કીને કાંકરી મોહે મારી રે

કીને કાંકરી મોહે મારી રે
જદુપતિ જલ ભરવા દો (2)

સાવ સોનાની ઝારી અમારી
રતન જડિત રઢીયાળી
સાસુ રિસાળ મોરી નણદી હઠીલી
દિયર દે મોહે ગારી રે …..
જદુપતિ જલ ભરવા દો …કીને કાંકરી …..

કદમ્બ તળે કહાના રાસ રમે ને
નાચે રાધા પ્યારી
મીરા કહે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ જાઉ વારી રે
જદુપતિ જલ ભરવા દો . …કીને કાંકરી ….

રહી જાઓ શ્યામ તમે આજની રાતલડી

રહી જાઓ શ્યામ તમે આજની રાતલડી
વિનવે આ ભોળી રે ગોવાલણ

કંકુ કેસરના વ્હાલા સાથિયા પૂરાવશું
ને આંગણમાં પાડુ સારી ભાત
રહી જાઓ શ્યામ…

સૂના મંદિરિયામાં જ્યોતો પ્રગટાવશું
ને મીઠી કરીશું વ્હાલા વાત
રહી જાઓ શ્યામ…

બાઇ મીરાં કહે પ્રભૂ ગિરિધરના ગૂણ
જોતાં ઠરે છે મારી આંખડી
રહી જાઓ શ્યામ…

રહી જાઓ શ્યામ તમે આજની રાતલડી
વિનવે આ ભોળી રે ગોવાલણ

– મીરાબાઇ

નાગર નંદજીના લાલ !

નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
કાના ! જડી હોય તો આલ્ય, કાના ! જડી હોય તો આલ,
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.


પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી,
તે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી
જોતી … જોતી … નાગર

એક એક મોતી માંહી સોના કેરો તાર,
સોળસેં ગોપીમાં પ્રભુ ! રાખો મારો ભાર
ભાર… ભાર … નાગર

નાનેરી પહેરું તો મારે નાકે નવ સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
ખાય… ખાય… નાગર

આંબા પર કોયલડી બોલે વનમાં બોલે મોર,
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
ચોર… ચોર… નાગર

તું છે બેટી ભ્રખુભાણની ગોકુળ ગામમાં રે’તી,
ત્રણ ટકાની નથડી માટે મુજને ચોર કહેતી
કહેતી … કહેતી … નાગર

તું છે લાલો નંદરાયનો હું આહીરની છોડી
બાઇ મીરાં કે’ ગિરધર નાગર મારી મતિ છે થોડી
થોડી … થોડી … નાગર

– મીરાં બાઇ (Meera Bai)