દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

– આદિલ મન્સૂરી

કેવુ સારું ને મનગમતું બોલી ગયા..

પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા
એ જ રૂપક જો ચાહે તો હું શું કરું ?
જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે,
એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું ?

તે છતાં મે કહ્યું, મારે કહેવું પડ્યું,
છો રૂપાળા તમે, ખૂબ સારા તમે,
આંખ બહુ મસ્ત છે, ચાલ બહુ ખૂબ છે,
અંગે અંગે છો નખશીખ પ્યારા તમે.

કેવી સીધીને સાદી હતી વાત આ,
કેવા ભોળા હતા તેઓ ઝૂમી ગયા.
બોલ્યા કેવા મજાના છો શાયર તમે,
કેવુ સારું ને મનગમતું બોલી ગયા.

– સૈફ પાલનપુરી

હે કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.

હે કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.

હે પરમકૃપાળુ વ્હાલા, મેં પીધાં વિષનાં પ્યાલા,
વિષને અમૃત કરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.

ભલે છોરું કછોરું થાયે, તોયે તું માવતર કહેવાયે,
મીઠી છાયા દેનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.

મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો?
મારા સાચા ખેવનહારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.

મારું જીવન છે ઉદાસી, તારે ચરણે લે અવિનાશી,
રાધાનું દિલ હરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.

જનારી રાત્રિ જતાં કહેજે

જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.

હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.

વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.

કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.

ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.

તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.

– શયદા

જવાની તો શું છે?એક ખરી ગયેલુ પાન!

આજે સરેલા પાલવની ભીનાસ હવામા
એક અજાણ્યા બોજથી લહેરાતા ડરે છે,
તને મેં હમેંશા ચાંદનીની શીતળતા અને
મારા દામનની મખમલી પથારી બક્ષી છે

મને ખબર નહોતી કે ચાંદનીની ઉદાસી પણ
ક્યારેક મારીં આંખો વાટે નિતરી આવશે!
હોય છે જિંદગીમાં આવતી ક્ષણો સહિયારી
એ બધા ઉપર તું અધિકાર ધરાવતો હતો.

જવાની તો શું છે?એક ખરી ગયેલુ પાન!
જેને સફેદીની હવા લાગતા ઉડી જવાનું છે,
ભલે એક સંબધ આપણૉ હતો,નામ વગરનો!
ત્યારે હું તારા ઇશારે નાચવા મજબૂર હતી,

એક ફનકારની ફન ઉપર હું પણ ફિદા હતી
તારી એક એક અદા ઉપર આફ્રિન હતી
મહેફિલો ઉપર મહેફિલ સજતી તારા નામની
સઘળો દોરીસંચાર મારા નાજુક હાથમા હતો,

યાદ છે તને?હું જરા અમસ્તી રૂઠી જતી તો
ગુલાબોની સાથે તારું અસ્તિત્વ પાથરી દેતો
જવાબ શોધું છુ વિતી ગયેલા સમય પાસે
તારી પાછળ ફના થયેલી જિંદગી ક્ષણૉનો

મારી ક્ષણૉ પાછી આપવા તું સક્ષમ નથી
હું તને ભુલી જાંઉ એ નારીનું ગૌરવ નથી.

(નરેશ કે.ડૉડીયા)

રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી !

પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી;
રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી !

તેં જે નથી કહી એ બધી વાત યાદ છે;
તેં જે કહી એ વાતનું કોઈ સ્મરણ નથી !

પડદો પડી ગયો છે હવે સૌ પ્રસંગ પર;
કહેતા હતા મને કે કોઈ આવરણ નથી !

હું છું તમારી પાસ : ઉપેક્ષાની રીત આ;
આંખો મીંચાઈ નહીં ને મીઠું જાગરણ નથી !

અહીંયા બધી દિશાએથી પડતો રહ્યો બરફ;
દુનિયામાં માત્ર એકલાં રેતીનાં રણ નથી !

તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા;
શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી !

– સુરેશ દલાલ

પાંદડાએ પૂછ્યુ કે

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?

ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું

તૂટવાનો અર્થ તને અડકે નહીં , એને હું કહું મારો પ્રેમ !

– રમેશ પારેખ

તો હું શું કરું…?

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

– આદિલ મન્સૂરી

સંવેદનાના પડઘા

ના બાંધ તું આટલી મૌનની દિવાલો આપણી વચ્ચે
મારી સંવેદનાના પડઘાથી સોંસરવા બાકોરા પડી જશે

ના ખેંચ આટલી મોટી લક્ષ્મણ રેખા આપણી વચ્ચે
મારા અરમાનોની આહટથી ધરતી પણ ફંટાય જશે

ના બાંધ તું આટલી પાળ આપણા કિનારા વચ્ચે
દીલમાં ઉઠતા તોફાન બધુ એક સાથે ઘસડી જશે

ના પાછુ ઠેલવ આપણુ મિલન સમયના વાયદા વડે
આશાને પાંખ આવશે તો કોઇ કાયદા નહી નડે

ના ખેલ રસ્સીખેંચની રમત તારા નાજુક હાથ વડે
બદલી જશે નાજુક હાથની રેખા એક ઝટકા વડે

ના કર આટલા કાવાદાવા આપણા નાજુક બંધન તળે
કંઇક ચંડાળૉના ઑટલા ભાંગીને આ સ્થાને પહોચ્યો છુ

ના નાંખ આટલા પાસાના દાવ પ્રેમની ચૉપાટ તળે
એક જ દાવ મારો છે કાફી,શકુનીનો હું અંશ છું

ના બાંધ આટલી સરહદો આપણા સંબધોના છેડે
સંવેદના કયાં જાણે છે પાઘડીને ક્યાં છેડે વળ છે

(નરેશ કે.ડૉડીયા)
http://www.narendodia.blogspot.com

સમયની જાહોજલાલી

સમયની જાહોજલાલી આપણે બે હાથે લુટી છે
ફરી ફરીને એ સમય નહી આવે જાહોજલાલીનો.

દુઃખનો સમય સમયની જેમ થોડૉ સતત ચાલે છે
આપણો પણ સમય આવશે ત્યારે સમયને રોકીશુ.

શીદને વિરહના આંસુ સારે સમયે સમયે દુઃખના
મુસીબતના એ દહાડા કેટલા ચાલશે સમયને પુછો.

પાણી તો સૌવના મપાય જાય છે સમયે સમયે
સુકાયેલા ઝરાઓ આંસુથી ભરવા આંખો થાકે છે.

ગગન ગોંરભાય ત્યારે તારી યાદોની ઘટા છવાય છે
ચાતકે નયને રાહ જોતી પ્રિયતમાની આંખ ઘેરાય છે.

રાતલડીના આભાસી ખ્વાબોમાં ક્યારેક તું મલકાય છે
ઉગતા સુરજની લાલીમા આશાનુ કિરણ દેખાય છે.

ક્યારેક તો આપણે સમયને થાકવા મજબુર કરીશું
ફરીથી એક વાર મળીશું એ સમયની મોટી હાર હશે.

(નરેશ ડૉડીયા)
http://www.narendodia.blogspot.com