દીકરી મારી લાડકવાયી – મનહર ઊધાસ

 

દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર

દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય
પામતા જીવન માતપિતા નું ધન્ય થયી જાય
એક જ સ્મિત માં તારા ચમકે મોતીડા હાજર
દીકરી મારી લાડકવાયી

ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ
રમતા થાકી ને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર
રૂપ માં તારા લાગે મને પરી નો અણસાર
દીકરી મારી લાડકવાયી

કાલી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઇ ને ગુંજે
પ પ પગલી ચલાવતા બાપ નું હૈયું ઝૂમે
દીકરી તું તો માતપિતા નો સાચો છે આધાર
દીકરી મારી લાડકવાયી

હૈયા ના ઝૂલે હેત ની દોરી બાંધી તને ઝુલાવું
હાલરડાં ની રેશમી રજાઈ તને હું ઓઢાડું
પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર
દીકરી મારી લાડકવાયી

દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર

કીને કાંકરી મોહે મારી રે

કીને કાંકરી મોહે મારી રે
જદુપતિ જલ ભરવા દો (2)

સાવ સોનાની ઝારી અમારી
રતન જડિત રઢીયાળી
સાસુ રિસાળ મોરી નણદી હઠીલી
દિયર દે મોહે ગારી રે …..
જદુપતિ જલ ભરવા દો …કીને કાંકરી …..

કદમ્બ તળે કહાના રાસ રમે ને
નાચે રાધા પ્યારી
મીરા કહે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ જાઉ વારી રે
જદુપતિ જલ ભરવા દો . …કીને કાંકરી ….

રહી જાઓ શ્યામ તમે આજની રાતલડી

રહી જાઓ શ્યામ તમે આજની રાતલડી
વિનવે આ ભોળી રે ગોવાલણ

કંકુ કેસરના વ્હાલા સાથિયા પૂરાવશું
ને આંગણમાં પાડુ સારી ભાત
રહી જાઓ શ્યામ…

સૂના મંદિરિયામાં જ્યોતો પ્રગટાવશું
ને મીઠી કરીશું વ્હાલા વાત
રહી જાઓ શ્યામ…

બાઇ મીરાં કહે પ્રભૂ ગિરિધરના ગૂણ
જોતાં ઠરે છે મારી આંખડી
રહી જાઓ શ્યામ…

રહી જાઓ શ્યામ તમે આજની રાતલડી
વિનવે આ ભોળી રે ગોવાલણ

– મીરાબાઇ