મુજ ઈરાદો ઓ તરફ..

આ તરફ એની મુરાદો, મુજ ઈરાદો ઓ તરફ..
બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિન્દગી!

હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,
ફક્ત શ્વાસોચ્છવાસની અટકળ બની ગઈ જિન્દગી!

સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું,
હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઈ જિન્દગી!

વિશ્વમાં કો સાવકું સરનામું લઈ આવી ચડ્યો,
કાળની અબજો અજીઠી પળ, બની ગઈ જિન્દગી!

ફૂલને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો –
ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિન્દગી!

દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો!
આપ આવ્યા? હાય! દાવાનળ બની ગઈ જિન્દગી!

-વેણીભાઇ પુરોહિત

Leave a comment