પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું

પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું,
જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું.

વધતો રહે છે, સહેજ પણ ઘટતો નથી કદી
છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને,
રાતો પસાર હું જેમ-તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

ખીલતો રહું છું હુંય ને ખૂલતો જઉં છું હું,
ગમતું રહે છે જેમ તને હું તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

ભૂલીને ઘાટ જૂજવા એકાંતની ક્ષણે,
ઓગાળી એને હેમનું હું હેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

– તુષાર શુક્લ

પરિક્ષા સદાયે કેમ લીધા કરે છે

એ જ મારી પરિક્ષા સદાયે કેમ લીધા કરે છે
ઝેર આપે કે અમૃત એ તો રોજ પીધા કરે છે

કોઇને ના આટી ધુટી સમજાય આ પ્રેમની જો
કોઇ પણ કારણ હોય..જાસા રોજ દીધા કરે છે

આમ તો સર મારું એની સામે ઝુકેલું રહે છે
જોઇ ને મારી આંખમા એ પ્રશ્ન કીધા કરે છે

સ્થાન મારું સમજાય ના..ઘટના બધી જે બને છે
જિંદ ને લાચારી સવાલો રોજ સીધા કરે છે

આ ખુમારી મારી ગઝલો પુરતી ટકાવી શકીએ
ચાહતોમાં સંજોગ મારા ગાત્રો જ ઢીલા કરે છે

તામ્રપત્રમાં કે હું ગઝલમાં નામ લખતો રહું પણ
વાંચતા માણસ કોઇ પણ તો નેણ તીણા કરે છે

મેળવ્યુ શુ કે શું ગુમાવ્યું ના વિચારો કશું પણ
ને ન વળગો એને કદી..એ કામ ખીલા કરે છે

(નરેશ કે.ડૉડીયા)

મંઝિલો દીવાલની પાછળ રહી જાશે..!!

સહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે.

કદમની બેડીઓ ‘કાયર’ સમા શબ્દો કહી જાશે.

જવાંમર્દીથી એક જ કૂદકે અવરોધ ટાળી દે,

નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે. .!!

 

– શૂન્ય પાલનપુરી

ઉમ્ર એના જ્ઞાનથી પરખાય છે

વીરની તલવાર એના મ્યાનથી પરખાય છે,
સિદ્ધની સાચી અવસ્થા ધ્યાનથી પરખાય છે.

કાળજી, પરહેજ, સ્લાહો ને તબીબોની દવા,
અંતમાં દર્દીની તબિયત ભાનથી પરખાય છે.

વર્ષ વીત્યાની ગણતરીથી બધાને તોલ મા,
આદમીની ઉમ્ર એના જ્ઞાનથી પરખાય છે.

સખ્ત મહેનતની મહત્તા આજ પણ ઓછી નથી,
આદમી છોને મળ્યા સન્માનથી પરખાય છે.

એ જ આશાથી હજી હું જાઉં છું મસ્જીદ મહીં,
કમ-સે-કમ ત્યાં આદમી ઈમાનથી પરખાય છે.

આ બહર ને છંદ શીખવાના ઉધામા છોડ તું,
આખરે ‘ચાતક’ ગઝલ તો કાનથી પરખાય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

બોલાવે ઘેર સાંજે, બાના સમુ સ્વજન હોય…

આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢઘન હોય;

ફણગો ફૂટે અડકતાં જ
ભીનોભીનો પવન હોય;

જે તે ચણ્યું ગમે ના,
કાચું પીમળતું વન હોય;

ઊગી જવાય વાડે
જો આ ક્ષણે વતન હોય;

જામીય જાય મૂળિયાં
જો થોડુ બાળપણ હોય;

સિમેન્ટમાં ઢૂં ઢૂં છું :
એકાદ મિટ્ટીકણ હોય;

ઠરવા ચહે છે આંખો
હરિયાળું ક્યાંક તૃણ હોય;

બોલાવે ઘેર સાંજે
બાના સમુ સ્વજન હોય.

-ઉશનસ્

એક છત નીચે બધાનાં થૈ ગયાં જ્યાં મન જુદાં !!

એક છત નીચે બધાનાં થૈ ગયાં જ્યાં મન જુદાં,
એકની એક જ ઘટે ઘટના છતાં વર્ણન જુદાં

સંત હો કે હો શરાબી રંક કે રાજા ભલે,
સર્વ બંધાયા અદીઠા, સર્વનાં બંધન જુદાં.

હાથ તો બંનેઉ એક જ રીતથી જોડે છતાં,
છે ભિખારીનાં જુદાં ને ભક્તનાં વંદન જુદાં.

વૃક્ષો-ફૂલો-પાંદડાં-પંખી બધું એક જ મગર.
હોય છે જંગલ જુદાં ને હોય છે ઉપવન જુદા.

તીર્થ એક જ ને પ્રભુ એક જ અને એક જ સમય,
જેટલી આંખો નિહાળે એટલાં દર્શન જુદાં.

ને સમય જ્યાં સ્હેજ બદલાયો અચાનક એ પછી,
જોઉં છું મિસ્કીન સૌનાં થઈ ગયાં વર્તન જુદાં.