યાદ કરું છું ત્યારે હસવું આવે છે, પરંતુ મને એ નહોતી ખબર કે ભૂતકાળમાં આપણે જે હસ્યા હતા એ અત્યારે યાદ કરવાથી પણ આંસુ આવે છે.
  • ઉંમર તમને પ્રેમ કરતાં રોકતી નથી પણ પ્રેમ તમને ઉંમરલાયક થતાં રોકે છે.
  •  જો તમે કોઈને પ્રેમ કરતાં હો તો બીજા કશાની જરૂર નથી, પરંતુ જો તમે પ્રેમ ના કરતા હો તો બીજું જે પણ તમારી પાસે હોય એનો કોઈ મતલબ નથી.
  • પ્રેમના ગણિતમાં એક વત્તા એક એટલે સર્વ અને બે ઓછા એક એટલે શૂન્ય.
  • પ્રેમનું પાત્ર શોધો નહિ, બનો.