શંભુ શરણે પડી

ભજન

શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો

 

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો દયા કરી

 

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો દયા કરી

 

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો દયા કરી

 

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો દયા કરી

 

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો દયા કરી

 

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો દયા કરી

 

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો

દયા કરી દર્શન શિવ આપો

 

One thought on “શંભુ શરણે પડી

  1. કેમ છો મિત્રો.

    બહુ સરસ ભજન છે. આ ભજનનાં શબ્દો મેં મારા બ્લોગ પર કોપી કરી ભીખુદાન ગઢવીનાં સ્વર સાથે મુક્યા છે. આપને કોઇ વાંધો તો નથીને?

    જો કોઇ પણ વાંધો હોય તો મને જણાવવા વીનંતી જેથી હું ઘટતું કરી શકું.

    આભાર
    http://www.krutesh.info/2010/08/blog-post_11.html#axzz0wGyAa5gU

Leave a comment