હે કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.

હે કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.

હે પરમકૃપાળુ વ્હાલા, મેં પીધાં વિષનાં પ્યાલા,
વિષને અમૃત કરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.

ભલે છોરું કછોરું થાયે, તોયે તું માવતર કહેવાયે,
મીઠી છાયા દેનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.

મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો?
મારા સાચા ખેવનહારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.

મારું જીવન છે ઉદાસી, તારે ચરણે લે અવિનાશી,
રાધાનું દિલ હરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.

દોસ્તો ઘણા દરિયાવ નીકળ્યા !!

સાચે જ દોસ્તો ઘણા દરિયાવ નીકળ્યા,
રણની વચાળે જળનો લઈ દેખાવ નીકળ્યા.
અજવાળું શોધવા ગયા એ પુસ્તકો મહીં,
આકાશ પામવાને લઈ નાવ નીકળ્યા.
આ કેટલામી હાર પછીથી ખબર પડી,
અહીં જીતવાના સાવ અલગ દાવ નીકળ્યા
મન માનતું રહ્યું કે સદાથી અભિન્ન છે,
આ દેહ અને પ્રાણ જુદા સાવ નીકળ્યા
પથરાળ લાગતા હતા જે આદમી અહીં
પાસે ગયા તો પ્રેમમાં ગરકાવ નીકળ્યા
રુઝાઈ જો ગયા તો થયું એકલો પડ્યો,
મિસ્કીન કાળજાના અજબ ઘાવ નીકળ્યા

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.

કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે,
અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;
ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,
વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.

– ‘શૂન્ય’ પાલનપુરી

લીલા લહેર …

આજે દુનિયામાં કેટલું ઝેર છે,
કોણ જાણે લોકોને મારાથી શું વેર છે ?
મારી કબર પર લીલું ઘાસ જોઇને કહે છે લોકો,
…આને તો મર્યા પછી પણ લીલા લહેર છે