પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું

પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું,
જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું.

વધતો રહે છે, સહેજ પણ ઘટતો નથી કદી
છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને,
રાતો પસાર હું જેમ-તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

ખીલતો રહું છું હુંય ને ખૂલતો જઉં છું હું,
ગમતું રહે છે જેમ તને હું તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

ભૂલીને ઘાટ જૂજવા એકાંતની ક્ષણે,
ઓગાળી એને હેમનું હું હેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

– તુષાર શુક્લ

મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને આંખો રૂદન માટે.

હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે;
મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને આંખો રૂદન માટે.

ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાં એનો?
અનોખા તારલા છે એ, તું રહેવા દે ગગન માટે.

યુગે યુગેથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું,
હવે કોઇ નવી દૃષ્ટિ મને આપો નયન માટે.

સુધારા કે કુધારા ધોઇ નાખ્યા અશ્રુધારાએ,
ઊભો થા જીવ, આગળ સાફ રસ્તો છે જીવન માટે.

હૃદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી?
બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે.

તમે જે ચાહ્ય તે લઇ જાવ, મારી ના નથી કાંઇ,
તમારી યાદ રહેવા દો ફકત મારા જીવન માટે.

દયા મેં દેવની માગી , તો ઉત્તર એ મળ્યો ત્યાંથી –
ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે.

મને પૂછો, મને પૂછો – ફૂલો કાં થઇ ગયા કાંટા?
બગીચામાં તમે આવી ઊભાં છો, ગુલબદન, માટે.

વિચારી વાંચનારા વાંચશે, ને સાફ કહેશે કે,
ગઝલ ‘શયદા’ ની સાદી સાવ છે, પણ છે મનન માટે.

– શયદા

જાળવવા છતાં પણ ….

ભવભાવથી ચણેલ શબ્દના બંધ તૂટે
તોપણ શી મજાલ છે કે કશે છંદ તૂટે?
જીવનમાં એ સિધ્ધ હસ્તતા ક્યાં છે દોસ્ત?
જાળવવા છતાં પણ અહીં સંબંધ તૂટે
– જવાહર બક્ષી

લીલા લહેર …

આજે દુનિયામાં કેટલું ઝેર છે,
કોણ જાણે લોકોને મારાથી શું વેર છે ?
મારી કબર પર લીલું ઘાસ જોઇને કહે છે લોકો,
…આને તો મર્યા પછી પણ લીલા લહેર છે

નમી તે ગઝલ….!!

લાજ ના ભાવથી નમી તે ગઝલ,
જે પ્રથમ દ્રષ્ટ્રી એ ગમી તે ગઝલ,
એતો છે ચીજ સર્વ મોસમની
નિત્ય લાગે જે મોસમી તે ગઝલ,
લીટી એકાદ સાંભળી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ,
—અમ્રુત ‘ઘાયલ’

તને મળવા નહિ આવું.

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.

ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.

ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું

મુસીબતોમાં જીવનનો વિકાસ તો આપો…

ભલે હો પંથમાં કાંટા, પ્રવાસ તો આપો,
મુસીબતોમાં જીવનનો વિકાસ તો આપો.

અદ્રશ્ય સાથ મને આસપાસ તો આપો,
હવા ના રૂપમાં જીવનના શ્વાસ તો આપો.

નસીબ મારુ ભલે હો તમારા કબજામાં,
મને ન આપો સિતારો, ઉજાસ તો આપો.

હું ખાલી હાથ રહીને ભલાઇ માગું છું,
મને જો ફૂલ નહીં તો સુવાસ તો આપો.

જગત છે ઝાંઝવાં પણ મનને લાગવા તો દો,
મને પાણી ભલે ન આપો, પ્યાસ તો આપો.

તમારો સાથ નહીં તો તમારી છાયા તો દો,
પૂનમની રાત નહીં તો અમાસ તો આપો.

મને કબૂલ છે મિત્રો, તમે નિખાલસ છો,
તમારી લાગણી છે એવો ભાસ તો આપો.

જગતનીં બહાર છું એવી રીતે રહીશ, લોકો!
મને તમારા જગતમાં સમાસ તો આપો.

જુઓ છો જેમ બધાને, ન મને એમ જુઓ
કદીક મારા ઉપર ધ્યાન ખાસ તો આપો.

દીવાનગીની જરા આબરુ તો રહી જાયે,
મને તમારા તરફથી લિબાસ તો આપો.

મર્યા પછી તો કબર આપશે બધા “બેફામ”
મરી શકાય જ્યાં એવો નિવાસ તો આપો.
‘બેફામ’ બરકત વિરાણી